ETV Bharat / city

શ્રાવણ માસમાં ‘ઓન્લી ઇન્ડિયન NGO’ ચલાવતા વ્યક્તિએ શરૂ કરી મિલ્ક બેન્ક સેવા

author img

By

Published : Aug 11, 2020, 4:57 PM IST

પવિત્ર શ્રાવણ માસમાં જૂનાગઢમાં અનોખી મિલ્ક બેન્ક ચલાવવામાં આવી રહી છે. જેમાં શિવાલયોમાં ભગવાન શિવ પર કરવામાં આવતા દૂધના અભિષેકમાંથી જરૂરિયાતમંદ ગરીબ અને બીમાર લોકોને મદદરૂપ થવા તેનું વિતરણ કરવામાં આવે છે.

NGO in gujarat
ઓન્લી ઇન્ડિયન NGO

જૂનાગઢઃ શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો ભગવાન ભોળાનાથને રિઝવવા માટે દૂધનો અભિષેક કરતા હોય છે. જેમાં મોટા ભાગનું દૂધ વ્યર્થ થઈ જાય છે. પરંતુ શહેરમાં શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં મિલ્ક બેન્ક મૂકીને ભક્તો દ્વારા લવાયેલું દૂધ એકઠું કરવામાં આવે છે. ત્યારે Only Indian (ઓન્લી ઇન્ડિયન) સંસ્થા આ દૂધ એકઠું કરીને પછાત વિસ્તારોમાં જઈને બાળકો અને મહિલાઓને આ દૂધનું વિતરણ કરી સેવાનું કામ કરી રહ્યા છે.

શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી અનોખી મિલ્ક બેન્ક ચાલી રહી છે. પૂર્વ સરકારી કર્મચારી અને Only Indianના નામથી સમગ્ર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસમાં જૂનાગઢના વિવિધ શિવાલયોમાં ફરીને ભગવાન શિવ પર કરવામાં આવતા દૂધના અભિષેકમાંથી દૂધનો કેટલોક ભાગ મિલ્ક બેન્કમાં જમા કરાવીને એકત્ર કરવામાં આવે છે. આ દૂધ ગરીબ બાળકો, જરૂરિયાત મંદ મહિલાઓ અને બીમાર વ્યક્તિઓ સુધી પહોંચાડીને શ્રાવણ માસમાં Only Indian દ્વારા અનોખી શિવભક્તિ કરવામાં આવી રહી છે.

શ્રાવણ માસમાં ઓન્લી ઇન્ડિયન NGO ચલાવતા વ્યક્તિએ શરૂ કરી મિલ્ક બેન્ક સેવા

થોડા વર્ષો પહેલા ગુજરાતી કલાકાર પરેશ રાવલ દ્વારા અભિનીત ફિલ્મ ‘ઓહ માય ગૉડ’ રજૂ થઇ હતી. આ ફિલ્મમાં સમાજમાં વ્યાપેલી વિવિધ ધાર્મિક અંધશ્રદ્ધા ઉપર ખૂબ જ કટાક્ષ સાથે ભારે પ્રહારો પણ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાંથી કેટલાક લોકો સારી પ્રેરણા મેળવીને વિવિધ ધાર્મિક અંધશ્રદ્ધામાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જે ખરેખર સરાહનીય છે. જૂનાગઢમાં રહેતા અને શહેરમાં Only Indianના નામથી ઓળખાતા પૂર્વ સરકારી કર્મચારી દ્વારા શ્રાવણ માસ દરમિયાન વિવિધ શિવાલયોમાંથી એકત્રિત થયેલું દૂધ તેના યોગ્ય સ્થાને પહોંચાડીને શ્રાવણ માસમાં અનોખી કહી શકાય તેવી શિવભક્તિ કરી રહ્યા છે.

Only Indian વહેલી સવારે ઉઠીને વિવિધ શિવાલયોમાં મિલ્ક બેન્ક મૂકી આવે છે. આ મિલ્ક બેન્કમાં ભગવાન શિવ પર દૂધનો અભિષેક કરવા આવતા શિવ ભક્તો તેમની ઈચ્છાથી ભગવાન શિવ પર પ્રતિકાત્મક દૂધનો અભિષેક કરી અને બાકી રહેતું દૂધ મિલ્ક બેન્કમાં જમા કરાવે છે. દરરોજ પાંચથી સાત શિવ મંદિરોમાં આ પ્રકારની વ્યવસ્થા છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતી આવે છે. દિવસ દરમિયાન અંદાજે ૩૦થી ૪૦ લીટર જેટલું દૂધ મિલ્ક બેન્કમાં એકઠું થાય છે. મિલ્ક બેન્કમાં એકઠું થયેલું દૂધ જૂનાગઢમાં રહેતા ગરીબ મજૂર કુપોષિત બાળકો, સગર્ભા મહિલાઓ, અશક્ત વ્યક્તિઓ તેમજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી સુધી પહોંચાડવામાં આવે છે.

જૂનાગઢમાં શ્રાવણ માસ દરમિયાન મિલ્ક બેન્ક ચલાવતા Only Indianને હવે ગરીબ મજૂર અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ભારે આશાની નજરે જુએ છે. ભારતમાં પણ હજુ એવા લાખો લોકો છે કે, જેમને પીવાનું ચોખ્ખું પાણી પણ મળતું નથી. ત્યારે શ્રાવણ માસમાં અમૂલ્ય કહી શકાય તેવા દૂધનો વ્યય ન થાય અને આ દૂધ જરૂરિયાતમંદ સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા કરવા બદલ Only Indianને જૂનાગઢના લોકો આવકારી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.