ETV Bharat / state

Ahmedabad Drug Case : અમદાવાદમાં ડ્રગ પેડલર્સનો પગપેસારો, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2023, 5:37 PM IST

અમદાવાદ શહેરમાં ધીરેધીરે ડ્રગ પેડલર્સનો પગપેસારો થઈ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જયપુરથી આવેલા એક શખ્સ પાસે 2 કિલો એમડી ડ્રગ મળી આવ્યું હતું. આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં જાણવા મળ્યું છે કે, આ શખ્સ યુપીથી કુલ 15 કિલો ડ્રગ લઈને નીકળ્યો હતો. ત્યારે આ મામલે વધુ તપાસ માટે પોલીસની બે ટીમો યુપી મોકલવામાં આવી છે.

Ahmedabad Drug Case
Ahmedabad Drug Case

અમદાવાદમાં ડ્રગ પેડલર્સનો પગપેસારો

અમદાવાદ : શહેરમાં થતી ડ્રગ્સની મોટી ડિલિવરી અંગે એસઓજીએ ઝડપી તપાસ કરતા મોટા ખુલાસા થયા છે. અમદાવાદમના ગીતામંદિર પાસે ખાનગી બસમાં જયપુરથી અમદાવાદ આવેલા ડ્રગ્સ કેરિયરની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 2 કરોડની કિંમતનું 2 કિલોથી વધુ એમ.ડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. જે મામલે ઉત્તરપ્રદેશના મુખ્ય સપ્લાયનું નામ સામે આવતા એસઓજીની બે ટીમ આરોપીની ધરપકડ માટે રવાના કરાઈ છે. પકડાયેલો આરોપી એક બે કિલો નહીં પરંતુ અંદાજે 15 કિલો એમ.ડી ડ્રગ્સ ઉત્તરપ્રદેશથી લઈને નિકળ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

પોલીસને પ્રથમ સફળતા : અમદાવાદ શહેર એસઓજીની ટીમે ગીતામંદિર પાસે મહાવીર ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવેલા મહેશકુમાર નિષાદ નામનાં શખ્સની ધરપકડ કરી હતી. જે કેસમાં તેની પાસે 2 કિલો એમ.ડી ડ્રગ્સ મળી આવતા એસઓજીને મોટી સફળતા મળી છે. પકડાયેલો આરોપી ઉત્તરપ્રદેશના સદ્દામ ઉર્ફે રઈશ નામના શખ્સ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યો હોવાનું સામે આવ્યુ છે. આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો છે.

તપાસમાં મોટો ખુલાસો : આરોપીની તપાસમાં સામે આવ્યું કે, તે ઉત્તરપ્રદેશના આંબેડકરનગર જિલ્લામાં આવેલા વમોલી ગામનો રહેવાસી છે. અને તેને ત્યાના સદ્દામ ઉર્ફે રહીશ નામના શખ્સે આ ડ્રગ્સનો જથ્થો આપી અમદાવાદમાં ડિલીવરી કરવા માટે મોકલ્યો હતો. આરોપીની ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે, તે ઉત્તરપ્રદેશથી અંદાજે 15 કિલો એમડી ડ્રગ્સ લઈને નીકળ્યો હતો. ત્યાંથી જયપુર ગયો હતો. જ્યાં તે એક હોટલમા અંદાજે 4 થી 6 કલાક રોકાયો હતો. બાદમાં મહાવીર ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવ્યો હતો.

મુખ્ય આરોપી : મુખ્ય આરોપીએ મહેશકુમાર નિષાદને એક નવો મોબાઈલ ફોન અને તેમાં ડમી સિમ આપ્યું હતું. જે ફોનમાં માત્ર સદ્દામનો નંબર હતો અને તેને અમદાવાદ પહોંચીને સદ્દામને ફોન કરવાનો હતો. જે બાદ સદ્દામ ડ્રગ્સ ડીલીવરીને ફોન કરીને મહેશ નિષાદનો ફોટો અને લોકેશન મોકલી ડ્રગ્સ રીસીવ કરવાનો હતો. જોકે તે પહેલા જ તેને ઝડપી લેવાયો છે.

આ મામલે પકડાયેલો આરોપી અગાઉ ડ્રગ્સ એક વાર લાવી ચૂક્યો હોવાનું જણાવે છે. જોકે આ કેસમાં મુખ્ય આરોપીને પકડવા ટીમો રવાના થઈ છે. તેના પકડાયા બાદ ડ્રગ્સનું મોટુ રેકેટ ઝડપાય તેવી શક્યતાઓ રહેલી છે. આરોપી અગાઉ કેટલી વાર અમદાવાદ આવ્યો અને કોને કોને ડ્રગ્સ આપ્યું તે તમામ દિશામાં તપાસ હાથ ધરાઈ છે.-- જયરાજસિંહ વાળા (DCP, એસઓજી ક્રાઈમ-અમદાવાદ)

ગુજરાતમાં ડ્રગ સપ્લાય : આ મામલે પકડાયેલો આરોપી અગાઉ પણ ગુજરાતમાં રાજકોટ સહિતની જગ્યાઓ પર 2 કિલો કરતા પણ વધુ એમ.ડી ડ્રગ્સના જથ્થાને ડિલિવરી કરી ચુક્યો હોવાનો ખુલાસો થયો છે. છેલ્લા 2 મહિનાથી તે ગુજરાતમાં ડ્રગ્સની ડિલિવરી કરવા માટે કેરિયર તરીકે કાર્યરત હોવાનું ખુલ્યું છે. તે 7-8 વાર અલગ અલગ રાજ્યોમાં ડ્રગ્સનો મોટો જથ્થો ડિલિવરી કરી ચુક્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

આરોપી ઝડપાયા : આ ગુનામાં ઝડપાયેલા આરોપી મહેશ નિષાદ અગાઉ મુંબઈમાં હતો. તે સમયે તેનો સંપર્ક સદ્દામ ઉર્ફે રઈશ સાથે થયો હતો અને બન્ને જણાએ આ કામ શરૂ કર્યું હતું. રઈશ અગાઉ બે જગ્યાઓ પર ડ્રગ્સના કેસમાં ઝડપાઈ ચુક્યો હોવાની બાબત પણ તપાસમાં ખુલી છે. સદ્દામ ઉર્ફે રઈશ પકડાયેલા આરોપી મહેશ નિષાદને એક વાર ડ્રગ્સની ડિલીવરી કરવા માટે 50 હજાર રૂપિયા આપતો હતો. જેમાં ડ્રગ્સ લઈને નિકળે ત્યારે 10 હજાર રૂપિયા અને ડિલીવરી પૂર્ણ કરીને તે પરત ફરે ત્યારે બીજા 40 હજાર રૂપિયા આપતો હતો.

ઉત્તરપ્રદેશ કનેક્શન : અમદાવાદ શહેરમાં થતી ડ્રગ્સની ડિલીવરીમાં અગાઉ રાજસ્થાન, મુંબઈ અને મધ્યપ્રદેશ કનેક્શન ખુલતા હતા. જોકે પહેલી વાર ઉત્તરપ્રદેશ કનેક્શન ખુલ્યું છે. જેથી એસઓજીની ટીમે મુખ્ય આરોપીને પકડવા બે ટીમો મોકલી છે. આ કેસમાં સંકળાયેલા અમદાવાદના ડ્રગ્સ કેરિયર અને રીસીવર સહિતના તમામ આરોપીની ધરપકડ માટે તપાસ તેજ કરી છે.

ડ્રગનો પગપેસારો : અમદાવાદ શહેરમાં ડ્રગ્સનું ચલણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. ગત વર્ષે એસઓજી ક્રાઈમે NDPS ના કુલ 37 કેસ કર્યા હતા. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 30 કેસ કરવામાં આવ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે ડ્રગ્સ માફિયાઓ અમદાવાદ શહેરમાં પગપેસારો કરી રહ્યા છે. જોકે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી પકડાયા બાદ દેશના અનેક રાજ્યોમાં થતી એમ.ડી ડ્રગ્સની ડિલીવરીનું મોટુ રેકેટ પકડાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

  1. Ahmedabad Crime: નાર્કોટિક્સ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં રનિંગ માટે કોચિંગ લેનાર યુવતી સાથે ટ્રેનરે ગુજાર્યું દુષ્કર્મ
  2. Ahmedabad News: પોલીસ બનીને સ્કોર્પિઓ ગાડીમાં યુવકનું અપહરણ કરી 25 લાખની ખંડણી માંગનાર બે શખ્સો ઝડપાયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.