ETV Bharat / state

Abandoned Fetus : માતૃત્વને લાંછન લગાડતો કિસ્સો, અનૈતિક સંબંધોના કારણે ગર્ભવતી બનેલી મહિલાએ ભ્રૂણને ત્યજ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 1:07 PM IST

Abandoned Fetus
Abandoned Fetus

અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક નવજાત ભ્રૂણ મળી આવ્યું હતું. આ અંગે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા શંકાસ્પદ મહિલાઓ મળી આવી હતી. જેમની પૂછપરછ કરતા ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. અનૈતિક સંબંધોના કારણે ગર્ભવતી બનેલી મહારાષ્ટ્રની મહિલાએ અમદાવાદ આવી ભ્રૂણને ત્યજ્યું હોવાનો ખુલાસો થયો છે.

અમદાવાદ : એક કહેવત છે કે, છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય. પરંતુ અમદાવાદમાં અનેક ઘટનાઓ મા પર લખાયેલી તમામ કહેવતોનો ખોટી પાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના થોડા દિવસો પહેલા સરખેજમાં બની હતી. જેમાં એક નવજાત ભ્રૂણને ત્યજી માતા ફરાર થઈ ગઈ હતી. જે ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય બાબતો તપાસી અંતે ભ્રૂણને ત્યજનાર માતા અને તેની મદદ કરનાર એક મહિલાની ધરપકડ કરી છે. એકસ્ટ્રા મેરિટલ અફેર્સના કારણે મહિલા ગર્ભવતી થઈ હતી. બાળકનો જન્મ છુપાવવા માટે મહારાષ્ટ્રથી અમદાવાદ આવીને ગર્ભપાત કરાવી બાળ ભ્રૂણનો નિકાલ કર્યો હોવાનો ખુલાસો થયો છે.

નવજાત ભ્રૂણ મળ્યું : અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં આ મામલે 27 ઓગસ્ટના રોજ ગુનો દાખલ થયો હતો. જેમાં એક અજાણી સ્ત્રી દ્વારા તેને બાળકનો જન્મ છુપાવવા માટે સરખેજ ધોળકા સર્કલ, શેરઅલી બાવાની દરગાહ પાસે એએમટીએસ બસ સ્ટોપ પાસે ભ્રૂણને ત્યજી દેતા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. સરખેજ પોલીસ દ્વારા બનાવ સ્થળ પાસેના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ગુનામાં માનવ ભ્રૂણને ત્યજી દેનાર મહિલા સાથે બીજી બે મહિલાઓ જોવા મળી હતી. ઉપરાંત એક ઓટો રિક્ષામાં ગુનાવાળી જગ્યાએ તેઓ આવ્યા હતા. જે રીક્ષાની પાછળ “Offer your Price” લખેલું ધ્યાને આવ્યું હતું.

પોલીસ તપાસ : જોકે રીક્ષાનો નંબર સ્પષ્ટ વંચાતો ન હોવાથી સરખેજ-ધોળકા સર્કલથી એલિસ બ્રિજ સુધીના અલગ અલગ જગ્યાએ સીસીટીવી ફૂટેજ પોલીસે ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ત્રણ મહિલા વી.એસ હોસ્પિટલ ખાતેથી બનાવવાળી જગ્યાએ આવી હોવાની હકીકત સામે આવી હતી. જેના આધારે વી.એસ હોસ્પિટલ ખાતેના સીસીટીવી તપાસ કરતા મહિલા સાથે બે ઈસમો મોટરસાયકલ લઈને આવ્યા હતા. જે ઈસમો વાસણા તરફથી મોટર સાયકલ લઈને આવ્યા હોવાથી પાલડી ચાર રસ્તાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે ઈસમોના ટુ-વ્હીલરના નંબર મળ્યા હતા.

શંકાસ્પદ મહિલા : જે વાહનોના નંબર ઈ-ગુજકેટમાં નાખીને તપાસ કરતા એક ટુ-વ્હીલરના માલિકનું નામ સરનામું મળી આવ્યું હતું. જે બાદ પોલીસે પબ્લિક સોર્સની મદદથી વધુ માહિતી મેળવી માનવ ભ્રૂણને જન્મ આપનાર સ્ત્રી તેમજ તેની ગુનામાં મદદ કરનાર બંને સ્ત્રીઓના ઘરના સરનામાની માહિતી મળી હતી. જેના આધારે તપાસ કરતાં માનવ ભ્રૂણને જન્મ આપનાર સ્ત્રીને મદદ કરનાર સોનલબેન ઉનેચા નામની મળી આવી હતી. જેને માનવ ભ્રૂણને જન્મ આપનાર સ્ત્રી બાબતે પૂછપરછ કરતા તે સ્ત્રીનું નામ વર્ષા કરાડે અને તેમજ ગુનામાં સામેલ ત્રીજી સ્ત્રી તેની દેરાણી દુર્ગા ઉર્ફે મંજુબેન ઉનેચા હોવાનું સામે આવ્યું હતું.

ચોંકાવનારો ખુલાસો : વધુમાં આ બંને મહિલા હાલ તેની નણંદ રંજબેન કુદડીયાના ગામ વિરમગામ ખાતે રહેતી હોવાની હકીકત પણ સામે આવી હતી. આથી તરત જ એક ટીમને વિરમગામના કરકથલ ગામમાં મોકલતા માનવ ભ્રૂણને જન્મ આપનાર વર્ષા કરાડે મળી આવી હતી. તેને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરવામાં આવી હતી. આ ગુનામાં સામેલ બે મહિલા આરોપીઓ જેમાં વર્ષા કરાડે તેમજ સોનલ ઉનેચાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ માનવ ભ્રૂણને જન્મ આપી ત્યજી દેનાર મહિલાની જરૂરી તબીબી પરીક્ષણ કરી મેડિકલ પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ મામલે પોલીસે વર્ષા કરાડે અને સોનલ ઉનેચા નામની બંને મહિલાઓની ધરપકડ કરી છે. જોકે દુર્ગા ઉર્ફે મંજુબેન ઉનેચા નામની મહિલા આ ગુનામાં સામેલ હોય અને વોન્ટેડ હોય તેની ધરપકડ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રની મહિલા આરોપી : આ અંગે મહિલાની તપાસમાં સામે આવ્યું કે, તે મહારાષ્ટ્રમાં પિતા સાથે રહેતી હતી અને પતિ સિવાય પણ અન્ય પુરુષો જોડે અનૈતિક સંબંધ હોવાથી તે ગર્ભવતી થઈ હતી. તેનો પતિ તેને છોડીને જતો રહ્યો હતો. જેથી તે રક્ષાબંધનનું બહાનું કરીને ગુજરાત આવી હતી અને વી.એસ હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યું હતું. જે બાદ 4 થી 5 માસના ભ્રૂણને સરખેજમાં ત્યજી વિરમગામ જતી રહી હતી.

  1. Mother's Day 2023: મધર્સ ડે પર કાળજું કંપાવતી ઘટના, સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસની બાળકીને ત્યજી દેવાઈ
  2. આંતરરાષ્ટ્રીય માતૃ દિવસે એક માતાએ પાંચ લોકોને આપ્યું નવું જીવન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.