ETV Bharat / city

ગતિશીલ ગુજરાત કે ખાલીખમ ગુજરાત, વિધાનસભામાં પક્ષ-વિપક્ષ આમનેસામને

author img

By

Published : Mar 10, 2021, 4:11 PM IST

વિધાનસભા ગૃહમાં આજે બુધવારે બજેટ પરની ચર્ચાના પ્રથમ દિવસે પક્ષ અને વિપક્ષ બંનેએ એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં 25 વર્ષના ભાજપના શાસનને લીધે અડીખમ ગુજરાત, દેવામાં ખાલીખમ થઈ ગયું છે.

ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભા

  • બજેટ ચર્ચા દરમિયાન કોંગ્રેસ-ભાજપ આમને સામને
  • ભાજપ સરકારમાં સરકારી તિજોરી ખાલીખમ થઈ ગઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
  • 1995 થી 2021 સુધી 2,97,001 કરોડનું દેવું

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે બુધવારે બજેટ પરની ચર્ચાના પ્રથમ દિવસે પક્ષ અને વિપક્ષ બંનેએ એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા હતા. અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભાગૃહમાં આક્ષેપ કર્યો હતો કે, ત્રણ લાખ કરોડ કરતાં વધારે દેવુ કરનારી ભાજપ સરકારમાં સરકારી તિજોરી પણ ખાલીખમ થઈ ગઈ છે, શિક્ષકો વગરની શાળાઓ ખાલીખમ છે, ઓરડા વગરની શાળાઓ છે, ડોક્ટર વગરની સરકારી હોસ્પિટલો, પોલીસ વગરના પોલીસ સ્ટેશનો, પ્રોફેસરો વગરની કોલેજો અને સરકારી કર્મચારીઓ વગરના તમામ સરકારી વિભાગો ખાલીખમ થઇ ગયા છે. તેમજ પ્રત્યેક ગુજરાતીના માથે 49,600નું દેવુ હોવાની વાત શૈલેષ પરમારે કરી હતી.

વર્ષ દેવું કરોડોમાં

  • 1995 સ્વ. છબીલદાસ મહેતાઃ રાજ્યનું દેવું 12,999 કરોડ
  • 1996 સ્વ.કેશુભાઈ પટેલ: રાજ્યનું દેવું 14,800 કરોડ
  • 2001 નરેન્દ્ર મોદી: રાજ્યનું દેવું 42,700 કરોડ
  • 2014 નરેન્દ્ર મોદી: રાજ્યનું દેવું 1,63,541 કરોડ
  • 2017: વિજય રૂપાણી: રાજ્યનું દેવું 2,43,360 કરોડ

દેવું તો કમલમમાંથી જ વધ્યું છેઃ શૈલેષ પરમાર

વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, EVM કમલમમાં નથી બનતું અને અમારી જોડે કોઈ પ્રકારની આવી ફેક્ટરી પણ નથી. જેને લઈ આજે બુધવારે શૈલેષ પરમારે વિધાનસભાગૃહમાં કટાક્ષ કર્યો હતો કે, EVM અને વેક્સિન આ બંને કમલમમાં નથી બનતા, પરંતુ દેવું તો કમલમમાંથી જ વધ્યું છે.

આ પણ વાંચોઃ વિધાનસભા ગૃહમાં દરિયા કિનારે શિપ બિલ્ડીંગ અંગે સરકારે આપ્યો જવાબ

કોંગ્રેસ વિપક્ષમાં બેસવાને લાયક નથી: ગણપત વસાવા

ગણપત વસાવાએ વિધાનસભાગૃહમાં બજેટ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના આક્ષેપનો જવાબ આપતા જણાવ્યું હતું કે, અત્યારે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં કોંગ્રેસ વિપક્ષમાં બેસવાને પણ લાયક નથી, ત્યારે આ બાબતે પણ કોંગ્રેસના ધારાસભ્ય અને ગણપત વસાવા વચ્ચે થોડીક રકઝક થઇ હતી, જેમાં અધ્યક્ષે બંનેને સમજાવ્યાં હતા અને નીતિન પટેલે પણ આ બાબતે ફાયદો ઉઠાવીને કોંગ્રેસ પર કટાક્ષ કર્યા હતા. વિધાનસભા સત્રમાં અદાજપત્ર પર સામાન્ય ચર્ચાના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્ય ચન્દ્રીકાબેન બારીયા દ્વારા માગ કરાઈ છે કે, કોવિડમાં આદિવાસી વિસ્તારમાં જે આશા વર્કર બહેનોએ કામ કર્યું છે, તેવી મહિલાઓને સમાન કામ અને સમાન વેતન મળે, રાજ્ય સરકારે દાહોદમાં આજ દિન સુધી એકપણ GIDCની સ્થાપના નથી કરી, જેના કારણે યુવાનો બેરોજગાર બની રહ્યા છે, તદ ઉપરાંત સરકારી ભરતીમાં આઉટ સૌસિંગથી ભરતી કરવામાં આવે છે, તેના બદલે સરકાર સીધી ભરતી કરીને આદિવાસી સમાજના યુવાન-યુવતીઓને સરકારી નોકરીની તક આપે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.