ETV Bharat / state

બનાસકાંઠાઃ ભીલડી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા મહિલાઓને અપાઇ છે સહાય

author img

By

Published : Oct 23, 2020, 9:56 PM IST

બનાસકાંઠા જિલ્લાના ભીલડી ગામ ખાતે મહિલા સરપંચ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં મહિલા સરપંચ દ્વારા ગામની તમામ દીકરીઓ અને મહિલાઓને સ્વખર્ચે ડિલિવરી તેમજ લગ્ન પ્રસંગે સહાય આપવાની શરૂઆત કરી છે.

Bhildi Gram Panchayat
ભીલડી ગ્રામપંચાયતના મહિલા સરપંચ દ્વારા મહીલાઓને અપાઇ છે સહાય

  • ભીલડી ગ્રામપંચાયતના મહિલા સરપંચે શરૂ કરી અનોખી પહેલ
  • દીકરીઓ અને મહિલાઓને સ્વખર્ચે ડિલિવરી તેમજ લગ્ન પ્રસંગે સહાય આપવાની કરી શરૂઆત
  • લગ્ન પ્રસંગે રૂપિયા 1100 અને પ્રસુતિ પ્રસંગે રૂપિયા 3100ની કરવામાં આવશે સહાય


બનાસકાંઠાઃ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે દીકરીઓ અને મહિલાઓ માટે કરોડો રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. હાલમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મહિલાને મહિલા સશક્તિકરણ કાર્યક્રમ થકી લોક જાગૃતિ લાવવામાં આવી રહી છે, ત્યારે ભીલડી ગામ ખાતે મહિલા સરપંચ દ્વારા ગામની તમામ દીકરીઓ અને મહિલાઓને સ્વખર્ચે ડિલિવરી તેમજ લગ્ન પ્રસંગે સહાય આપવાની શરૂઆત કરી છે.

ગામના વિકાસમાં ગીતાબેન મોદીની મહત્વની ભૂમિકા

જિલ્લાના ભીલડી ગામે ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન મોદી માત્ર 8 ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે, પરંતુ આજે ભીલડી ગામની મહિલાઓ અને દીકરીઓ માટે કરેલી કામગીરીથી ગુજરાતભરના લોકો માટે તેઓ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે. ગીતાબેન મોદી જાન્યુઆરી 2017ના રોજ ભીલડી ગ્રામ પંચાયતમાં પદભાર સાંભળ્યો હતો. ત્યારથી ગીતાબેન મોદી દ્વારા ભીલડી ગામને સી સી ટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું, ગામમાં શૌચાલય બનાવવામાં આવ્યા, મહિલાઓ માટે સીબીર યોજી 780 'માં કાર્ડ' બનાવી આપવામાં આવ્યા છે. ગામના વિકાસમાં ગીતાબેન મોદીની મહત્વની ભૂમિકા રહી છે. ગીતાબેન મોદી દ્વારા ભીલડી ગામની દીકરીઓ અને મહિલાઓને લગ્ન પ્રસંગે રૂપિયા 1100 અને પ્રસુતિ પ્રસંગે રૂપિયા 3100 ની સહાય આપવાની શરૂવાત કરવામાં આવી છે, જે એક પ્રેરણારૂપ સાબિત થઇ રહી છે.

ભીલડી ગ્રામપંચાયતના મહિલા સરપંચ દ્વારા મહીલાઓને અપાઇ છે સહાય

સરપંચની આ પહેલથી મહિલાઓ અને દીકરીઓને થશે ફાયદો

ગીતાબેન મોદી દ્વારા શુક્રવારને 23 ઓક્ટોબરથી મહિલાઓ અને દીકરીઓને સહાય આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેથી આજે શુક્રવારે પ્રથમ દિવસે મહિલાઓ અને દીકરીઓએ આ સહાયનો લાભ લીધો હતો. મહિલા સરપંચ દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાથી ભીલડી ગામની અનેક મહિલાઓ અને દીકરીઓને ફાયદો થઈ શકે તેમ છે. ત્યારે મહિલા સરપંચ ગીતાબેન દ્વારા શુક્રવારે ભીલડી ગામની મહિલાઓને આ યોજના અંગે માહિતગાર કરવા માટે ઘરે ઘરે જઈ સમજણ પુરી પાડવામાં આવી હતી અને જે પણ મહિલાઓ આ યોજનાનો લાભ લઈ રહી છે તે તમામ મહિલાઓ સરપંચની આ કામગીરીને વખાણી રહી છે.

લોકો માટે બની રહ્યા છે પ્રેરણારૂપ

જિલ્લાનું ભીલડી ગામ 5 હજાર વસ્તી ધરાવતું ગામ છે. ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન મોદી દ્વારા અગાઉ પણ ગામના વિકાસ માટે અનેક કાર્ય કરવામાં આવ્યા છે, ત્યારે હાલમાં ગીતાબેન મોદી દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે જે સહાયની શરૂઆત કરવામાં આવી છે, તે જોતા હાલ ગીતાબેન મોદી બનાસકાંઠા જિલ્લા અને સમગ્ર ગુજરાતના લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.