ETV Bharat / city

સ્વીટી પટેલના હત્યારા પતિને કોરોના ટેસ્ટ માટે લઈ જવાયો, જાણો કેમ અને કઈ રીતે ઘડાયો હતો મર્ડર પ્લાન

author img

By

Published : Jul 25, 2021, 4:47 PM IST

વડોદરા જિલ્લા SOGના PI અજય દેસાઈએ જ પત્ની સ્વીટીની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થયો છે. પોલીસે આરોપી અજય દેસાઈ અને તેને સાથ આપનાર કરજણના કોંગી નેતા કિરીટસિંહની અટકાયત પણ કરી લીધી છે અને તેમને કોરોના ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે. ત્યારે આ ઘટનામાં સ્વીટી પટેલની હત્યા કરવાથી લઈને પોલીસ તપાસને ગુમરાહ કરવા સુધી અજય દેસાઈએ શું પ્લાન કર્યા હતા, જાણો આ અહેવાલમાં…

સ્વીટી પટેલના હત્યારા પતિને કોરોના ટેસ્ટ માટે લઈ જવાયો
સ્વીટી પટેલના હત્યારા પતિને કોરોના ટેસ્ટ માટે લઈ જવાયો

  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ ઉકેલ્યો હતો ભેદ
  • અજય દેસાઈ અને કિરીટસિંહને અટકાયત બાદ કોરોના ટેસ્ટ માટે લઈ જવાયા
  • જાણો શું હતી સમગ્ર ઘટના અને કઈ રીતે ઉકેલાયો ગુનાનો ભેદ

ન્યૂઝ ડેસ્ક : વડોદરા જિલ્લા SOGના PI અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગુમ થયાના કિસ્સામાં પોલીસ પતિએ જ તેણીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપી ખુદ પોલીસ અધિકારી હોવાથી તેણે ખૂબ જ ઝીણવટભરી રીતે સમગ્ર પ્લાનિંગ કરીને આ કારસો રચ્યો હતો. હાલમાં બન્ને આરોપીઓની અટકાયત કરીને તેમને કોરોના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. જાણો કઈ રીતે અજય દેસાઈએ સ્વીટી પટેલના મર્ડરનો પ્લાન ઘડ્યો હતો.

સ્વીટી પટેલના હત્યારા પતિને કોરોના ટેસ્ટ માટે લઈ જવાયો

હત્યાનો ઘટનાક્રમ

4 જૂનના રોજ અજય દેસાઈ અને પત્ની સ્વીટી પટેલ વચ્ચે કરજણ સ્થિત તેમના ઘરે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારબાદ રાત્રે 12:30 વાગ્યાની આસપાસ અજયે સ્વીટીને બેડરૂમમાં ગળેટૂંપો આપીને હત્યા કરી હતી. આખી રાત મૃતદેહને બ્લેન્કેટમાં બાંધીને ઘરમાં રાખ્યો હતો. જ્યારબાદ 5 જૂનની સવારે 10:45 વાગ્યાની આસપાસ પોતાની કાળા રંગની જીપ કંપાસ કારમાં મૃતદેહને ડિક્કીમાં મૂકીને કાર બાજુના કમ્પાઉન્ડમાં મૂકી હતી. જ્યારબાદ ફિલ્મી તરકટ રચવા માટે સ્વીટીના ભાઈને ફોન કરીને તે ગુમ થઈ હોવાનું જણાવ્યું હતું અને સાંજે 4 વાગ્યાની આસપાસ દહેજના અટાલી ગામ પાસે મિત્ર કિરીટસિંહની બંધ પડેલી હોટલ પહોંચ્યો હતો, જ્યાં ઘાસ, પુઠ્ઠા અને લાકડા વડે મૃતદેહને સળગાવીને નિકાલ કર્યો હતો.

શા માટે અજય દેસાઈ પર શંકા પ્રબળ બની હતી ?

સ્વીટી પટેલ ગુમ થયા બાદ અજય દેસાઈના અંગત મિત્ર કોંગી નેતા કિરીટસિંહ જાડેજાની માલિકીની જગ્યા પરથી માનવ અવશેષો મળી આવ્યા હતા. આ માનવ અવશેષો જે જગ્યાએથી મળી આવ્યા હતા, સ્વીટી પટેલ ગુમ થઈ તેના એક દિવસ બાદ અજય દેસાઈના ફોનનું લોકેશન પણ તે સ્થળનું જ બતાવતું હતું. આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અજય દેસાઈના કરજણ સ્થિત નિવાસસ્થાનનું પંચનામુ કરતા તેમાંથી લોહીના ડાઘા મળી આવ્યા હતા. જેની FSL દ્વારા તપાસ કરવામાં આવતા તે સ્વીટી પટેલના જ હોવાનું સામે આવ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચની વિશેષ પૂછપરછ લાગી કામ

સ્વીટી પટેલ ગુમ થવાના કિસ્સામાં સૌથી મોટો પડકાર એ હતો કે, જેના પર શંકાની સોય હતી, તે ખુદ પોલીસ અધિકારી હતો. PI અજય દેસાઈ પોલીસની પૂછપરછની ઢબ અને ગુનેગારોની ગુના આચરવાની રીતોથી વાકેફ હોવાથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિશેષ રીતે કાઉન્સેલિંગ કરીને પૂછપરછ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અજય દેસાઈ અને તેના મિત્ર કિરીટસિંહની વિશેષ રીતે પૂછપરછ કરતા સૌપ્રથમ કિરીટસિંહ જાડેજા ભાંગી પડ્યો હતો. જ્યારબાદ અંતે અજય દેસાઈ પણ ભાંગી પડતા સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાયો હતો.

પ્રથમ વખત 2015માં મિત્ર દ્વારા થઈ હતી મુલાકાત

અજય દેસાઈ અને સ્વીટી પટેલ સૌપ્રથમ 2015માં એક મિત્ર થકી મળ્યા હતા. જ્યારબાદ બન્ને વચ્ચેનો સંપર્ક વધ્યો હતો. જે અંતે પ્રેમસંબંધમાં પરિણમ્યો હતો. આ બન્નેના અગાઉ એક વખત લગ્ન પણ થઈ ચૂક્યા હતા. સમય જતા અજય દેસાઈ અને સ્વીટી પટેલે એકસાથે રહેવાનું શરૂ કર્યું હતું. જ્યારબાદ તેમને સંતાનમાં એક પુત્ર અંશ પણ થયો હતો.

2016માં સ્વીટી સાથે મંદિરમાં લગ્ન, 2017માં અન્ય યુવતી સાથે કર્યા લગ્ન

અજય દેસાઈએ સ્વીટી સાથેની મુલાકાતના એક વર્ષ બાદ જ મંદિરમાં તેની સાથે ફેરા ફરીને લગ્ન કરી લીધું હતું. જ્યારબાદ બીજા વર્ષે વડોદરામાં જ રહેતી અન્ય એક યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ અંગેની જાણ પાછળથી સ્વીટીને થતા બન્ને વચ્ચે તકરાર પણ થઈ હતી. આ સિવાય પણ સ્વીટી અજયને સત્તાવાર રીતે લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. એકસાથે બે પત્નીઓ ન રાખી શકાય તેમ હોવાથી અને સ્વીટી સાથે તકરારો થતી રહેતી હોવાથી અજય દેસાઈએ તેનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું.

અજય દેસાઈ અને કિરીટસિંહને અટકાયત બાદ કોરોના ટેસ્ટ માટે લઈ જવાયા

અજય દેસાઈએ ગુનાની કબૂલાત કર્યા બાદ તેની અને તેના મિત્ર કિરીટસિંહ જાડેજા વિરૂદ્ધ હત્યા અને પુરાવાઓના નાશ કરવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારબાદ આજે રવિવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બન્નેની અટકાયત કરીને કોરોના ટેસ્ટ માટે લઈ જવાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.