ETV Bharat / state

સીવણ ક્લાસના નામે ઠગાઈ કરનાર આંતરાજ્ય ઠગ ઝડપાયો, ત્રણ દિવસના રિમાન્ડ

author img

By

Published : Jan 7, 2021, 2:22 PM IST

સીવણ ક્લાસના નામે ઠગાઈ કરનાર આંતરાજ્ય ઠગ ઝડપાયો, ત્રણ દિવસના રિમાન્ડ
સીવણ ક્લાસના નામે ઠગાઈ કરનાર આંતરાજ્ય ઠગ ઝડપાયો, ત્રણ દિવસના રિમાન્ડ

અરવલ્લી જિલ્લાના ભીલોડામાં 100થી વધુ ગરીબ અને વિધવા મહિલાઓને સરકાર સહાયથી સીવણ મશીન આપવાની લાલચ આપી અરજદાર દીઠ રૂ.3000ની છેતરપિંડી કરી ફરાર થનાર આરોપીને ભીલોડા પોલીસે ટ્રાન્સફર વોરંટથી બરોડાથી ભીલોડા લાવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

  • અરવલ્લીમાં વિધવાઓના નાણાં ઓળવી જનારો ઠગ ઝડપાયો
  • ભીલોડા પોલિસ ટ્રાન્સફર વોરંટથી ભીલોડા લઇ આવી
  • કોર્ટે ત્રણ દિવસના રીમાન્ડ પર સોંપ્યો

    ભીલોડાઃ અરવલ્લી જિલ્લાના ભીલોડા નગરના રિષભ કોમ્પ્લેક્ષમાં દિવ્યાંગ ગિરધર પરમારે શ્રી પાલન સેવા સંસ્થાના શરૂ કરી હતી. જેમાં સરકારી યોજના થકી સીવણ મશીન અને રોજગારી આપવાની જાહેરાત કરી સીવણ ક્લાસ ચાલુ કર્યા હતાં. આ લેભાગુ સંસ્થાએ ત્રણ હજાર ફી રાખી ભીલોડા સહીત આજુબાજુના ગ્રામ્ય પંથકમાંથી 110 જેટલી મહિલાઓ પાસેથી નાણાં ઉઘરાવ્યા હતાં. સીવણ ક્લાસનો સમય પૂર્ણ થયા બાદ જ્યારે મહિલાઓએ મફત સીવણ મશીન અને સહાયની માગ કરી ત્યારે આરોપી ગિરધરે બહાના બતાવી, ફી પરત કરવાના વાયદાઓ કર્યા હતાં. .ત્યારબાદ લાગ જોઇ અચાનક ઓફિસના તાળાં મારી રફુચક્કર થઇ ગયો હતો. મજૂરી કરી પેટીયું રળતી મહિલાઓના ત્રણ હજાર રૂપિયા બરબાદ થતાં તેમની હાલત દયનીય બની હતી. જેમાં એક અરજદાર નઝમાબેન મન્સૂરીએ ભીલોડા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્વ ફરિયાદ નોંધાવી હતી. આરોપી ગિરધરને, પોલીસ ટ્રાન્સફર વોરંટથી વડોદરાની જેલમાંથી ભીલોડા લાવી હતી અને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.

  • કેવી રીતે છેતરપિંડી કરતો હતો આરોપી

    સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના માલપુર ગામના રહેવાસી આરોપી ગિરધર પરમાર પોતાની અપંગતાનો ફાયદો ઉઠાવી લોકોનો વિશ્વાસ જીતતો હતો. આરોપી વાક્ચાતુર્યથી મહિલાઓ અને તેમના પરિવારજનોને અરવલ્લી જિલ્લા કલેકટરના હાથે 200 સિલાઈ મશીન અપાવ્યાં હોવાની શેખી મારતો હતો અને અન્ય સરકારી સહાય થકી ગરીબ લોકોને મદદ કરી હોવાની ગુલબાંગ હાંકતો હતો.

  • વડોદરામાં પણ કર્યા છે કૌભાંડ

    આરોપીએ શ્રી પાલન સેવા સંસ્થાના નામે ટ્રસ્ટ ઉભું કરી અગાઉ વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગરીબ લોકોને સહાય અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. જેના પગલે વડોદરા પોલીસે તેને ઝડપી જેલના હવાલે કર્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.