ETV Bharat / state

જામનગરના જોડ્યા બાળકોને મળી દિલ્હીના માતાપિતાની છાંયા

author img

By

Published : Jul 29, 2020, 12:24 PM IST

જામનગરની સેવા સંસ્થા શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં માતા-પિતાથી વંચિત એવા જુડવા બાળકો ભરત અને ભારતીને બુધવારે દિલ્હીના દંપતી અમિત શ્રીવાસ્તવ અને માતા અર્ચનાબેન દ્વારા દત્તક વિધાન મુજબ કાયદાકીય રીતે દત્તક લેવામાં આવ્યા છે. આ સમયે બાળકોને સૂત્રમાળા પહેરાવી, રક્ષા બાંધી અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે તેમના દત્તક માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા.

ના ભરત અને ભારતીને મળ્યો પરિવાર
ના ભરત અને ભારતીને મળ્યો પરિવાર

  • જામનગરના જુડવા બાળક ભરત અને ભારતીને મળ્યો પરિવાર
  • જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના બાળકોને દત્તક માતા-પિતાને સોંપાયા
  • દિલ્હીના દંપતિ દ્વારા જામનગરના ટ્વીન્સ બાળકો ભરત અને ભારતીને દત્તક લેવાય

જામનગર: શહેરની સેવા સંસ્થા શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં માતા-પિતાથી વંચિત એવા જુડવા બાળકો ભરત અને ભારતીને આજે દિલ્હીના દંપતી અમિત શ્રીવાસ્તવ અને માતા અર્ચનાબેન દ્વારા દત્તક વિધાન મુજબ કાયદાકીય રીતે દત્તક લેવામાં આવ્યા છે, ત્યારે...

પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ,

પારણીયે ઝૂલે રે ઝીણી જ્યોત રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ..

મકરંદ દવેની આ પંક્તિ બાળ જન્મથી પરિવારમાં ઉત્સવના વાતાવરણની ઝલક દર્શાવી જાય છે, તો વળી માતા-પિતા વગરના બાળકોના વલોપાત વિશે પણ અનેક રચનાઓ નિર્માણ થઈ છે. એવામાં જામનગરના શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંસ્થાના આંગણે આજે એક પરિવારને પોતાના બાળકો અને બાળકોને તેમના માતા-પિતાનો મેળાપ થવાના શુભ અવસરનું નિર્માણ થયું હતું.

ના ટ્વીન્સ બાળકો ભરત અને ભારતીને  દત્તક લેવાયા
ના ટ્વીન્સ બાળકો ભરત અને ભારતીને દત્તક લેવાયા

જામનગરની સેવા સંસ્થા શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં માતા-પિતાથી વંચિત એવા જોડ્યા બાળકો ભરત અને ભારતીને આજે દિલ્હીના દંપતી અમિત શ્રીવાસ્તવ અને માતા અર્ચનાબેન દ્વારા દત્તક વિધાન મુજબ કાયદાકીય રીતે દત્તક લેવામાં આવ્યા છે. આ સમયે બાળકોને સૂત્રમાળા પહેરાવી, રક્ષા બાંધી અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે તેમના દત્તક માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. બંને બાળકોને પરિવાર મળતાં મંત્રી, સંસ્થાના ટ્રસ્ટીઓ, કર્મીઓ સર્વેએ આનંદની લાગણી વ્યક્ત હતી અને બાળકોને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે તેમના માતા-પિતાને સોંપ્યા હતા.

શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગરના આશરે 235 જેટલા બાળકો હાલ સુધીમાં દેશ-વિદેશમાં દત્તક લેવામાં આવ્યા છે, ત્યારે ભરત અને ભારતીના પોતાના પરિવાર સાથેના મેળાપના શુભ પ્રસંગે રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, "વિકાસગૃહ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. વિધવા, ત્યકતાઓને આશરો, પરિવારથી વંચિત બાળકોને સંસ્થામાં શિક્ષિત અને આદર્શ પાલન-પોષણ કરવામાં આવે છે. દીકરીઓના શિક્ષણ માટે તો સતત કાર્યરત આ સંસ્થા જામનગર માટે એક આદર્શ છે. આ સાથે જ તેમણે બાળકોને દત્તક લેનારા માતા-પિતાને શુભેચ્છાઓ આપી બાળક દ્વારા તેમના પરિવારમાં ખુશાલી અને તેમના થકી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય વિશેની કામના વ્યક્ત કરી હતી.

દિલ્હીના દંપતિ દ્વારા જામનગરના જુડવા બાળકો ભરત અને ભારતીને દત્તક લેવાયા

આ તકે દત્તક લેનારા પિતા અમિત શ્રીવાસ્તવ કે જેઓ દિલ્હી ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે, તો માતા અર્ચનાબેન પણ વ્યવસાયે ક્લિનિકલ કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ છે. દંપતીએ અતિ હર્ષની લાગણી અનુભવી સાથે પોતાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, “ માત્ર પોતાનું બાળક જ હોવું એ જરૂરી નથી. વિશ્વમાં એવા ઘણા બાળકો છે કે, જેઓ તેના માતા-પિતાની રાહ જોઈ રહ્યાં છે, તો ઘણા એવા માતા-પિતા છે કે જેઓ તેમના બાળકની રાહ જોઈ રહ્યા છે, ત્યારે બે વર્ષના અંતે આજે અમે બાળકોને મેળવીને અમે ખૂબ ખુશ છીએ. આવા માતા-પિતાની રાહ જોતાં બાળકોને દત્તક લઇ તેમના માતા-પિતા બની તેમની સાથે જીવનના નવા અધ્યાયનો પ્રારંભ તે ખૂબ મહત્વનું છે.

સંસ્થાના ટ્રસ્ટી કરસનભાઈ ડાંગરે કહ્યું હતું કે, આજે બાળકોનો પરિવાર સાથે મેળાપ થઈ રહ્યો છે. બંને બાળકો સંસ્થામાં આવ્યા ત્યારે કુપોષિત હતા, જે આજે તેઓ સુપોષિત થઈ પોતાના માતા-પિતાને મળ્યા છે. આ બાળકોના પણ સદ્ભાગ્ય છે કે, તેઓ એક સારા પરિવાર સાથે જોડાઇ રહ્યા છે. જેથી તેઓનું જીવન ઉજ્જવળ બની શકશે.

સામાન્યતઃ સમાજમાં હાલની પરિસ્થિતિમાં અનેક દંપતીઓ વંધ્યત્વથી પીડાતા હોય છે. પોતાના બાળકની આશાએ ઘણીવાર દંપતિઓ અંધશ્રદ્ધાના માર્ગે પણ વળી જતા હોય છે, ત્યારે આ દંપતિ દ્વારા આ બંને બાળકોને દત્તક લઇ સમાજને એક આદર્શ રાહ ચીંધવામાં આવી છે. અન્ય આવશ્યક દંપતિઓ પણ આ આદર્શ માર્ગ પર પોતાના ભવિષ્યની કેડી કંડારી એક માતા-પિતા વિહીન બાળકને પોતાનો સહારો આપી શકે છે અને એ બાળકના જીવનને તેમજ પોતાના પરિવારને પણ સુખમય બનાવી શકે છે. ઘણીવાર દત્તક લેવા ઇચ્છતા દંપતિઓમાં પણ ઘણા લોકોમાં દત્તકવિધાનની પ્રક્રિયા વિશે સ્પષ્ટતાપૂર્વકની સમજણ ન હોવાને કારણે તકલીફો પણ જાણવા મળી છે.

બાળક દત્તક લેવાની પ્રક્રિયા શું છે?
જે કોઇ દંપતી બાળકને દત્તક લેવા ઇચ્છતું હોય તે દંપતિએ સૌપ્રથમ www.cara.nic.in સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેમાં પાનકાર્ડ, આધારકાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, મેડિકલ રિપોર્ટ, ઇન્કમટેક્સ રિટર્ન, પોલીસ ક્લીયરન્સ અને બંનેનો ફોટો અપલોડ કરવાના હોય છે, ત્યારબાદ દંપતીને દીકરો કે દીકરી અંગેની પસંદગી માટે પણ તેમાં ઓપ્શન આપવામાં આવેલ હોય છે. સાઇટ પર જ બાળકને દત્તક લેવા માટેના કોઈપણ ત્રણ રાજ્યની પસંદગી અને સંસ્થાની પસંદગી પણ દંપતી દ્વારા કરવામાં આવે છે. આ રજિસ્ટ્રેશન બાદ સાઇટ દ્વારા જ પતિ-પત્નીના ઉંમરના સરવાળાના આધારે તેમને કેટલા વર્ષ સુધીનું બાળક દત્તક લઇ શકાય છે તેના વિશેની માહિતી આપવામાં આવે છે. તદુપરાંત સાઇટ પર દંપતી ટ્વીન કે સિંગલ બાળક અંગેની પોતાની પ્રાથમિકતા પણ જણાવી શકે છે.

આ આધારે કારા દ્વારા દંપતીને અનુરૂપ બાળકો વિશે જણાવવામાં આવે છે, જેમાંથી દંપતી બાળકની પસંદગી કરી શકે છે. રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા બાદ દંપતિનું સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથેનું ડોઝિયર તૈયાર થાય છે. દંપતિનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે તેમજ તેમનો હોમ સ્ટડી રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ એક પીડિયાટ્રીશન, એક બાળ સુરક્ષા અધિકારી અને એક મેનેજરીયલ કોર્ડીનેટરની બનેલી એડોપ્શન કમિટી દ્વારા દંપતીનો ઇન્ટરવ્યુ લેવામાં આવે છે.

આ પ્રક્રિયાના અંતે એલિજિબલ થતા દંપતીને બાળક દત્તક લેવા માટેની માન્યતા મળે છે. આ માન્યતામાં પ્રથમ સ્તરે ફોસ્ટર કેર એટલે કે બાળકના પાલન- પોષણ માટેની માન્યતા મળે છે. ફોસ્ટર કેરની મંજૂરી બાદ બાળકને દત્તક લેવા માટેની ફાઈલ કોર્ટમાં રજુ થાય છે, જ્યાં તપાસ બાદ કોર્ટ દ્વારા જજમેન્ટ આપી ડીડ ફાઇનલ કરવામાં આવે છે.

બાળક દત્તક કોણ લઈ શકે છે?
કોઈપણ દંપતિ પોતાના ત્રણ બાળકો સુધી અન્ય બાળકને દત્તક લઈ શકે છે, જો દંપતીને પોતાના ત્રણ બાળકો હોય તો તે ચોથા બાળક તરીકે બાળકને દત્તક લઈ શકે નહીં.

આમ, જો દત્તકવિધાન વિશેની સાચી સમજ એક કરને પારણું ઝુલાવવાનો અવસર અને એક બાળકને માતા-પિતાની છત્રછાયા મેળવવાની પ્રક્રિયાનો સમન્વય થઇ પરિવારને ખુશી આપવા માટેનું માધ્યમ બની શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.