ETV Bharat / city

Compulsive gambling disorder: જુગારની લત લોકોને આત્મહત્યા તરફ દોરી જાય

author img

By

Published : Jul 29, 2021, 1:58 PM IST

સામાન્ય રીતે લોકો વિચારતા હોય છે કે, જુગાર એક ખોટી આદત છે, પરંતુ વાસ્તવમાં તે એક ડિસઓર્ડર છે અને સારવાર કરીને તેને દૂર કરી શકાય છે. જુગાર (પત્તા)રમવાની ખરાબ અસરો પછી પણ જો તમે જુગાર રમવાનું ચાલુ રાખશો, તો તે એક માનસિક વિકાર એટલે કે 'કમ્પલસિવ ગેમ્બલિંગ ડિસઓર્ડર' (Compulsive gambling disorder) માં તબદીલ થઈ શકે છે. જુગારનો અર્થ છે કે, તમે તમારા જીવનમાં કંઇક મોટું મેળવવા માટે તમે જેનું સન્માન કરો છો તેને પણ દાવ પર મૂકો છો. જુગારની મગજ પર આલ્કોહોલ અને ડ્રગ્સ જેવી જ અસર પડે છે.

Compulsive gambling disorder: જુગારની લત લોકોને આત્મહત્યા તરફ દોરી જાય
Compulsive gambling disorder: જુગારની લત લોકોને આત્મહત્યા તરફ દોરી જાય

  • કમ્પલસિવ ગેમ્બલિંગ ડિસઓર્ડર એટલે જુગારની લત
  • જુગાર ન રમવા પર બેચેની અને ચીડિયાપણાનો અનુભવ
  • ગેમ્બલિંગ ડિસઓર્ડરવાળા લોકો આત્મહત્યાની વિચારધારા ધરાવે

રાજકોટ: સામાન્ય રીતે લોકો વિચારતા હોય છે કે, જુગાર એક ખોટી આદત છે, પરંતુ વાસ્તવમાં તે એક ડિસઓર્ડર છે અને સારવાર કરીને તેને દૂર કરી શકાય છે. જુગાર (પત્તા)રમવાની ખરાબ અસરો પછી પણ જો તમે જુગાર રમવાનું ચાલુ રાખશો, તો તે એક માનસિક વિકાર એટલે કે 'કમ્પલસિવ ગેમ્બલિંગ ડિસઓર્ડર' ( Compulsive gambling disorder) માં તબદીલ થઈ શકે છે. જુગારનો અર્થ છે કે, તમે તમારા જીવનમાં કંઇક મોટું મેળવવા માટે તમે જેનું સન્માન કરો છો તેને પણ દાવ પર મૂકો છો. જુગારની મગજ પર આલ્કોહોલ અને ડ્રગ્સ જેવી જ અસર પડે છે. જેના કારણે આપણે તેના વ્યસની બનીએ છીએ. વ્યક્તિ જુગાર રમવાના વ્યસની હોય તો વારંવાર હાર્યા પછી પણ અન્ય લોકો સાથે શરત લગાવશે, પોતાનો વ્યસની વ્યવહાર છુપાવવાની કોશિશ કરશે, જેનાથી વ્યક્તિનું કર્જ વધે છે અને બચાવીને રાખેલા પૈસા પણ જુગાર રમવામાં બરબાદ થઈ જાય છે. ખાસ આ લતને બચાવી રાખવા અને કરજાને ચૂકવવા માટે વ્યક્તિ ચોરી, લૂંટ અથવા છેતરપિંડી પણ કરે છે.

ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટેસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર પાંચમી આવૃત્તિ (ડીએસએમ -5)માં તેને 'કમ્પલસિવ ગેમ્બલિંગ ડિસઓર્ડર' તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

આજકાલ નશામુક્તિ કેન્દ્રોની જેમ જુગારમુક્તિ કેન્દ્રો પણ મોટા પ્રમાણમાં છે. શ્રાવણ મહિનામાં અને IPL સીઝન દરમિયાન અહીં મદદ માટે આવતા લોકોની સંખ્યા ઘણી વધી જાય છે. ગેમ્બલિંગ ડિસઓર્ડર છોડવા માટે આવતા 60 થી 80 ટકા દર્દીઓ શ્રાવણ મહિનામાં નોંધાય છે. ઉલ્લેખનીય છે કે, સાતમ-આઠમ દરમિયાન જુગાર રમવાની પ્રથા છે.

કુલ વસ્તીમાં ગેમ્બલિંગ ડિસઓર્ડરવાળા અડધા લોકો આત્મહત્યા વિચારધારા ધરાવે છે, અને આશરે 17 ટકા લોકોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. જુગાર રમનારા મોટાભાગના લોકો જુગારમાં એકવાર હાર્યા બાદ રમવાનું છોડી દે છે, પરંતુ ગેમ્બલિંગ ડિસઓર્ડર ધરાવતી વ્યક્તિ પોતાના હારેલા પૈસાને વારંવાર હાર્યા બાદ રમીને તેમાંથી જ મેળવવાની કોશિશ કરે છે.

  • ગેમ્બલિંગ ડિસઓર્ડરના લક્ષણો
  1. જુગાર ન રમવા પર બેચેની અને ચીડિયાપણાનો અનુભવ
  2. અપરાધ, તણાવ અથવા હતાશા જેવી લાગણીઓને ટાળવા માટે રમવું
  3. જુગારના પૈસા માટે ચોરી અથવા છેતરપિંડીનો આશરો લેવો
  4. હંમેશા જુગાર વિશે વિચારવું
  5. હંમેશા જુગાર માટે પૈસા ક્યાંથી મળશે તેના વિશે પ્લાનિંગ કરવું
  6. જ્યારે વધારે પૈસા મળે ત્યારે વધુ જુગાર રમવો
  7. જુગારમાં હારેલા પૈસાને જુગાર દ્વારા જ લાવવાનો પ્રયાસ કરવો
  8. જુગારના વ્યસન વિશે પોતાના ઘર-પરિવાર સાથે ખોટું બોલવું
  9. જુગારના વ્યસનને કારણે નોકરી, શાળા અને કામથી સંબંધિત આવશ્યક તકો ગુમાવવી
  10. સખત પ્રયાસ કર્યા પછી પણ જુગારના વ્યસનને નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળતા
  11. જુગારના કારણે વધેલા દેવાથી બહાર આવવા માટે અન્યની મદદ લેવી

તમારા મિત્રો, સહકર્મીઓ અથવા કુટુંબીજનો ગેમ્બલિંગ ડિસઓર્ડર વિશે પીડિત હોય તો તેને નજર અંદાજ ન કરવો જોઈએ. ખાસ વ્યસનની કબૂલાત ન કરવી એ પણ તે વ્યસનનો શિકાર બનવાનું લક્ષણ છે. ગેમ્બલિંગ ડિસઓર્ડર ધરાવતા લોકો આ પરિસ્થિતિને સ્વીકારતા નથી, જેના કારણે સમસ્યા હલ કરવી મુશ્કેલ થઈ શકે છે. આ લક્ષણોમાંથી કોઈપણ લક્ષણો દેખાય તો તરત જ મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરવો જોઈએ.

  • ગેમ્બલિંગ ડિસઓર્ડરનાં કારણો

ગેમ્બલિંગ ડિસઓર્ડરનું ચોક્કસ કોઈ કારણ નથી. ગેમ્બલિંગ ડિસઓર્ડર પણ જૈવિક, આનુવંશિક અને પર્યાવરણીય પરિબળોનું સંયોજન છે.

1. માનસિક વિકાર: જે લોકો ગેમ્બલિંગ ડિસઓર્ડર ધરાવે છે તેમને ડ્રગની લત, વ્યક્તિત્વ ડિસઓર્ડર, હતાશા, વધારે પડતી તનાવપૂર્ણ પરિસ્થિતિ પણ હોઈ શકે છે. ઘણીવાર દ્વિધ્રુવી ડિસઓર્ડર, ઓસીડી (ઓબ્સેસીવ કંપલસીવ ડિસઓર્ડર) અથવા એડીએચડી જેવા વિકારોથી સંબંધિત હોઈ શકે છે.

2. ઉંમર: યુવા લોકો અને 40 વર્ષની વય આસપાસના લોકો ઘણીવાર આ વ્યસનથી પ્રભાવિત થાય છે. જો કોઈ વ્યક્તિ કિશોરવયમાં જુગાર રમે છે, તો તે મોટા થાય ત્યાં સુધીમાં જુગાર રમવાનો વ્યસની બની જાય છે. જો કે, પુખ્ત વયના લોકોમાં જુગારનું વ્યસન પણ એક ગંભીર સમસ્યા હોઈ શકે છે.

3. જાતિ: ગેમ્બલિંગ ડિસઓર્ડર સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધુ જોવા મળે છે. મહિલાઓ ઘણીવાર કિશોરાવસ્થા પછી ગેમ્બલિંગ ડિસઓર્ડરનું પ્રમાણ વધે છે. આ વ્યસનથી તેઓ ખૂબ જ ઝડપથી અસરગ્રસ્ત થઈ શકે છે. હાલના સમયમાં આ સમસ્યા એકસરખી રીતે મહિલાઓ અને પુરુષોમાં ફેલાઈ રહી છે.

4. કુટુંબ: કુટુંબ અથવા મિત્રોનો પ્રભાવ જો તમારા મિત્રો અથવા કુટુંબના સભ્યો ગેમ્બલિંગ ડિસઓર્ડર ધરાવતા હોય તો વ્યક્તિમાં વ્યસની થવાનું જોખમ વધે છે. કેમ કે, પરિવારના સભ્યો કે મિત્રો જુગાર રમે એટલે અન્ય વ્યક્તિને પણ રસ રુચિ પડે પરિણામે વ્યક્તિ વ્યસની બને છે.

5. પાર્કિન્સન રોગ અને રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમની દવાઓ: ડોપામાઇન એગોનિસ્ટ્સ જેવી દવાઓની આડઅસર જે અંતર્ગત આ દવાઓ લેતી વ્યક્તિ સામાન્ય રીતે કોઈ વસ્તુનો વ્યસની બની જાય છે. આવી વસ્તુઓમાં જુગાર પણ શામેલ છે.

6. વ્યવહારિક પરિબળો: સ્પર્ધા, અતિશય કાર્યમાં વિશ્વાસ કરવો, અશાંતી અથવા જલ્દીથી કોઈ કામથી કંટાળો આવે છે, તો વ્યક્તિને જુગારની લત લાગી શકે છે.

  • ગેમ્બલિંગ ડિસઓર્ડરથી બચવા માટે

જો કે ગેમ્બલિંગ ડિસઓર્ડરથી બચવા માટે કોઈ ઉપાય નથી, તેમ છતાં કેટલાક શૈક્ષણિક કાર્યક્રમો આ વ્યસનથી દૂર થવા માટે મદદ કરી શકે છે. જુગારની લત લાગી હોય તો જુગાર રમવાનું ટાળવું જોઈએ. જુગાર રમતા લોકોથી દૂર રહેવું અને એવી જગ્યાએ પણ ન જવું જ્યાં જુગાર રમવામાં આવે છે. પ્રારંભિક લક્ષણો દેખાય કે તરત જ તબીબી સારવાર તેમજ મનોવૈજ્ઞાનિકની સલાહ લેવી જેથી ગેમ્બલિંગ ડિસઓર્ડરથી બચી શકાય.

  • ગેમ્બલિંગ ડિસઓર્ડરની સારવાર

મોટા-ભાગના લોકોમાં ગેમ્બલિંગ ડિસઓર્ડર વિશે વધારે જાણકારી નથી હોતી માટે તે સારવાર માટે ડોક્ટર્સ પાસે જવાનું ટાળે છે.

1. મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરો

મનોવૈજ્ઞાનિક ગેમ્બલિંગ ડિસઓર્ડર વિશે તમને કંઈ પણ પૂછે એના સાચા જવાબો આપવા. જેથી મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ વાત કરી શકે. જો કે કાયદા હેઠળ ડોકટરો તમારી મંજૂરી વિના તમારી સાથે સંબંધિત કોઈ પણ માહિતી જાહેર કરી શકતા નથી. તેથી નિશ્ચિતપણે બધી વાત મનોવૈજ્ઞાનિકને જણાવો જેથી યોગ્ય સારવાર મળી રહે.

2. અન્ય બીમારી અને દવા અંગે જાણકારી

કેટલીક દવાઓનો ઉપયોગ વ્યક્તિને જુગારનો પણ વ્યસની બનાવી શકે છે. જેના કારણે વ્યક્તિ જુગાર રમવા તરફ પ્રેરાય છે અને સમય જતાં રમવાની આદત પડી જાય છે.

3. માનસિક પરીક્ષણ

મનોવૈજ્ઞાનિક જુગાર સાથે સંકળાયેલ લક્ષણો, વિચારો, લાગણીઓ અને વર્તન વિશે પ્રશ્નો પૂછશે. લક્ષણો અને વર્તનને આધારે નક્કી કરશે કે, અન્ય માનસિક વિકાર કે ગેમ્બલિંગ ડિસઓર્ડર છે કે નહીં.

4. થેરાપી

બોધનાત્મક વર્તણૂકીય ઉપચાર દર્દી માટે ફાયદાકારક છે. જેમાં વ્યવસ્થિત રીતે વ્યવહાર કરવાની બધી રીતો શીખવવામાં આવે છે, જેનાથી વ્યક્તિ જુગારની તૃષ્ણાઓને કાબૂમાં કરી શકે છે, તેમજ ચીડિયાપણું, અતાર્કિક અને નકારાત્મક વર્તનને બદલે સારી અને સકારાત્મક બાબતો વ્યક્તિ ગ્રહણ કરી શકે છે. કૌટુંબિક ઉપચાર પદ્ધતિ ગેમ્બલિંગ ડિસઓર્ડર સારવાર માટે પણ મદદરૂપ થઈ શકે છે.

આ પણ વાંચો: Survey OF Saurashtra University: ખોટું બોલવાની વિકૃતિ ધરાવનાર મિટોમેનિયાનો શિકાર

5. સ્વયં-સહાયક જૂથો

જે પોતાના જેવી જ સમસ્યાનો સામનો કરી રહી છે, તેવા વ્યક્તિ સાથે વાત કરવાથી વ્યક્તિને વધુ સારું લાગે છે. જે સારવારમાં મદદ કરી શકે છે. મનોવૈજ્ઞાનિકની સલાહ લીધા પછી આવા જૂથના સંપર્કમાં રહેવું જોઈએ. ગેમ્બલિંગ ડિસઓર્ડરની સારવાર જરૂરિયાતો અને વ્યવસ્થા પર આધારિત છે. આઉટપેશન્ટ પ્રોગ્રામ, ઇનપેશન્ટ પ્રોગ્રામ અથવા હોમ ટ્રીટમેન્ટ લઈ શકાય છે. વ્યસન, હતાશા, તાણ અથવા અન્ય કોઈ માનસિક વિકારની સારવાર પણ ગેમ્બલિંગ ડિસઓર્ડર સારવારનો એક ભાગ છે. તેમજ યોગ, મેડીટેશન અને ઓટો સજેશન પદ્ધતિથી ઘણો ફાયદો થાય છે.

  • ગેમ્બલિંગ ડિસઓર્ડરથી થતી કેટલીક સમસ્યાઓ

ગેમ્બલિંગ ડિસઓર્ડરથી અનેક સમસ્યાઓ ઉભી થાય છે. જેમકે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં નેગેટિવ અસર, સંબંધોમાં મુશ્કેલી, દેવું જેવી નાણાકીય સમસ્યાઓ, કાનૂની કાર્યવાહી અથવા જેલ થવી, કામમાં રસ રુચિ ઘટવી, નોકરી કે બિઝનેસમાં મુશ્કેલી, શારીરિક-માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ, આત્મહત્યાના વિચાર અને પ્રયાસ, ચિંતા, હતાશા, તણાવ, એકાગ્રતામાં મુશ્કેલી, બેચેની અને સતત ચીડિયાપણું વગેરે જેવી સમસ્યાઓ ઉભી થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.