ETV Bharat / city

સામાજિક અંતરને કારણે બધું હોવા છતાં એકાંતનો અનુભવ: Dysthymia

author img

By

Published : Jul 27, 2021, 10:42 PM IST

દોઢેક વર્ષથી કોરોના મહામારીના કારણે જીવન વ્યવસ્થામાં અનેક ફેરફારો જોવા મળી રહ્યાં છે. જેને લઇને ઘણાં લોકો ડીપ્રેશન અનુભવી રહ્યાં છે. તેના જેવી જ એક મનોઅવસ્થા છે ડાયસ્થેમિયા ( Dysthymia ) . જેને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાનભવન ( Saurashtra University Psychology Bhavan ) ની વિદ્યાર્થિનીએ રસપ્રદ અધ્યયન કર્યું છે.

સામાજિક અંતરને કારણે બધું હોવા છતાં એકાંતનો અનુભવ: Dysthymia
સામાજિક અંતરને કારણે બધું હોવા છતાં એકાંતનો અનુભવ: Dysthymia

  • કોરોના બાદ એકલાપણાંની લાગણીનો લોકોમાં વધારો જોવા મળ્યો
  • સામાજિક અંતરને કારણે બધું હોવા છતાં એકાંતનો અનુભવ કરાવે ડાયસ્થેમિયા
  • મનોશારિરીક લક્ષણોનું મનોવિજ્ઞાનની વિદ્યાર્થિનીએ કર્યું વિશ્વેષણ
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિની નિશા પુરોહિતનું અધ્યયન

    કેસ-1

રાજકોટના જ રહેવાસી જેઓ આર્થિક રીતે ખૂબ સદ્ધર સાથે ઘર પરિવાર પણ ખૂબ વ્યવસ્થિત. પરંતુ છેલ્લા 5 મહિનાથી સતત એકલાપણું અનુભવ્યા કરતાં, કોઈ સાથે બેસવું ન ગમતું, કોઈ કામમાં ચિત ન લાગવું,ભોજન પ્રત્યે પણ અરુચિ જાગવી. અંતે ખ્યાલ આવ્યો કે બધું જ હોવા છતાં એકલાપણું અને કંઈક ખૂટતું હોય એ અનુભવ એટલે તેઓ ડાયસ્થેમિયાના ( Dysthymia ) લક્ષણો ધરાવતા હતાં. તેમની સાથે વાત જ્યારે આગળ વધી તો કહ્યું તેમને જ્યારે કોરોના થયો અને ક્વોરન્ટીન રહેવું પડયું એ પછીથી આ લક્ષણો વધુ વિકસિત થયાં. ત્યારથી એમને એકાંતનો જ અનુભવ થાય છે.

કેસ-2

એક યુવતીને પ્રેમ લગ્ન કરવા હતાં. લગ્ન ઘરકુટુંબની મરજીથી જ થયાં. ખૂબ સુખશાંતિથી બધું થયું, પણ લગ્નના 1 વર્ષ પછીથી સતત તણાવ અને ચિંતા રહેતાં. પતિ તરફથી પણ પ્રેમ મળતો, ગાયનેક સમસ્યા કોઈ ન હોય પણ છતાં બાળક ન રહી શકતું. વાત કરતા માલૂમ થયું કે ભલે પ્રેમ લગ્ન કર્યા પણ ક્યાંક માતાપિતાને દગો દીધાનો અફસોસ અંદર અંદર એને હેરાન કરતો હતો અને જીવન જીવવામાં તકલીફ પડતી હતી. તે પોતાના માતાપિતાનું એક જ સંતાન હોઇ જ્યારે માતાપિતાને કોરોના થયો તે સમયે તેને થયું કે જો એણે લગ્ન ન કર્યા હોત તો ઘરે રહી તેના માતાપિતાની સેવા કરી શકત.

આ ઉપરાંત આવેલા અમુક કિસ્સાના લક્ષણોનું વિશ્લેષણ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની નિશા પુરોહિતે ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં કર્યું. આ ડાયસ્થેમિયા ( Dysthymia ) તરીકે ઓળખવામાં આવે છે જે એક માનસિક કષ્ટની વિકૃતિ છે.

શું છે આ માનસિક કષ્ટ?

માનવીનું સૌથી મોટું ધ્યેય કે ઈચ્છા પોતાની ખુશી હોય છે. માનવી પોતાની ખુશી માટે ઘણા પ્રયત્નો કર્યા કરે છે. 21મી સદીમાં માનવી પોતે ખુશ રહેવા અનેક સંસાધનો, મશીનો વગેરે ભૌતિક સાધનો વિકસાવી લીધા પણ છતાં માનવી સાથે સાથે આ આધુનિક સમૃદ્ધિની ઘેલછામાં ક્યાંકને ક્યાંક માનસિક રોગનો ( Dysthymia ) શિકાર બન્યો છે.

બાળક જ્યારે શાળાએ જાય ત્યારે તેને શિક્ષણનું મહત્વ સમજાવી અમુક સમય પછી એક વિચાર નાખવામાં આવે કે ભણતર પૂરું થઈ જાય પછી બધી ખુશી મળી જ જાય છે. નોકરી મળી જાય પછી , સફળતા મળી જાય પછી , લગ્ન થઈ જાય પછી જીવન ખુશ ખુશાલ બની જાય છે. પણ અમુક વ્યક્તિના જીવન માં શાળા, કોલેજ , વ્યવસાય, લગ્ન જીવન બધુ જ પ્રાપ્ત થઈ ગયું હોવા છતાં પોતે એક ખુશી કે આનંદનો અનુભવ કરી શકતો નથી. ઘણી વ્યક્તિ પાસે ખૂબ સફળતા છે એકદમ આર્થિક સધ્ધરતા છે પણ તે વ્યક્તિ પોતે જરા પણ ખુશીનો અનુભવ કરી શકતો ન હોય તો તે ડાયસ્થેમિયાનો શિકાર હોઇ શકે છે. આવા લોકોના જીવનમાં બધું જ પ્રાપ્ત થયેલું હોય છે છતાં તેઓ માણી શકતાં નથી, ક્યારેય હસતાં , નાચતા , આનંદમાં જોવા મળતાં નથી. ઘણા લોકો તેમને " દુઃખી આત્મા" તરીકે બોલાવે છે.

લક્ષણો
ઊંઘ ખૂબ વધુ કે ખૂબ ઓછી આવવી
કારણ વગર થાક લાગવો
આત્મવિશ્વાસમાં ઘટાડો
ઉદાસીનતા
ભૂખ ઓછી કે વધુ લાગવી
એકાગ્રતામાં ઘટાડો
નિરાશાવાદી વલણ
ચીડિયાપણું
ગુસ્સો
સફળતા પછી પણ આનંદ ન થવો
કોઈ ગિલ્ટમાં જીવવું

કારણો

(1) મગજના રસસ્ત્રાવો
મગજનાં રસાયણો કુદરતી રીતે ઉત્પન્ન થાય છે જે દરેક આવેગ, માનસિક રોગમાં ભૂમિકા ભજવે છે. સંશોધનો અનુસાર ન્યુરોટ્રાન્સમીટરની ગરબડ આ અસ્થિરતા ઉતપન્ન કરે છે. ખાસ સિરોટોનીનની ભૂમિકા હોય છે

(2) જૈવિક તફાવતો
સતત ડિપ્રેસિવ ડિસઓર્ડરવાળા લોકોના મગજમાં શારીરિક પરિવર્તન આવી શકે છે. આ ફેરફારોનું મહત્વ હજી પણ અનિશ્ચિત છે, પરંતુ આખરે તે કારણોને નિર્ધારિત કરવામાં મદદ કરી શકે છે.

(3) વારસાગત કારણ
સતત ડિપ્રેસિવ ડિસઓર્ડર એવા લોકોમાં સામાન્ય રીતે જોવા મળે છે જેમના લોહીના સંબંધીઓમાં પણ આ સ્થિતિ હોય છે.

(4) જીવનની ઘટનાઓ
કોઈ પ્રિયજનની ખોટ, આર્થિક સમસ્યાઓ અથવા ઉચ્ચ સ્તરના તણાવ જેવી આઘાતજનક ઘટનાઓ કેટલાક લોકોમાં ડાયસ્થેમિયાનું ( Dysthymia ) કારણ બની શકે છે.

ઉપચાર
ઉપચાર માટે ઘણી સાયકોલોજીકલ થેરાપી તેમજ અમુક જીવનશૈલીમાં પરિવર્તન ઉપયોગી બને છે.

• સાયકોલોજીકલ થેરાપી :-

CBT - cognitive behaviour therapy

આ પ્રકારની ઉપચાર અંતર્ગત નકારાત્મક વિચારના દાખલાઓને ઓળખવા અને બદલવા શીખવાની પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ઘણીવાર હતાશાની લાગણીઓને જીતવામાં મદદરૂપ બને છે.

IPT - interpersonal therapy

આ ઉપચારમાં સંબંધો અને સંદેશાવ્યવહારમાં સમસ્યાઓ ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે અને પછી તમે અન્ય લોકો સાથે કેવી રીતે સંપર્ક કરો છો અને કેવી રીતે સંપર્ક કરો છો તેમાં સુધારણા કરવાના માર્ગો શોધવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ પણ વાંચોઃ કોરોના સંક્રમણ વચ્ચે માનસિક તણાવમાંથી મુક્તિ કેવી રીતે મેળવશો?

જીવનશૈલીમાં બદલાવ
આ પ્રકારની ઉદાસીનતા તરફ તાત્કાલિક ધ્યાન ન દેવામાં આવે તો તેની અસરો લાંબી છે. જીવનશૈલીમાં પરિવર્તન અને તમારી તબીબી સારવાર સાથે સ્વસંભાળને શામેલ કરવાથી તેનો ઉપચાર થઈ શકે છે. કેટલીક વસ્તુઓ કે જે તમે કરી શકો છો તે મદદરૂપ બનશે.

આલ્કોહોલ અને અન્ય પદાર્થોથી દૂર રહેવું.
દૈનિક દિનચર્યાઓ બનાવો જે તમારા દિવસની રચનામાં સહાય કરે છે.
તંદુરસ્ત આહાર લો.
ઊંઘ માટેનું શેડ્યૂલ સ્થાપિત કરો.
દરરોજ નિયમિત કસરત કરો.
મિત્રો સાથે તેમજ પરિવાર સાથે સમય પસાર કરો.
ધ્યાન જેવી તણાવ વ્યવસ્થાપન તકનીકોનો ઉપયોગ કરો.
કામમાં વ્યસ્ત રહો
આળસ આવતી હોય તે છતાં કઈક કામ કરતા રહો

ડિપ્રેશન અને ડાયસ્થેમિયા વચ્ચે તફાવત
વ્યક્તિમાં ડિપ્રેશનના લક્ષણોનો સમયગાળો વધુ હોય છે. ત્યારે વ્યક્તિ ડિપ્રેશનમાં છે જેમ કહી મન ઉદાસ રહેવું, રડવાનું મન થવું, એકાગ્રતા ઘટી જવી , થાક, ભૂખ વધુ કે ઓછી લાગવી, આત્મહત્યાના વિચાર આવવા, ઊંઘ માં ખલેલ વગેરે જોવા મળે છે.ડિપ્રેશનમાં આવતા પોતાના રોજિંદા કાર્યો કરવા પણ વ્યક્તિ સક્ષમ રહેતો નથી. તે નોકરી કરવા કે અમુક સામાજિક. પ્રસંગોમાં હાજરી પણ આપી શકતો નથી અને સામાન્ય રીતે જોતાં આપણે તેને ઓળખી શકીએ છીએ કે તે દુઃખી કે ઉદાસ છે.


જ્યારે ડાયસ્થેમિયામાં ( Dysthymia ) વ્યક્તિ પોતાનું રોજિદું કામ વ્યવસ્થિત રીતે કરે છે તેમજ સામાજિક કાર્યોમાં પણ ભાગ લે છે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે બીજાની નજરે તે ખુશ જ લાગે છે વ્યક્તિ પોતે ખુશ જ હોતો નથી.આમ, ડિપ્રેશનના ઘણા લક્ષણ ડાયસ્થેમિયામાં ( Dysthymia ) જોવા મળે છે. ડિપ્રેશનની શરૂઆત જ છે તેમ કહી શકાય પણ ડાયસ્થેમિયાની યોગ્ય સમયે ઓળખ કરી ડિપ્રેશનથી બચી શકાય.


આ પણ વાંચોઃ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વેક્સિનની ગેરમાન્યતા દૂર કરવા મનોવિજ્ઞાનના કર્મચારીઓની ટીમ મોકલાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.