ETV Bharat / city

ગુજરાત વિધાનસભામાં પાસાના કાયદાને વધુ વિસ્તૃત બનાવતો ગુંડા એકટ પસાર

author img

By

Published : Sep 24, 2020, 8:52 AM IST

ગુજરાતમાં અસામાજીક પ્રવૃતિઓને અટકાવતો પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એકટ એટલે કે 'પાસા' ના કાયદાને વધુ વિસ્તૃત બનાવતો 'ગુંડા' એકટ વિધાનસભા સત્રના ત્રીજા દિવસે પસાર કરવામાં આવ્યો છે. તો ચાલો વિશેષમાં જાણીએ આ કાયદા વિશે...

vidhansabha
vidhansabha

ગાંધીનગરઃ ગુજરાતમાં અસામાજીક પ્રવૃતિઓને અટકાવતો પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એકટ એટલે કે 'પાસા' ના કાયદાને વધુ વિસ્તૃત બનાવતો 'ગુંડા' એકટ વિધાનસભા સત્રના ત્રીજા દિવસે પસાર કરવામાં આવ્યો છે. બિલ રજૂ કરતા ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ગુંડાઓના કૃત્યો જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે નહીં, તેઓ હિંસા, ધમકી કે બળજબરી પૂર્વક કાયદાનું પાલન કરનાર નાગરિકોનું શોષણ ન કરે તે માટે અસામાજિક પ્રવૃત્તિને રોકવા પગલાઓ લેવામાં આવ્યા છે. આ કાયદાથી ગુંડા અને ટપોરીઓની શાન ઠેકાણે આવશે. ચેઇન સ્નેચિંગ ગૌહત્યા ,દારૂ-જુગાર અને બળાત્કાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ લાગશે.

ગુજરાત વિધાનસભામાં પાસાના કાયદાને વધુ વિસ્તૃત બનાવતો ગુંડા એકટ પસાર
આ અંગે પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુંડા તત્વોની વ્યાખ્યામાં વ્યક્તિ અથવા જૂથ દ્વારા હિંસાની ધમકી આપવી, ધાક-ધમકી આપી અન્ય રીતે જાહેર વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશથી અસામાજિક પ્રવૃત્તિઓ કરતી, ભયની લાગણી ફેલાવી સાર્વજનિક જાહેર આરોગ્ય નુકસાને કરવું, જાહેર તથા ખાનગી મિલકતોને નુકસાન કરવું એવું કોઈપણ કાર્ય આ ગુના હેઠળ સજા પાત્ર થશે.આવી પ્રવૃત્તિ કરનાર ગણાશે ગુનેગાર

આ ઉપરાંત નશાબંધી ધારો, કૈફી ઔષધ ધારાની જોગવાઈઓનો ભંગ કરી માદક દ્રવ્યોનું ઉત્પાદન, હેરાફેરી તેની આયાત નિકાસ જેવા ગુનાઓનો સમાવેશ આ કાયદામાં સજાપાત્ર ગુનો બને છે. કાયદાની જોગવાઈથી વિપરીત સ્થાવર મિલકતનો કબજો કરવો, તેમાં મદદ કરવી, માલિકી હકના ખોટા દાવા કરવા, બનાવટી દસ્તાવેજો ઉભા કરવા, મહિલાઓના અનૈતિક વ્યાપાર, બાળ રક્ષણ અધિનિયમ, જુગાર પ્રતિબંધ, સામુદાયિક ભય ફેલાવવો, ખંડણી, મિલકત માટે હિંસાનો આશરો, ગેરકાયદેસર પશુઓ અને શાસ્ત્રોની હેરફેર જેવા કિસ્સાઓમાં આ ધારા હેઠળ કાર્યવાહી થશે.

સજાની જોગવાઈ

આ ધારા અંતર્ગત અસામાજીક પ્રવૃતિઓમાં સંકળાય તેવા ગુંડાઓને 7 વર્ષથી ઓછી નહીં અને 10 વર્ષ સુધીની કેદની અને 50 હજાર રૂપિયાથી ઓછા નહીં તેવા દંડ અને શિક્ષાની જોગવાઇ કરવામાં આવેલી છે.

જોકે, રાજ્ય સેવક પણ હોય અને તે કોઈ વ્યક્તિને ગુંડાને ગુનો કરવા પ્રેરિત કરે, ત્યારબાદ ગેરકાયદેસર રીતે તેને સાથ આપે, કાયદાકીય પગલા ન લે , તેના ખાતાના ઉપરી અધિકારીઓ કે કોર્ટનું આદેશનું પાલન ઇરાદાપૂર્વક ટાળે તેને ત્રણ વર્ષથી ઓછી નહીં, પરંતુ દસ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આ કાયદા અંતર્ગત અસામાજિક તત્વો સામે ભારતીય ફોજદારી અધિનિયમ, પાસા અધિનિયમ હેઠળ થયેલી કાર્યવાહી ધ્યાનમાં લેવાની રહેશે. આ ઉપરાંત સ્થાવર કે જંગમ મિલકત અંગે સંતોષકારક જવાબ ન આપી શકે, તેનાં પ્રાપ્તિના સાધનાના પ્રમાણમાં મિલકત વધુ હોય અને તેની વિરુદ્ધ અપ્રામાણિકતા સાબિત થાય તો તેને ગુંડા ધારા અંતર્ગત માની લેવામાં આવશે.

આ કાયદાના અમલ માટે વિશેષ અદાલતની સ્થાપના કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે અને તે માટે પૂરતી જોગવાઈ કરી દેવાઈ છે. આ ઉપરાંત જરૂર જણાય તો નિયત સિવાયના અન્ય સ્થળે પણ કોર્ટ કાર્યવાહી માટે બેઠક બોલાવી શકાય, તેવી જોગવાઈ પણ કરાઈ છે. વિશેષ અદાલતની હકુમત પણ નિયત કરી છે. જેમાં વિશેષ અદાલતની રચના થઈ હતી તે અગાઉના કોઈ પણ પડતર કેસો વિશેષ અદાલતની હકુમતોમાં આવી જશે. જરૂર જણાએ કોઈ કેસના નિકાલ માટે એક વિશેષ અદાલતથી બીજી વિશેષ અદાલતમાં કેસ તબદીલ કરવાની પણ જોગવાઇ કરાઇ છે.

પ્રોસિક્યુટરની થશે નિમણૂક

આ માટે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવશે. ગુંડા ધારા હેઠળ જે વ્યક્તિ સાક્ષી બનશે. તેને રાજ્ય સરકાર પૂરેપૂરું રક્ષણ આપશે તેની ગુપ્તતા જાળવવામાં આવશે. તદુપરાંત સાક્ષીઓના નામ અને સરનામાનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. તેના ઉલ્લંઘન બદલ જે તે વ્યક્તિને એક વર્ષ સુધીની કેદ અને પાંચ હજાર રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. ગુંડા ધારા હેઠળ મેળવેલ મિલકત ટાંચમાં લઇ શકાશે. તેના વહીવટ કર્તાઓની નિમણુક પણ કરી શકાશે. જો કોઇ મિલકત ઇન્ડિયન એવીડન્સ એક્ટના વિરોધમાં પણ હોય, તેમ છતાંય મિલકતનો દાવો કરનાર વ્યક્તિએ સાબિત કરવાનું રહેશે કે તે મિલકત તેની છે.

ગુનો કર્યા વિશેની માહિતી રેકોર્ડ કરવા અંગે ગુંડા ધારા હેઠળના ગુનાનું કોઈપણ માહિતી સંબંધિત રેન્જનો હવાલો ધરાવતા અથવા પોલીસ કમિશનરથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીની પૂર્વ મંજૂરી વગર એક પણ થઈ શકશે નહીં. તેમજ સરકારની મંજૂરી વગર કાર્યવાહી પણ થઈ શકશે નહીં, તેવી જોગવાઈ આ કાયદા અંતર્ગત કરવામાં આવેલી છે.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.