ETV Bharat / state

ICC World Cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારમાં લહેરાઈ રહ્યો છે વાદળી રંગનો સમુદ્ર

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 2:06 PM IST

આજે અમદાવાદમાં રમાનાર ભારત પાકિસ્તાનની મેચ વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ હોય તેવું વાતાવરણ જોવા મળે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ફૂટપાથો પર ફેરિયાઓએ અડિંગો જમાવી દીધો છે. તેમજ ક્રિકેટપ્રેમીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ રહ્યા છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારમાં લહેરાઈ રહ્યો છે વાદળી રંગનો સમુદ્ર
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારમાં લહેરાઈ રહ્યો છે વાદળી રંગનો સમુદ્ર

અમદાવાદઃ આજે અમદાવાદમાં રમાનાર ભારત પાકિસ્તાનની મેચ વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ હોય તેવું વાતાવરણ જોવા મળે છે.

આજના દિવસે અદાણી તરફથી 25000 સફેદ ટોપી મફતમાં પ્રેક્ષકોને વહેંચવામાં આવી રહી છે. આ વિતરણ સીએસઆર હેઠળ કરવામાં આવી રહ્યું છે. ટોપીઓનું વિતરણ કરવા માટે અદાણી કંપનીનો સ્ટાફ સ્ટેડિયમની ચો તરફ ગોઠવાઈ ગયો છે. એક કર્મચારીએ પોતાની ઓળખ ન આપવાની શરતે જણાવ્યું કે અમે સીએસઆર એક્ટિવિટીઝ હેઠળ આ ટોપીઓનું મફત વિતરણ કરીએ છીએ, અદાણી તરફથી સ્કૂલ બેગ અને અન્ય સામાન પણ વહેંચવામાં આવે છે.

સામાન્ય દિવસોમાં મોટેરાનું તાપમાન 34થી 36 સુધી રહે છે, આ ગરમીથી બચવા માટે સફેદ ટોપી કારગત નીવડે છે. જો કે ગરમીથી બચવા કરતા અમે અદાણી કંપનીનો પ્રચાર પ્રસાર થાય તેના માટે આ ટોપીઓનું વિતરણ કરીએ છીએ.

અદાણી તો બહુ દૂરની વાત છે તમે એક સામાન્ય ગુજરાતીને પણ વેપારથી દૂર રાખી શકો નહીં. ગુજરાતીઓની વેપાર કરવાની સરળતા તમને આશ્ચર્ય ચકિત કરી દેશે. સ્ટેડિયમના ગેટ નં.2ની બહાર પ્રવિણ અને નમ્રતાએ એક 'હેલ્ધી' સ્ટોર શરુ કર્યો છે. જેમાં તેઓ ઘઉંમાંથી બનેલા પફ, પોપકોર્ન અને ચાટ્સનો વેપાર કરી રહ્યા છે. આ સ્ટોલ ચલાવતા પ્રવિણ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે જ્યારે નમ્રતા કાબેલ એન્જિનિયર છે.

અમારે અમારી વેપાર ક્ષમતા ચકાસવી હતી તેથી અમે આ સ્ટોલ લગાવ્યો છે. અમે અહીં નજીક જ રહીએ છીએ, પરંતુ અમારે જોવું છે કે અમે કેવો વેપાર કરી શકીએ છીએ તેથી અમે આ પ્રયત્ન કર્યો છે...પ્રવિણ(ઓનર, હેલ્ધી સ્ટોલ)

અમે સ્ટેટેસ્ટિકલ રિસર્ચ કર્યુ છે. જેમાં આ ગેટથી 30000 પ્રેક્ષકો પ્રવેશ કરવાના છે. જે અમારા સ્ટોલ પાસેથી પસાર થશે. તેમાંથી જો 300 લોકો પણ અમારુ પાસેથી ફૂડ આઈટમ્સ ખરીદશે તો અમે ફાયદામાં રહીશું...નમ્રતા(ઓનર, હેલ્ધી સ્ટોલ)

ફૂડ આઈટમ્સ સિવાય સીસોટી, પીપુડા, ટોપીઓ, માસ્ક સિવાય જર્સીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. વાદળી રંગની જર્સીઓ એટલી બધી દેખાય છે કે એક વાદળી સમુદ્ર હિલોળા લેતો હોય તેવું દેખાય છે. આ વાદળી જર્સીમાં કોહલીની ટી-શર્ટ હોટ ફેવરિટ છે. જ્યારે રોહિત અને હાર્દિકના નામની વાદળી જર્સીઓ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાઈ રહી છે.

અરિજીતના પર્ફોર્મન્સને માણવા માટે સવારે 10.30 કલાકે ખુલનારા આ સ્ટેડિયમની આસપાસની દરેક ગલી, દરેક રસ્તો વાદળી રંગની લહેરથી ઉભરાઈ ગયો છે. આ વાદળી રંગની લહેરમાં એક પણ કણ લીલા રંગનો નજરે પડતો નથી. સ્પેશિયલ સેરેમની બાદ અસલી શો તો બપોરે 2 કલાકે ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન જોવા મળશે.

ગણપતિની મૂર્તિઓ બનાવનાર કારીગર રાહુલને મળો. રાહુલે કાલુપુરથી 100 રુપિયાની એક એવી કોહલી ટીશર્ટ ખરીદી હતી. ગઈકાલે તેણે 200 રુપિયાની એક એવી 80 ટીશર્ટ વેચી દીધી હતી. હવે તેની પાસે માત્ર 60 જેટલી ટીશર્ટ બચી છે. રાહુલને વિશ્વાસ છે કે તે દરેક ટીશર્ટ વેચી શકશે. રાહુલે આ નિવેદન આપ્યું ત્યારે તેમની સાથી બહુ ઉત્સાહમાં સાડી અને ચમકીલી નોઝપિનમાં પોઝ આપી રહી હતી.

મોટેરા મેટ્રો સ્ટેશનના પિલર નીચે પીપુડા વેંચતા સુનિતાબેન જોવા મળ્યા. તેમણે 20 રુપિયામાં દિલ્હીના ગાંધીનગરથી કુલ 100 પીપુડા ખરીદ્યા છે. જો કે પીપુડાનો માલ રાજકોટ, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હીથી આવે છે. સુનિતાબેને અડધા પીપુડા વેચી દીધા છે. તેમણે એક પીપુડાની કિંમત 50 રુપિયા રાખી છે. સુનિતાબેન પાસે લીલા રંગના પીપુડા જોવા મળે છે. આ સમગ્ર વિસ્તારમાં અહીં એક માત્ર લીલો રંગ જોવા મળે છે.

મોટેરાનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મંદિર, હવેલીઓ, ઝુંપડપટ્ટી, એલઆઈજી આવાસોથી ઘેરાયેલું છે. અહીં રહેતા નાગરિકો આ વિશાળ આયોજનના મૂક પ્રેક્ષક બની રહે છે. જો કે તેઓ શ્રાદ્ધ પક્ષના છેલ્લા શનિવારે પ્રતિબંધિત જીવન જીવવાથી ઈનકાર કરે છે. પીપળાના વૃક્ષ પર જળ ચડાવતી મહિલાઓ, ઝડપથી પૂજા કરતા પંડિતો, ગેટ નં.2 પાસેના મંદિર તરફ પૂજાની થાળી સાથે જતા ભક્તો સ્ટેડિયમ તરફ આવી રહેલા પ્રેક્ષકોની સાથે ભળી જાય છે.

પંદર વર્ષનો અશ્વિન રાજકોટથી ટ્રેન મારફતે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવ્યો છે. જે વિવિધ કદના તિરંગાનું વેચાણ કરી રહ્યો છે. જેમાં 10, 30,50 અને 100 રુપિયાના તિરંગાનો સમાવેશ થાય છે. જ્યારે તેનો ભાઈ તિરંગાના ત્રણેય કલરની બોટલ સાથે પ્રેક્ષકોના શરીર પર તિરંગોને દોરવાનું કામ કરી રહ્યો છે.

સ્ટેડિયમની અંદર પણ જોરદાર કાર્યવાહી થઈ રહી છે. સ્ટેડિયમમાં દાખલ થવા માંગતા પ્રેક્ષકો ગેટને ખખડાવી રહ્યા છે જેને પોલીસ, આરપીએફ અને ખાનગી સુરક્ષા કર્મચારીઓ કાબુ કરી રહ્યા છે.

આ દરમિયાન ક્યુરેટર્સ પિચની પણ સાર સંભાળ કરી રહ્યા છે. ગ્રાઉન્ડ સ્ટાફનું એક ગ્રૂપ આઉટ ફિલ્ડ પર કીટનાશકનો છંટકાવ કરી રહ્યા છે. જેનાથી ઝાંકળ થોડી ઓછી થાય છે. જો કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઝાંકળની સમસ્યા બહુ નહીં નડે તેવું જણાવી ચૂક્યા છે. જો કે ક્યુરેટર્સ કોઈ જોખમ લેવા માંગતા નથી. આ સ્પ્રેથી ઘાસ એટલું સુકાઈ જાય છે કે જે ઝાંકળ પડે તે સત્વરે શોષાઈ જાય છે. તેનાથી બોલ બહુ ભીનો થતો નથી.

12.30ની સ્પેશિયલ સેરેમની માટે પેવેલિયન એન્ડથી સેલેબ્સને ભારે સુરક્ષા વચ્ચે લાવવામાં આવી રહ્યા છે. કુલ 1.32 લાખ પ્રેક્ષકોની વચ્ચે મેચની શરૂઆત અરિજીત સિંહ, સુખવિંદર સિંહ અને શંકર મહાદેવનના ધડકતા સંગીત સાથે થશે.

  1. ICC World Cup 2023: કર્ણાટકથી ક્રિકેટ ફેન્સ મેચ માણવા અમદાવાદ પધાર્યા, સ્ટેડિયમ બહાર ક્રિકેટ હિસ્ટેરિયા છવાયો
  2. IND Vs PAK: પાકિસ્તાનને સમર્થન આપવા સ્ટેડિયમ પહોંચ્યા બે પાકિસ્તાની ફેન્સ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.