ETV Bharat / city

ધીરૂભાઇ અંબાણી જ્યાં ભણ્યા હતા તે શાળામાં વિજ્ઞાન પ્રવાહના વર્ગો બંધ કરાયા

author img

By

Published : Mar 31, 2021, 8:08 PM IST

એક સમયની સૌરાષ્ટ્રની મોટી અને જૂનાગઢ જિલ્લાની વિવેકાનંદ વિનય મંદિર(માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળ)માં વિજ્ઞાન પ્રવાહના વર્ગો બંધ થવા જઈ રહ્યા છે, કારણ કે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. ખાનગી શાળાના વધતા ચલણને કારણે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓનો સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે સરકારના શિક્ષણ વિભાગના તમામ દાવાઓ પોકળ જોવા મળી રહ્યા છે.

JUNAGADH
જૂનાગઢની વિવેકાનંદ વિનય મંદિર શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થતા વિજ્ઞાન પ્રવાહના વર્ગો બંધ કરાયા

  • જૂનાગઢની સરકારી શાળાની દયનીય હાલત
  • 11-12ના વિજ્ઞાન પ્રવાહના વર્ગો બંધ કરવામાં આવ્યા
  • એક સમયે ધીરૂભાઈ અંબાણી અભ્યાશ કર્યો હતો.

જૂનાગઢ: જૂનાગઢમાં આવેલી સ્વામી વિવેકાનંદ વિનય મંદિરમાં ચાલતા ધોરણ-11 અને 12ના વિજ્ઞાન પ્રવાહના વર્ગો વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યાના કારણે મહિલા આચાર્યએ વર્ગો બંધ કર્યા છે. સતત વધી રહેલી ખાનગી શાળાઓ અને સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાઓમાં સતત ઘટડો શાળા પ્રશાસન માટે ચિંતાનો વિષય બની ગયો છે. એક સમય હતો કે જૂનાગઢની વિવેકાનંદ વિનય વિદ્યામંદિરમાં ધીરુભાઈ અંબાણી જેવા વ્યક્તિએ અભ્યાસ કર્યો હતો પરંતુ સતત ખાનગી શાળાઓની વધતી જતી સંખ્યાને સામે સરકારી અનુદાનિત શાળાઓમાં માતા-પિતા પોતાના બાળકોને અભ્યાશ માટે મુકતા ખચકાય છે. સમગ્ર સૌરાષ્ટ્રની જેતે સમયે મોટી કહી શકાય તેવી આ શાળામાં ચાલતા 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહના વર્ગો આગામી નવા સત્રથી બંધ થવા જઈ રહ્યા છે. સમગ્ર મામલાને લઈને શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ શિક્ષણ બોર્ડના નિયમોને આધીન શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા બંને વર્ગ બંધ કરવાની ફરજ પડી છે તેવુ જણાવી રહ્યા છે.

ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના વર્ગો બંધ

જૂનાગઢમાં આવેલી સ્વામી વિવેકાનંદ વિનય મંદિરમાં ચાલતા વિજ્ઞાન પ્રવાહના ધોરણ 11 અને 12ના વર્ગો આગામી નવા શૈક્ષણિક સત્રથી બંધ થવા જઈ રહ્યા છે. વધી રહેલી ખાનગી શાળાઓની સામે સરકારી અને ગ્રાન્ટ લેતી સ્વનિર્ભર શાળાઓ ખાનગી શાળાની સામે ઝીંક નહીં ઝીલી શકતા અંતે આ શાળામાં ચાલતા 11 અને 12ના વર્ગોને બંધ કરવાની ફરજ પડી રહી છે.

જૂનાગઢની વિવેકાનંદ વિનય મંદિર શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થતા વિજ્ઞાન પ્રવાહના વર્ગો બંધ કરાયા

વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો

વાત પાછલા 20 વર્ષની કરીએ તો વર્ષ 2000માં વિવેકાનંદ અભિનય મંદિર શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં 413 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા શાળાનું પરિણામ પણ ખૂબ સારું જોવા મળતું હતું. વર્ષ 2003માં શાળામાં 653 જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો હતો વર્ષ 2008માં ફરી શાળામાં 783 જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો હતો ત્યારબાદ ક્રમશ વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. વર્ષ 18 / 19માં માત્ર 129 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો હતો. વાત 2020 ની કરીએ તો માત્ર 17 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા માટે આવેદનપત્ર આપ્યું હતું, જેને કારણે સરકારના નિયમ મુજબ વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા નહીં થવાને કારણે આગામી નવા શૈક્ષણિક સત્રથી ધો 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહનો વર્ગ બંધ કરવાનો નિર્ણય થયો છે.

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનની શાળાઓમાં વધારો, ગ્રામ્યની 103 શાળાઓનો સમાવેશ


એક સમયની સોરાષ્ટ્રની સૌથી મોટી શાળા


સ્વામી વિવેકાનંદ વિનય મંદિર ની સ્થાપના જૂનાગઢના નવાબ દ્વારા 1862માં કરવામાં આવી હતી. આ શાળામાં ધીરુભાઈ અંબાણીએ પણ અભ્યાસ કર્યો હોવાના બહુમાન સાથે જોવામાં આવતી હતી. જે તે સમયે જૂનાગઢની આ શાળા સૌરાષ્ટ્રની સૌથી મોટી શાળા હોવાનુ ગર્વ પણ ધરાવતી હતી. પરંતુ આજે સતત વધી રહેલી ખાનગી શાળાઓની સામે એક સમયની સૌરાષ્ટ્રની સૌથી મોટી અને જુની શાળા પોતાના અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહી છે. 1995 સુધી આ શાળામાં 125 જેટલા શિક્ષકોની અનુભવી ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હતું. હાલ શાળામાં શાળાના પ્રિન્સિપાલ સહિત 20 જેટલા શિક્ષકો અને સહાયક કર્મચારીઓ કામ કરી રહ્યા છે જેનાથી આપણને ખબર પડે છે કે શાળામાં સતત ઘટતી વિદ્યાર્થીઓની સંખ્યાની અસર શાળામાં કામ કરતા શિક્ષકો પર પણ પડી રહી છે. વર્ષ 1965માં રાજ્યના શિક્ષણ વિભાગે આ શાળાનું સંચાલન જે તે સમયે જૂનાગઢ નગરપાલીકાને સોંપ્યું હતું, વર્ષ 2001 સુધી શાળાનું સંચાલન જુનાગઢ નગર પાલિકા પાસે રહ્યું હતું. ત્યારબાદ વર્ષ 2001માં શાળાનો સંચાલન જુનાગઢ ગુરુકુળ હસ્તક આવ્યું હતું જેમાં અનેક વાદ વિવાદો થતાં વર્ષ 2011માં ફરી શાળાનું સંચાલન સરકાર હસ્તક આવ્યું હતું અને હાલ શિક્ષણ વિભાગના અધિકારીઓના સંચાલન નીચે શાળા ચાલી રહી છે.

લોકડાઉનમાં શિક્ષકોએ ભરી વિદ્યાર્થીઓની ફિ

હાલ સ્વામી વિવેકાનંદ વિનય મંદિર માં ધોરણ નવ થી લઈને 12નો અભ્યાસક્રમો ચાલી રહ્યો છે, જેમાં વિજ્ઞાન પ્રવાહના બે વર્ગો બંધ થતા 4 વિજ્ઞાન શિક્ષકોને પણ અન્ય શાળામાં ફાળવણી કરી દેવામાં આવ્યા છે. હાલ સ્વામી વિવેકાનંદ વિનય મંદિર માં ધોરણ નવ થી લઈને 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ જે પ્રકારે શાળામાં સતત વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે આવી પરિસ્થિતિમાં સામાન્ય પ્રવાહના વર્ગો પણ આગામી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે તેને લઈને પણ હવે શાળાનો શિક્ષક પરિવાર પણ ચિંતિંત બની રહ્યો છે. લોકડાઉન હોવાને કારણે ગરીબ અને મજૂર વર્ગના વાલીઓ શિક્ષણ ફી નહીં ભરી શકતા, શાળાના શિક્ષકોએ ધોરણ નવ થી લઈને બાર સુધીના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને શિક્ષણ ફી પણ પોતે ભરી છે. તેમ છતા શાળામાં સતત વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે જે વિવેકાનંદ વિનય મંદિર માટે ખૂબ ચિંતાનો વિષય બની રહી છે.

આ પણ વાંચો : વડોદરામાં 1 હજારથી વધુ સરકારી શાળાઓએ વરસાદી પાણીના સંગ્રહની રચનાઓ ઉભી કરી, જુઓ ખાસ અહેવાલ

સરકારી દાવાઓ પોકળ

એક તરફ સરકાર સરકારી શાળાઓને ઉન્નત બનાવવાની વાતો કરી રહી છે પરંતુ દિવા તળે અંધારા જેવી પરિસ્થિતી જૂનાગઢની આ વિવેકાનંદ વિનય મંદિરની થઈ છે. વિદ્યાર્થીઓની સંખ્યા નહીં થવાને કારણે આજે વિજ્ઞાન પ્રવાહના વર્ગો બંધ કરવા સુધીની નોબત આવી રહી છે. એક તરફ સરકાર શિક્ષણના આધુનિકરણની વાતો કરી રહી છે તો બીજી તરફ સરકાર હસ્તકની શાળાઓ શિક્ષણને લઈને વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઘટી જતા બંધ કરવી પડી છે. તેવા દિવસો પણ આવી રહ્યા છે સરકારના દાવા અને પ્રતિદાવા ની વચ્ચે સરકારી હાઇસ્કૂલ અને સરકારી શિક્ષણ મરણતોલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે આવા સમયે રાજ્ય નો શિક્ષણ વિભાગ સરકારી શાળાઓને બચાવવા માટે કોઈ તાકીદની રણનીતિ નહીં હાથ ઘરે તો દિવસો દૂર નથી કે મોટાભાગની સરકારી શાળાઓનો મૃત્યુઘંટ સમય પહેલા લાગી જાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.