ETV Bharat / state

Marcha Totka: બીમાર પતિ-પત્નીએ મરચાનો ટોટકો કર્યો, ધુમાડાથી શ્વાસ રૂંધાતા 9 વર્ષની બાળકીનું મોત, 5ને હોસ્પિટલ ખસેડાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2023, 7:12 PM IST

Updated : Sep 24, 2023, 7:50 PM IST

વાપીમાં ભડકમોરા-નાની સુલપડ વિસ્તારમાં એક ચાલીમાં રહેતા બીમાર પતિ-પત્નીએ સાજા થવા મરચાં સહિતના મસાલાનો ધુમાડો કર્યો હતો. જે બાદ રૂમમાં રહેલ 5 વ્યક્તિઓને ધુમાડાને કારણે ગૂંગળામણની અસર થઈ છે. જેમાં એક 9 વર્ષની બાળકીનું સારવાર દરમ્યાન મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું પ્રસરી વળ્યું છે.

મરચાનો ટોટકો
મરચાનો ટોટકો

મરચાના ધુમાડાથી શ્વાસ રૂંધાતા 9 વર્ષની બાળકીનું મોત

વાપી: વાપીમાં એક અજીબોગરીબ કિસ્સામાં પરિવારે પોતાની જ 9 વર્ષની બાળકીનો જીવ ખોયો છે. પતિ-પત્ની ઘણા સમયથી બીમાર હતાં. જેઓને કોઈની નજર લાગી હોવાનો વહેમ રાખી રૂમમાં મરચા અને બીજા મસાલાને બાળી ધુમાડો કર્યો હતો. જે ધુમાડાની 5 વ્યક્તિઓ પર ગંભીર અસર થઈ હતી. જેમાં એક 9 વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પરિવારના 4 સભ્યો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

5 વ્યક્તિઓને ધુમાડાને કારણે ગૂંગળામણની અસર
5 વ્યક્તિઓને ધુમાડાને કારણે ગૂંગળામણની અસર

ધુમાડાનું પ્રમાણ વધતા શ્વાસ ગૂંગળાયો: ઘટના અંગે વાપી ડિવિઝનના DYSP બી. એન. દવેએ વિગતો આપી હતી કે, વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલ નાની સુલપડ ખાતે કાલિદાસ ભાઈની ચાલીમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા મૂળ બિહારના મન્ટોસ નાખુંની રામ, પત્ની લલિતાદેવી રામ, 9 વર્ષીય પુત્રી અને તેમના બે સાળા બબલુકુમાર રજક, સોનુકુમાર રજક ઘરમાં હાજર હતાં. તે દરમ્યાન ઘરમાં મરચા સહિતના મસાલાનો ધુમાડો કર્યો હતો.

પાંચ સભ્યોને ઝેરી ધુમાડાની અસર: જે ધુમાડાનું પ્રમાણ વધતા પાંચેય ગૂંગળાયા હતાં. જેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં 9 વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પરિવારના બાકીના સભ્યો હાલ સારવાર હેઠળ છે. એક સાથે પાંચ સભ્યોને ઝેરી ધુમાડાની અસર વર્તાઈ હોવાની જાણકારી મળતા વલસાડ જિલ્લા પોલીસ, DYSP બી. એન. દવે સહિત પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચ્યો હતો. FSLની મદદથી ફોરેન્સિક રિપોર્ટ માટે જરૂરી પુરાવા એકઠા કરી વધુ તપાસ હાથ ધરી છે.

મરચાનો ધુમાડો કરવાનો ટોટકો: ઘટના અંગે મળેલ પ્રાથમિક વિગત મુજબ મૃતક બાળકીના માતા-પિતા ઘણા સમયથી બીમાર રહેતા હતા. જેથી તેમણે કોઈની નજર લાગી હોવાનો વહેમ રાખી મરચા અને અન્ય મસાલાનો ધુમાડો કરવાનો ટોટકો અજમાવ્યો હતો. જે દરમ્યાન રૂમમાં હવા-ઉજાશ માટે પૂરતી સગવડ નહોતી. જેથી પરિવારના પાંચેય સભ્યોનો શ્વાસ રૂંધાયો હતો અને બેભાન થઈ ગયા હતા. જે દરમ્યાન રૂમ બહાર ધુમાડો જોયા બાદ આસપાસના લોકોએ તેમના સગાસબંધીઓને બોલાવી દરવાજો તોડી તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતા.

બાળકીનું સારવાર દરમ્યાન મોત: પ્રાથમિક તપાસમાં ઘરમાં જ્યારે ઘુમાડાનું પ્રમાણ વધ્યું ત્યારે તમામ સભ્યોએ ગૂંગળામણ અનુભવી હતી. જેમાં 9 વર્ષની બાળકી બેહોશ થઈ ગઈ હતી. જ્યારે પરિવારના અન્ય સભ્યો અર્ધ બેહોશ જેવી હાલતમાં હતા. તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતાં. જ્યાં ઓક્સિજન નહિ મળવાથી બેહોશ બનેલી 9 વર્ષીય બાળકીનું મોત થયું હતું. જ્યારે પરિવારના અન્ય સભ્યો હાલ સારવાર હેઠળ છે. પરિવારની 9 વર્ષની બાળકીનું સારવાર દરમ્યાન મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું.

  1. Rajkot Superstition Case: ભૂવાએ ગર્ભમાં રહેલા બાળકની વિકલાંગતા દૂર કરવાના નામે દોઢ લાખ ખંખેર્યા
  2. Rajkot Superstition: અંધશ્રદ્ધાના નામે આહુતિ, કમળપૂજા વિધી કરીને પતિ-પત્નીએ હવનકુંડમાં માથા હોમી દીધા
Last Updated : Sep 24, 2023, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.