ETV Bharat / city

ભાજપના ઉમેદવારોની યાદી જાહેર: વડોદરામાં 12 ઉમેદવારો રિપીટ, શિક્ષિત યુવાઓને પણ તક આપવામાં આવી

author img

By

Published : Feb 5, 2021, 11:21 AM IST

21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ગુરૂવારે સાંજે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી મુજબ, વડોદરામાંથી ભાજપે 12 ઉમેદવારોને રિપીટ કર્યા હોવાનું અને આ વખતે શિક્ષિત યુવાઓને પણ સ્થાન આપ્યું હોવાનું દેખાઈ રહ્યું છે.

ભાજપનાં ઉમેદવારોની યાદી જાહેર: વડોદરામાં 12 ઉમેદવારો રિપીટ
ભાજપનાં ઉમેદવારોની યાદી જાહેર: વડોદરામાં 12 ઉમેદવારો રિપીટ

  • ચૂંટણીને લઈને વડોદરામાં છેલ્લા કેયલાક સમયથી ચાલી રહેલા વિવાદનો અંત
  • ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારો આજે વિજય મૂહુર્તમાં ફોર્મ ભરશે
  • લાગવગ અને ધમપછાડા કરવા છતાં ટિકિટ ન મેળવી શકનારા કાર્યકર્તાઓમાં રોષ

વડોદરા: પાલિકાની તમામ બેઠકો પર જીત મેળવવા માટે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા મિશન 76 જાહેર કરવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત પાલિકાની તમામ બેઠકો જીતવાનો દાવો કરાયો હતો. નિરીક્ષકો દ્વારા સેન્સ લીધા બાદ ઉમેવારોના પત્રકો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરાયા હતા. ત્રણ દિવસ ચાલેલી પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ બાદ ગુરૂવારે સાંજે ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વડોદરામાંથી 12 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા હોવાનું અને કેટલાક નવા ઉમેદવારોને તક આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


ભાજપ દ્વારા વડોદરામાંથી રિપીટ કરાયેલા ઉમેદવારો

  • વોર્ડ નં.01: સત્યેન્દ્ર ગોવિંદભાઈ પટેલ
  • વોર્ડ નં.03: ડૉ.રાજેશ કિરીટભાઈ શાહ
  • વોર્ડ નં.04: અજીત ચંપકલાલ દધિચ
  • વોર્ડ નં.05: તેજલ બીજલભાઈ વ્યાસ
  • વોર્ડ નં.06: જયશ્રી અશ્વિનભાઈ સોલંકી અને હેમિષા જયેશભાઇ ઠક્કર
  • વોર્ડ નં.10: નીતિન જયંતિલાલ ડોંગા
  • વોર્ડ નં.12: રીટા રવિપ્રકાશ સિંઘ અને મનીષ દિનકરભાઇ પગાર
  • વોર્ડ નં.14: જેલમ રાકેશભાઈ ચોકસી
  • વોર્ડ નં.15: પુનમબેન ગોપાલભાઈ શાહ
  • વોર્ડ નં.17: સંગીતાબેન રજનીકાંત પટેલ અને નિલેશ રણજીતસિંહ રાઠોડ
  • વોર્ડ નં.18: કલ્પેશ મનુભાઈ પટેલ

છેલ્લા કેટલાક દિવસોથી ટિકિટોનો વિવાદ ચાલી રહ્યો હતો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ચોમાસામાં દેડકા બહાર આવતા હોય તે જ રીતે ભાજપના જૂના કાર્યકરો ટિકિટો લેવા માટે બહાર આવી ગયા હતા. ટિકિટો માટે ધારાસ્ભયો, પૂર્વ સાંસદ ધારાસભ્ય સહિતના સંબંધીઓએ દાવેદારી નોંધાવી હતી. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા ભારે વિવાદ બાદ ગુરૂવારે સાંજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં પાલિકાની ચૂંટણીની ટિકિટ મેળવવા માટે ટિકીટ વાંચ્છુકોએ ગાંધીનગર અને દિલ્હી સુધી દોડ લગાવી હતી.

ગુનાહિત ભૂતકાળ ધરાવતા આશિષ જોશીને પણ ટિકીટ

કોંગ્રેસમાંથી પૂર્વ મેયર, ધારાસભ્ય અને હાલમાં ભાજપના અગ્રણી દલસુખ પ્રજાપતિના પુત્ર રાજેશ પ્રજાપતિને ટિકિટ આપવામાં આવી છે. મનોજ શાહની પત્ની રાખી શાહને પણ ટિકિટ આપવામાં આવી છે. પ્રદેશ પ્રમુખે વોર્ડનાં પ્રમુખને ટિકિટ આપવાની ના પાડી હતી. જેથી વોર્ડ 15માંથી ગુનાહિત ભૂતકાળ ધરાવતા આશિષ જોશીને ટિકિટ આપવામાં આવી છે.

ઈતિહાસમાં પહેલીવાર કોર્પોરેશનના ઈલેક્શનની યાદી દિલ્હી સુધી પહોંચી

વડોદરા સંસ્કારી નગરી કહેવાય છે, પણ જ્યારે કોર્પોરેશનની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, તેની ચર્ચા છેક દિલ્હી સુધી જતી હોય છે. આ વખતે પણ વડોદરામાં કોર્પોરેશનની ચૂંટણીના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતના કોર્પોરેશનની ઉમેદવારોની યાદી દિલ્હી સુધી પહોંચી હતી અને ત્યારબાદ જાહેર કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.