ETV Bharat / state

Teachers Day 2023 : 20 વર્ષોથી દિવ્યાંગ વિદ્યાર્થીનીઓને પગભર કરવા પ્રયત્નશીલ ગીતાબેન ભટ્ટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 11:21 AM IST

Teachers Day 2023
Teachers Day 2023

20 વર્ષોથી દિવ્યાંગ વિદ્યાર્થીનીઓને પગભર કરવા પ્રયત્નશીલ શિક્ષક ગીતાબેન ભટ્ટ દિવ્યાંગતાના ધોરણે શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક આપવામાં આવ્યું છે. માધાપરની શ્રી નવચેતન અંધજન મંડળ સંચાલિત સંમિલિત કન્યા શાળામાં દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ આત્મનિર્ભર બને તો માટે સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.

20 વર્ષોથી દિવ્યાંગ વિદ્યાર્થીનીઓને પગભર કરવા પ્રયત્નશીલ ગીતાબેન ભટ્ટ

કચ્છ : શિક્ષક પોતાનું સમગ્ર જીવન વિદ્યાર્થીઓને પગભર કરવા તેમજ તેમના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સમર્પિત કરી દેતા હોય છે. કચ્છના માધાપરની શ્રી નવચેતન અંધજન મંડળ સંચાલિત સંમિલિત કન્યા શાળાના શિક્ષકે પોતાનું સમગ્ર જીવન દિવ્યાંગ વિદ્યાર્થીઓને પગભર કરવા પાછળ સમર્પિત કર્યું છે. ભુજના શિક્ષિકા ગીતાબેન ભટ્ટ છેલ્લા 20 વર્ષોથી દિવ્યાંગ વિદ્યાર્થિનીઓને ઉદ્યોગ શિક્ષણ આપી તેમને વિવિધ વ્યવસાયની તાલીમ આપે છે. જે થકી દિવ્યાંગ બાળકીઓ વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ મેળવે છે. આ વર્ષે ગીતાબેનને દિવ્યાંગતાના ધોરણે શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્ય પારિતોષિક એનાયત કરવામાં આવશે.

ગીતાબેનની સિદ્ધિ
ગીતાબેનની સિદ્ધિ

નવચેતન અંધજન મંડળ : માધાપરની શ્રી નવચેતન અંધજન મંડળ સંચાલિત સંમિલિત કન્યા શાળામાં દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ સાથે નોર્મલ વિદ્યાર્થીનીઓ પણ અભ્યાસ કરે છે. દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ સમાજના મુખ્ય પ્રવાહમાં રહી પગભર થઈ શકે, તે માટે તેમને ખાસ ઉદ્યોગ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ સંસ્થા ખાતે છેલ્લા 20 વર્ષોથી ઉદ્યોગ શિક્ષણ આપતા ગીતાબેન ભટ્ટ આ બાળકીઓને વિવિધ તાલીમ આપી તેમને પગભર કરવા પ્રયાસ કરે છે. વર્ષ 2003થી ગીતાબેન માધાપરની નવચેતન અંધજન મંડળ સંચાલિત સંમિલિત કન્યા શાળા સાથે જોડાયા હતા. ત્યારથી તેઓએ વિદ્યાર્થિનીઓને ઉદ્યોગ શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું.

વ્યવસાયલક્ષી શિક્ષણ
વ્યવસાયલક્ષી શિક્ષણ

દિવ્યાંગ દીકરીઓ : આ શાળામાં જુદી જુદી દિવ્યાંગતાની કેટેગરી વાળી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે. જેમાં મૂકબધિર, શારીરિક અને માનસિક દિવ્યાંગ, દ્રષ્ટિક્ષતિ ધરાવતી વિદ્યાર્થીનીઓ છે. જુદી જુદી દિવ્યાંગતા ધરાવતી દીકરીઓને શિક્ષણ લેવાનું આવે ત્યારે અનેકવિધ પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને વિધાર્થિનીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઉદ્યોગ શિક્ષણમાં દિવ્યાંગ વિદ્યાર્થીનીઓને વિવિધ પ્રવુતિઓ શીખવાડવામાં આવી રહી છે. જેથી કરીને ભવિષ્યમાં અહીંની દીકરીઓ આત્મનિર્ભર પણ બની શકે છે.

આ શાળામાં ઉદ્યોગ શિક્ષક તરીકે કાર્યરત છું. ત્યારે ખુશીની વાત જણાવતા આનંદ થાય છે કે, 2023માં દિવ્યાંગતાના ધોરણે શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્ય પારિતોષિક પ્રાપ્ત થયો છે. જેની ખુશી છે. ઉદ્યોગ શિક્ષક તરીકે કાર્યદક્ષતાની વાત કરવામાં આવે તો, આ શાળામાં બાળકો અભ્યાસની સાથે સાથે ઉદ્યોગ શિક્ષણ લઈ રહ્યા છે. ત્યારે અનેક દિવ્યાંગતા ધરાવતી વિદ્યાર્થીનીઓને વિવિધ પ્રવૃત્તિઓનું શિક્ષણ આપીને તેનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યું છે. -- ગીતાબેન ભટ્ટ (ઉદ્યોગ શિક્ષક)

વ્યવસાયલક્ષી શિક્ષણ : શાળામાં વિદ્યાર્થીનીઓને સિલાઈકામ શીખવવામાં આવે છે. ભરતગૂંથણ, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ, માટીના ગણપતિ, ગ્રીટીંગ કાર્ડ બનાવતા શીખવાડવામાં આવી રહ્યું છે. તો તહેવારોને અનુલક્ષીને પણ ઉદ્યોગમાં પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેમાં રક્ષાબંધનના તહેવાર પર રાખડી, દિવાળી સમયે દીવડા, નવરાત્રી સમયે ગરબા, આરતીની થાળીનો શણગાર, દાંડિયા ડેકોરેશન, ગૃહ સુશોભનની વસ્તુઓ વગેરે જેવી અનેકવિધ વસ્તુઓ દિવ્યાંગ દીકરીઓને જીવનમાં ઉપયોગી થાય તે માટે ઉદ્યોગના શિક્ષક ગીતાબેન સતત પ્રયત્નશીલ રહ્યા છે.

શૈક્ષણિક પ્રક્રિયાઓમાં સક્રિય : ઉદ્યોગ શિક્ષણ ઉપરાંત વિષયનું શિક્ષણ પણ ગીતાબેન દ્વારા કોરોના કાળમાં ઓનલાઇન આપવામાં આવ્યું હતું. વિવિધ માધ્યમો અને પ્રવૃતિઓ દ્વારા શિક્ષણ આપવાનું કાર્ય કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શાળાકીય રમતોત્સવની સાથે સાથે ખેલ મહાકુભમાં પણ ગીતાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિનીઓને ઉતરોત્તર સિદ્ધિ અપાવી છે. દીકરીઓને જીવનમાં ઉપયોગી બને તેવી રીતે શૈક્ષણિક પ્રક્રિયાને સક્રિય રાખવામાં આવી રહ્યી છે.

શિક્ષણનો ઉદ્દેશ્ય : ખાસ કરીને વાત કરવામાં આવે તો અન્ય વિશિષ્ટ પ્રવુતિઓ કે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમ અમલમાં આવતા હોય છે. જેમ કે આઝાદીનો અમૃત મહોત્સવ તેમજ G20 જેવા મોટા અને સફળ કાર્યક્રમોમાં પણ તેમને સફળ કામગીરી કરી છે. આ તમામ પ્રવૃતિઓથી દીકરીઓમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ આગળ વધે તેવો જ ઉદ્દેશ્ય રહેલો છે.

ગીતાબેનની સિદ્ધિ : ગીતાબેન ભટ્ટે પોતાને મળેલા એવોર્ડની શ્રેય અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેમની આ સિદ્ધિ પાછળ તેમના પતિ કમલેશ ભટ્ટને આપ્યો હતો. આ પ્રવુતિઓ અને દિવ્યાંગ દીકરીઓ માટે કાર્ય કરવા માટે સતત તેમને સાથ સહકાર અને પ્રોત્સાહન મળ્યું છે. ઉપરાંત ગીતાબેને તેમના પરિવારજનોની સાથે સાથે શ્રી નવચેતન અંધજન મંડળના જનરલ સેક્રેટરી લાલજીભાઈ પ્રજાપતિ, મંત્રી હિમાંશુભાઈ સોમપુરા, ખજાનચી જીણાભાઇ દબાસિયા, ચીફ કોર્ડીનેટર દીપક પ્રસાદ સમસ્ત ટ્રસ્ટીઓના સાથ સહકાર થકી જ આ સિદ્ધિ મેળવી છે.

સેવાકીય કાર્ય : ગીતાબેન માને છે કે શાળાની વિદ્યાર્થીનીઓ જુદી જુદી દિવ્યાંગતા ધરાવતી હોય છે. ત્યારે દરેકની ક્ષમતા એક સરખી નથી હોતી. માટે દિવ્યાંગ વિદ્યાર્થીનીઓને તેમની ક્ષમતા પ્રમાણે, યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય જરૂરિયાત મુજબનું શિક્ષણ આપવું જોઈએ. શિક્ષકનું જે કાર્ય છે તે નોકરીને અનુલક્ષીને નહીં, પરંતુ એક સેવાકીય કાર્ય માનીને દિવ્યાંગ બાળકો સાથે સ્નેહ, સહકાર અને પૂરેપૂરા માર્ગદર્શન સાથે લાગણી સભર શિક્ષણ આપવાનું કાર્ય કરવું જોઈએ.

  1. Teachers Day 2023 : જૂનાગઢના સુરેશભાઈ મોણપરા, જેમણે શિક્ષણની જ્યોત જગાવવા શરૂ કરી નવતર પહેલ
  2. Teachers Day 2023: આ રીતે શિક્ષક દિવસની શરૂઆત થઈ, જાણો તેનો ઈતિહાસ શું છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.