ETV Bharat / state

કોડીનારના દેવળી, સિંધાજ અને આલિદર ગામે 970 લોકો કોરોનાગ્રસ્ત

author img

By

Published : May 12, 2021, 10:58 AM IST

કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એક મહિનાથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દેવળી ગામની 12 હજારની વસ્તીમાં છેલ્લા 1 માસમાં અંદાજે 450થી પણ વધુ લોકો કો૨ોનાથી સંક્રમિત થયા હતા.

કોડીનારના દેવળી, સિંધાજ અને આલિદર ગામે 970 લોકો કોરોનાગ્રસ્ત
કોડીનારના દેવળી, સિંધાજ અને આલિદર ગામે 970 લોકો કોરોનાગ્રસ્ત

  • કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં એક મહિનાથી કોરોનાનો હાહાકાર
  • દેવળી, સિંધાજ અને આલિદર ગામે 970 લોકો કોરોનાગ્રસ્ત, 57 મોત
  • કોવિડ ટેસ્ટ કરાવવા ગ્રામજનોને કોડીનાર સુધીના ધક્કા
  • આરોગ્ય સવલત અને રસીકરણમાં સરકારની ઘોર ઉપેક્ષા

ગીર સોમનાથ: કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એક મહિનાથી કોરોનાએ હાહાકાર મચાવતા માત્ર દેવળી, સિંધાજ અને આલિદર એમ 3 ગામના જ 970 લોકો કોરોનાગ્રસ્ત બની ચૂકયા છે અને 57 ગ્રામજનો મોતનાં મુખમાં ધકેલાઈ ગયા છે. કોવિડ ટેસ્ટ કરાવવા ગ્રામજનોને કોડિનાર સુધીના ધક્કા ખાવા પડી રહ્યા છે. ગંભીર સ્થિતિમાં પણ આરોગ્ય સવલત અને રસીકરણમાં સરકારની ઘોર ઉપેક્ષાથી ગ્રામીણ લોકોમાં ભારોભાર રોષની લાગણી પ્રસરી છે.

ટેસ્ટ ન થવાથી સંક્રમણ પણ વધુ ફેલાઈ છે

કોડીનાર નજીકના દેવળી(દેદાજી) ગામના ઉપસરપંચ ઉદયસિંહ મોરીના જણાવ્યા પ્રમાણે દેવળી ગામની 12 હજારની વસ્તીમાં છેલ્લા 1 માસમાં અંદાજે 450થી પણ વધુ લોકો કો૨ોનાના સંક્રમણમાં આવ્યા હતા. જે પૈકી હાલ 20 લોકો અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે તેમજ અંદાજે 200 લોકો હોમ ક્વોરન્ટાઇન છે અને સારવાર લઇ રહ્યા છે. છેલ્લા 1 માસમાં દેવળી ગામના 25 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. સદનસીબે છેલ્લા એક સપ્તાહથી નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. મુખ્ય તકલીફ તો એ છે કે કોરોના ટેસ્ટીંગ માટે કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. જેથી કોડીનાર ખાતે ટેસ્ટીંગ માટે જવું પડે છે અને ત્યાં પણ રેપીડ ટેસ્ટની કીટો ખાલી હોય અને RT-PCR ટેસ્ટ બપોર બાદ કરતાં નથી એટલે લોકોને ધક્કા થાય છે. ટેસ્ટ ન થવાથી સંક્રમણ પણ વધુ ફેલાઈ છે. રસી પૂરતા પ્રમાણમાં આવતી નથી એટલે માત્ર 25 ટકા જેટલુ જ રસીકરણ થયું છે. ગ્રામપંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન આપેલું છે. જેમાં સવાર અને સાંજ ૨ ૨કલાક જ ગામ ખુલ્લું રખાય છે.

1 માસમાં સિંધાજ ગામના 12 જેટલા લોકો મૃત્યુ પામ્યા

સિંધાજ ગામના સરપંચ સુનિલભાઈ રાઠોડના જણાવ્યા પ્રમાણે સિંધાજ ગામની 8 હજારની વસ્તીમાં છેલ્લા 1 માસમાં અંદાજે 250થી પણ વધુ લોકો કો૨ોનાના સંક્રમણમાં આવ્યા હતા. જે પૈકી હાલ 2 લોકો અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. તેમજ અંદાજે 50 લોકો હોમ ક્વોરન્ટાઇન છે અને સારવાર લઇ રહ્યા છે. છેલ્લા 1 માસમાં સિંધાજ ગામના 12 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા એક સપ્તાહથી નવા કેસો માં ઘટાડો જોવા મળ્યો છે. અહીનાં આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટીંગ કીટો પુરતી આવતી નથી. RT-PCR ટેસ્ટનો રીપોર્ટ મોડો આવે છે. સરકારી દવાખાનામાં માત્ર પ્રાથમિક સારવાર આપવામાં આવતી હોવાથી કોડીનાર જવું પડે છે. રસીકરણ પણ માત્ર 20 ટકા જ થયું છે. સવાર-સાંજ બે-બે કલાક જ દુકાનો ખોલવાનો નિર્ણય લેવાયો છે.

7 લોકો અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ

આલિદર ગામના સરપંચ પી. કે.પઢીયારે જણાવ્યું કે, આલિદર ગામની 10,000ની વસ્તીમાં છેલ્લા 1 માસમાં અંદાજે 270થી પણ વધુ લોકો કોરોનાના સંક્રમણમાં આવ્યા હતા. જે પૈકી હાલ 7 લોકો અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. તેમજ અંદાજે 60 લોકો હોમ ક્વોરન્ટાઇન છે અને સારવાર લઇ રહ્યા છે. છેલ્લા 1 માસમાં આલિદર ગામના 20 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. જોકે, થોડા દિવસોથી નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. ટેસ્ટીંગ બાબતે તેઓએ જણાવ્યું છે કે, વિઠ્ઠલપુર અને હ૨મડિયા આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટીંગ માટે જવું પડે છે. 45 વર્ષથી ઉપરના મોટાભાગે 60 ટકા જેટલું જ રસીકરણ થયું છે. ગ્રામ પંચાયત દ્વારા 10 બેડનું ઓક્સિજન સાથેનું આઈસોલેશન સેન્ટર ઉભું કરાયું છે. સ્વૈચ્છિક લોકડાઉન આપેલું છે. જેમાં બપોરે 2 વાગ્યા બાદ સજ્જડ બંધ રખાઈ છે. હજુ લોકોમાં કો૨ોનાનો ભય જોવા મળે છે.

કોડિનારના ત્રણ ગામોમાં કોરોનાની સ્થિતિ

ગામ વસ્તીકેસમોત
દેવળી1200045025
સિંધાજ8000 25012
આલિદર1000027020
કુલ3000097057
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.