ETV Bharat / city

આજે ગાંધીનગરનો 57મો જન્મદિવસ, 21 સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ 35 જગ્યાઓ પર કરાશે ઉજવણી

author img

By

Published : Aug 2, 2021, 7:03 AM IST

આજે 2 ઓગસ્ટ 2021ના રોજ ગાંધીનગર શહેરની સ્થાપનાને 57 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે શહેરની કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા કેક કટ કરવાથી લઈને વૃક્ષારોપણ જેવા સામાજિક કાર્યક્રમો યોજી ગાંધીનગરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. ઉપરાંત, વિવિધ સ્પર્ધાઓ યોજી શહેરીજનોને પણ ઉજવણીનો ભાગ બનવાની તક આપવામાં આવશે.

ગાંધીનગર
ગાંધીનગર

  • 2 ઓગસ્ટ 1965ના દિવસે ગાંધીનગરની થઈ હતી સ્થાપના
  • આજે 57 વર્ષ પૂર્ણ કરશે ગાંધીનગર
  • તમામ સેક્ટરમાં ઊજવણીનું કરાયું આયોજન
  • 35 જગ્યાએ થશે ગાંધીનગર સ્થાપના દિનની ઉજવણી

ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગરની સ્થાપના 2 ઓગસ્ટ 1965ના રોજ કરવામાં આવી હતી. આજે 2 ઓગસ્ટ 2021ના રોજ ગાંધીનગરને 57 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આખા શહેરમાં 21 જેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ સેક્ટરોમાં ગાંધીનગરના સ્થાપના દિન નિમિત્તે કેક કટ કરવાના આયોજન સાથે ગાંધીનગર સિવિલમાં પણ દર્દીઓને સારવાર બાદ સરળતાથી તેઓ ઘરે પહોંચી શકે તે માટે 801 નંબરની એક એમ્બ્યુલન્સનું પણ લોકાઅર્પણ કરવામાં આવશે.

હેમરાજ પાડલીયાએ આપી ઉજવણીના કાર્યક્રમોની માહિતી

કોર્પોરેશનના તમામ સેક્ટરોમાં થશે ઉજવણી

ગાંધીનગરના સ્થાપના દિનની ઉજવણી બાબતે ઋષિ વંશી સમાજ સેવા સંઘના પ્રમુખ હેમરાજ પાડલીયાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના સ્થાપના દિન નિમિત્તે શહેરના તમામ સેક્ટર અને નવા ગ્રામ્ય વિસ્તારો કે જેમનો શહેરમાં સમાવેશ થયો છે તે તમામ જગ્યા ઉપર કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણે કેક કટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ એક જ સમયે અલગ અલગ 35 જગ્યાએ ગાંધીનગર સ્થાપના દિન નિમિત્તે કેક કટ કરીને ખાસ ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત, 2 ઓગસ્ટના રોજ સાંજે 5થી 7 વાગ્યા સુધી ગાંધીનગરના મુખ્ય માર્ગોના મહત્વના પોઇન્ટ પર કેક અને પેસ્ટ્રીઝનું બાળકોને વિતરણ પણ કરવામાં આવશે.

આ પણ વાંચો- પીએમ મોદીને જન્મદિવસની ઉજવણી પસંદ જ નથી, સંગઠનની રજૂઆત બાદ જન્મદિવસે સામાજિક કામો શરૂ કર્યા

કેવી હશે ઉજવણી?

2જી ઓગસ્ટ એટલે કે, ગાંધીનગર સ્થાપના દિનની ઉજવણીનું દર વર્ષે સામાજિક સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવે છે. ત્યારે આ ઉજવણી કેવી હશે તે બાબતે હેમરાજ પાડલીયાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના તમામ ઘરોમાં સાંજે દીવા પ્રગટાવીને ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત, દરેક સેક્ટરમાં દેશભક્તિના ગીતો વાગશે અને સ્ટેજ પર 35 જેટલા સેક્ટરોમાં કેક કટ કરવાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજીને ગાંધીનગરના તમામ રહેવાસીઓ આ ઉજવણીમાં જોડાય તે બાબતનું પણ આયોજન 21 સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે.

સિવિલ હોસ્પિટલમાં 801 એમ્બ્યુલન્સનું લોકાર્પણ

હેમરાજ પાટડીયા વધુમાં જણાવે છે કે, ગાંધીનગર સિવિલમાં અનેક લોકો સારવાર મેળવવા આવી રહ્યા છે. સિવિલમાં દર્દીઓ 108ની મારફતે સિવિલમાં દાખલ થતા હોય છે. પરંતુ હોસ્પિટલમાંથી સારવાર મેળવ્યા બાદ અમુક ગંભીર પ્રકારના દર્દીઓને એમ્બ્યુલન્સ માટેનો આર્થિક બોજો ઉઠાવવો પડે છે, જેથી આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે ગાંધીનગરની સામાજિક સંસ્થાઓ દ્વારા એક ખાસ 801 નંબરની એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી છે. તે ફક્ત ગાંધીનગર સિવિલમાંથી સારવાર લઈને ઘરે જતાં દર્દીઓને મફતમાં ઘર સુધી પહોંચાડવાની સેવા આપશે.

ગાંધીનગરની પ્રથમ ઇંટ GEB ખાતે મૂકવામાં આવી હતી

2 ઓગસ્ટ 1965ના દિવસે ગાંધીનગર શહેરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે ગાંધીનગર શહેરની પ્રથમ ઈંટ ગુજરાત ઇલેક્ટ્રીક બોર્ડ એટલે કે GEB ખાતે પ્રથમ ઇંટ મૂકીને ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી હતી. તેથી આ દિવસને ગાંધીનગરનો સ્થાપનાદિન તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો- રાજ્યમાં વડાપ્રધાનના જન્મદિવસે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની માતૃશક્તિને ભેટ મળશે

ગાંધીનગરમાં 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે

હેમરાજ પાટડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, સ્થાપના દિન નિમિત્તે આવનારા દિવસોમાં અને સ્થાપના દિનના રોજ ગાંધીનગરમાં એક લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં 20,000 જેટલા વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે અને બાકીના વૃક્ષોનું વૃક્ષારોપણ તબક્કાવાર કરવામાં આવશે. આમ, ટૂંક જ સમયમાં ગાંધીનગરમાં વધુ 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

કોરોનામાં મુક્તિધામમાં ફરજ નીભાવી રહેલા કર્મચારીઓનું સન્માન

કોરોનાની બીજી લહેરમાં ગાંધીનગર સ્મશાનમાં પણ લાંબી કતારો લાગતી હતી, અંતિમવિધિ માટે કલાકો સુધી રાહ જોવી પડતી હતી. ત્યારે આ ગંભીર પરિસ્થિતિમાં પણ કામ કરનારા અંતિમધામના કર્મચારીઓનું પણ સ્થાપના દિન નિમિત્તે સન્માન કરવામાં આવશે અને તેમને પણ કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.