ETV Bharat / state

Teachers Day 2023: "શિક્ષક કભી સાધારણ નહી હોતા" આ કહેવત સાર્થક કરી ઝાંપ પ્રાથમિક શાળાના શિક્ષક પ્રવિણભાઈએ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 12:55 PM IST

Updated : Sep 5, 2023, 4:32 PM IST

ગામની દીકરીઓએ હોકી ક્ષેત્રે સમગ્ર પંથકનું નામ રોશન કર્યુ
ગામની દીકરીઓએ હોકી ક્ષેત્રે સમગ્ર પંથકનું નામ રોશન કર્યુ

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ.....આપણી સંસ્કૃતિમાં ગુરૂને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમજ ચાણક્ય કહેતા "શિક્ષક કભી સાધારણ નહી હોતા". આ કહેવતને સાણંદના ઝાંપ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે સાર્થક કરી બતાવી છે. શિક્ષકના અથાગ પ્રયત્નોથી ઝાંપ ગામની શાળાની વિદ્યાર્થીનીઓ નેશનલ લેવલે હોકી ચેમ્પિયનશિપમાં ભાગ લેવા પણ જઈ રહી છે. વાંચો અસાધારણ શિક્ષકની પ્રેરણાદાયી સ્ટોરી...

Teachers Day 2023

અમદાવાદ: સાણંદ તાલુકાના નળસરોવર નજીક આવેલ ઝાંપ ગામની વિદ્યાર્થીનીઓએ હોકીની રમતમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ પાછળ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકનો બહુ મોટો ફાળો છે. વાત છે ઝાંપ પ્રાથમિક શાળાના શિક્ષક પ્રવિણભાઈની. જ્યારે પ્રવિણભાઈ આ શાળામાં શિક્ષક તરીકે જોડાયા ત્યારે શાળામાં ગામની માત્ર 70 જેટલી દીકરીઓ અભ્યાસ માટે આવતી હતી. પ્રવિણભાઈને આ વાત ખુંચી. તેમણે કન્યા કેળવણી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. પ્રવિણભાઈના સંનિષ્ઠ પ્રયત્નોને પરિણામે આજે શાળામાં 350થી વધુ દીકરીઓ અભ્યાસની સાથે હોકીની રમતમાં ગામ જ નહીં પરંતુ સમગ્ર પંથકનું નામ રોશન કરી રહી છે.

રાજ્ય સરકારે પણ કર્યું છે સન્માન
રાજ્ય સરકારે પણ કર્યું છે સન્માન

કન્યા કેળવણી માટે અથાક પ્રયત્નો કર્યાઃ ઝાંપ ગામની અંદર છેલ્લા 18 વર્ષથી પ્રવિણભાઈ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. પ્રવીણભાઈએ કન્યા કેળવણી માટે સઘન પ્રયત્નો કર્યા. જેમાં તેમણે ગામના લોકોને સમજાવીને દીકરીઓને શાળામાં મોકલવા જાગૃત કર્યા. હાલમાં જ આ દીકરીઓ ગામમાં જ નહીં પરંતુ બહાર ગામમાં પણ અભ્યાસ કરી રહી છે. અનેક દીકરીઓ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. દીકરીઓ શાળામાં શિક્ષણ મેળવીને પોતાના પગ પર ઊભા રહેવા કૃતનિશ્ચયી બની છે. પ્રવીણભાઈની મહેનતથી આજે શાળાની બાળકીઓ રાજ્ય તેમજ નેશનલ લેવલ સુધી પણ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લઈને વિજેતા થઈ છે.

શાળાની હોકી ટીમને મુખ્ય પ્રધાન દ્વારા મળ્યું છે સન્માન
શાળાની હોકી ટીમને મુખ્ય પ્રધાન દ્વારા મળ્યું છે સન્માન

'હું આ શાળાની અંદર 2004 માં શિક્ષક તરીકે જોડાયો હતો.જે સમયે હું આ શાળામાં જોડાયો તે સમયે ગામની દીકરીઓ શાળાએ આવતી ન હતી. માત્ર 70 જેટલી જ દીકરીઓ શાળાએ આવતી હતી. ત્યારે વિચાર આવ્યો કે આ દીકરીઓને શિક્ષણ તરફ આગળ લાવવા માટે રમત ગમતમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તેમને આપણી રાષ્ટ્રીય રમત હોકી તરફ આકર્ષિત કરી તેમને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. આજે શાળામાં વિદ્યાર્થીનીઓની સંખ્યા વધીને 350 પર પહોંચી છે.' -પ્રવિણભાઈ, શિક્ષક, ઝાંપ પ્રાથમિક શાળા

સખાવતીઓનો પણ મળ્યો સાથઃ અભ્યાસની સાથે સાથે અન્ય રમતોમાં પણ રમાડી શકાય તે માટે તેમને દીકરીઓને હોકી રમત રમાડવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં હોકી રમવા માટે શાળાની અંદર તૂટેલી હોકીની સ્ટિકો હતી. જેટલી દીકરીઓ શાળામાં આવતી હતી તેમને હોકીથી રમાડવાની શરૂઆત કરી. ત્યારબાદ દીકરીઓ શાળામાં આવતી થઈ અને હોકી રમવા માટે તૈયાર પણ થઈ હતી. આ દીકરીઓને હોકી પ્રત્યે રમત જોઈને સાણંદ તાલુકા ક્ષેત્રે માનવસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી મનુભાઈ બારોટ હોકી સ્ટિક, બૂટ, મોજા, હેલ્મેટ, ગ્લોવ્ઝ, પગમાં પહેરવાના પેડ વગેરે સામાન શાળાને દાનમાં આપ્યો હતો.

Teachers Day 2023
Teachers Day 2023

રમત ગમતમાં વિદ્યાર્થીનીઓએ મેળવી સફળતાઃ આ દીકરીઓ તાલુકા કક્ષાએ,જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ પણ અન્ય ટીમોને હરાવીને વિજેતા બની રહી હતી. ગાંધીનગર, સુરત, છોટાઉદેપુર જેવા જિલ્લા કક્ષાની રમત-ગમતમાં પણ ભાગ લઈને ચેમ્પિયન બની છે. આ શાળાની દીકરીઓ નેશનલ કક્ષાએ પણ હોકીની સેમિફાઈનલમાં ભાગ લઈ ચૂકી છે. આ જ ગામની દીકરીઓ એક સમયે શાળામાં અભ્યાસ કરવા માટે આવતી ન હતી, પરંતુ હવે આ જ દીકરીઓ શાળામાં અભ્યાસ સાથે સાથે હોકીની રમતમાં પણ પ્રશંસનિય પ્રદર્શન કરી રહી છે. આ જ દીકરીઓ નેશનલ ગેમ્સમાં રમવાનું સપનું જોઈ રહી છે. નેશનલ ગેમ્સમાં વિજેતા બનીને દેશ તેમજ પોતાના ગામનું નામ રોશન કરવા માટે તેઓ સતત મહેનત પણ કરી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃતઃ વર્ષ 2022માં રાજ્ય કક્ષાએ વિજેતા થયેલી ટીમનું ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શિક્ષક પ્રવિણભાઈને પણ ગુજરાતના શિક્ષણ મંત્રી દ્વારા વિદ્યાગુરુ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની DLSS સ્કીમ અંદર અંદાજીત પંદર જેટલી બાળકીઓ અભ્યાસ કરી રહી છે. ત્યાંથી તેમને નેશનલ ગેમ સુધી રમવાની પ્રેરણા અને જુસ્સો પ્રવિણભાઈ પૂરો પાડી રહ્યા છે. ધન્ય છે આવા સમર્પિત શિક્ષકને.

  1. Teachers Day 2023 : નવસારીના શિક્ષકે નવતર પ્રયોગ થકી ભાર વિનાના ભણતરને સાર્થક કરી બતાવ્યું
  2. Teachers Day 2023 : 20 વર્ષોથી દિવ્યાંગ વિદ્યાર્થીનીઓને પગભર કરવા પ્રયત્નશીલ ગીતાબેન ભટ્ટ
Last Updated :Sep 5, 2023, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.