ETV Bharat / city

રાજ્યમાં વડાપ્રધાનના જન્મદિવસે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની માતૃશક્તિને ભેટ મળશે

author img

By

Published : Sep 13, 2020, 7:39 PM IST

Mukhyamantri Mahila Utkarsh Yojana
રાજ્યમાં વડાપ્રધાનના જન્મદિવસે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની માતૃશક્તિને ભેટ મળશે

રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર 10 લાખ માતાઓ અને બહેનોને 0 ટકા વ્યાજે લોન ધિરાણની 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના' શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની ભેટ ગુજરાતની નારી શક્તિને આપવામાં આવશે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની માતૃશક્તિને મળશે ભેટ

  • 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના જન્મદિવસે યોજનાની મહિલાઓને મળશે ભેટ
  • યોજનામાં 10 લાખ માતા-બહેનોને 0 ટકા વ્યાજે લોન મળશે
  • વ્યાજના રૂપિયા રાજ્ય સરકાર ચૂકવશે
  • 1 લાખ જોઈન્ટ લાયાબિલિટી એન્ડ અર્નિંગ ગ્રુપ-મહિલા જૂથની રચના કરાશે
  • પ્રત્યેક જૂથમાં 10 મહિલા-માતા-બહેનોને સહભાગી બનાવીને 10 લાખ બહેનોને કુલ રૂપિયા 1 હજાર કરોડ સુધીનું કુલ ધિરાણ-લોન અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં 10 લાખ મહિલાઓને 0 ટકા વ્યાજે લોન ધિરાણની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની ભેટ ગુજરાતની નારી શક્તિને આપવામાં આવશે.

રાજ્યના ગ્રામીણ ક્ષેત્રમાં 50 હજાર અને શહેરી વિસ્તારમાં 50 હજાર મળી કુલ 1 લાખ જોઈન્ટ લાયાબિલિટી એન્ડ અર્નિંગ ગ્રુપ-મહિલા જૂથની રચના કરવામાં આવશે. પ્રત્યેક જૂથમાં 10 મહિલા- માતા બહેનોને સહભાગી બનાવીને 10 લાખ બહેનોને કુલ રૂાપિયા 1 હજાર કરોડ સુધીનું કુલ ધિરાણ-લોન મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં તબક્કાવાર આપવામાં આવશે.

રાજ્યની સરકારી બેંકો, સહકારી બેંકો તેમજ ખાનગી બેંકો અને આરબીઆઇ માન્ય ધિરાણ સંસ્થાઓ મારફતે આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત પ્રત્યેક મહિલા જૂથને 1 લાખ રૂપિયાની લોન ધિરાણ પ્રાપ્ત થઇ શકશે. મહિલા કલ્યાણલક્ષી યોજનામાં બેન્કિંગ સેક્ટરને ઉત્સાહપૂર્વક જોડાવા આહવાન કર્યું છે. રાજ્ય સરકાર આવી બેન્કો સાથે નજીકના ભવિષ્યમાં આ અંગેના MOU પણ કરવાની છે.

રાજ્યમાં માતા-બહેનોને મળનારી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની લોન-ધિરાણનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે તેવો મહિલા કલ્યાણ અભિગમ અપનાવ્યો છે. લોન-ધિરાણ માટેની સ્ટેમ્પ ડ્યુટીમાં પણ માફી આપવાનો નિર્ણય તેમણે કર્યો છે. આ માટે રાજ્ય સરકારે 175 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં લાભ લેવા જોઈન્ટ લાયાબિલિટી એન્ડ અર્નિંગ ગ્રુપ તરીકે નોંધણી કરાવીને લાભ મેળવી શકશે. આવા જૂથોની રચનામાં સહાયક થનાર કોમ્યુનિટી રીસોર્સ પર્સન- સર્પોટરને 300 રૂપિયાનું પ્રોત્સાહક સહાય અપાશે. મહિલા કલ્યાણ અને મહિલા ઉત્કર્ષ ક્ષેત્રમાં કાર્યરત સ્વૈચ્છિક સેવા સંગઠનો-સંસ્થાઓનું યોગદાન પણ આ યોજનાનો વ્યાપક લાભ માતા-બહેનોને મળે તે માટે લેવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ગરીબ, ગ્રામીણ, સામાન્ય મધ્યમ વર્ગની માતા-બહેનોના જૂથોને વ્યાજ રહિત લોન-ધિરાણ સાથે વાર્ષિક માતબર રકમની બચતની સુવિધા પણ આ યોજનાથી આપી છે.

રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં 2.51 લાખ સખી મંડળો નોંધાયેલા છે અને તેના દ્વારા 25.82 લાખ ગ્રામીણ બહેનો વિવિધ પ્રવૃત્તિઓથી આર્થિક આધાર મેળવે છે. એટલું જ નહીં, ખેતી, પશુપાલન અને ડેરી વ્યવસાય સાથે જોડાયેલા 1.58 લાખ સખીમંડળોની 12 લાખ બહેનો પરિવારમાં આવક રળવામાં યોગદાન આપે છે. નાના ઉદ્યોગો અને વ્યવસાયોમાં 1.15 લાખ બહેનો તેમજ હેન્ડીક્રાફટ સાથે 20 હજાર બહેનો જોડાયેલી છે. આ જ પ્રમાણે શહેરી વિસ્તારોમાં 23,776 સખીમંડળોની 2.20 લાખ માતા-બહેનો ગૃહ ઉદ્યોગ તેમજ નાના વ્યવસાયોમાં સંકળાયેલી છે. નાણાંકીય વર્ષ 2019-20મા 45,404 સ્વસહાય જૂથ સખીમંડળોની 4.52 લાખ માતૃશક્તિએ 428.72 કરોડ રૂપિયાના ધિરાણ-લોન મેળવેલા છે. આ જૂથોની માતૃશક્તિને પણ તેમણે અગાઉ મેળવેલા લોન-ધિરાણ ભરપાઇ કર્યા હોય તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ આપવાનું પણ આ યોજનામાં સુનિશ્ચિત કર્યું છે.

મહિલા કલ્યાણ- મહિલા ઉત્કર્ષની આ પહેલરૂપ યોજનાનું રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ વિકાસ વિભાગ હસ્તકના ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા અમલીકરણ કરાશે. શહેરી ક્ષેત્રો માટે શહેરી વિકાસ વિભાગના ગુજરાત અર્બન લાઇવલીહૂડ મિશન મારફતે આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો અમલ કરાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.