ETV Bharat / city

માસૂમ બાળકીની જીંદગી જીવવાની જીદ સામે કોરોના, ફંગલ ઈન્ફેક્શન અને MIS-Cએ હથિયાર હેઠા મુકયા

author img

By

Published : Jun 16, 2021, 8:44 PM IST

કોરોના, મ્યુકોર માઈકોસીસ જેવા ભયાવહ રોગનું નામ સાંભળી લોકોના શરીરમાંથી લખલખું પસાર થઇ જાય છે, પરંતુ જો મજબૂત મનોબળ અને પોઝિટિવ અભિગમ સાથે આ રોગોનો સામનો કરવામાં આવે તો તેમાંથી મુક્ત થવું સાવ સહેલું છે, ત્યારે અમદાવાદની 10 વર્ષની કીર્તિએ કોરોના, ફંગલ ઇન્ફેકશન અને MIS-Cને હરાવીને લોકોને પ્રભાવિત કર્યા છે.

Ahmedabad Local News
Ahmedabad Local News

  • 10 વર્ષીય કીર્તિ કોઠારીએ કોરોના, Fungal infection અને MIS-Cને હરાવ્યો
  • MIS-C (Multi-system inflammatory syndrome) પર વિજય સંભવ
  • સિવિલ હોસ્પિટલમાં MIS-C રોગથી પીડિત 15 બાળકોએ સારવાર મેળવી

અમદાવાદ : શહેરની સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ના ટ્રોમા સેન્ટરના ICUમાં દાખલ કરાયેલી 10 વર્ષની કીર્તિ કોઠારીની જીંદગી જીવવાની જીદ અને રોગને ગમે તે ભોગે હરાવવાનો હકારાત્મક અભિગમ અને વલણને જોતા તમે તેનાથી પ્રભાવિત થયા વિના ના રહી શકો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ના ટ્રોમા સેન્ટર (Trauma Center)માં MIS-Cથી પીડિત 10 વર્ષીય કીર્તિ કોઠારી 12 દિવસની સારવાર દરમિયાન પળભર માટે પણ હિંમત હારી નહી. જીદ હતી તો ફક્ત જીવી જવાની. આ જીદને લઇને સમગ્ર સારવાર કરાવ્યા બાદ અંતે MIS-Cને હરાવીને સ્વગૃહે પરત ફરી છે.

દસ વર્ષની કીર્તિ
દસ વર્ષની કીર્તિ

કીર્તિ કોઠારી વેકેશન માણવા અજમેર દાદાને ઘરે ગઈ હતી

સમગ્ર ઘટના એવી છે કે, અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી 10 વર્ષની કીર્તિ કોઠારી વેકેશન માણવા રાજસ્થાનના અજમેર સ્થિત દાદાના ઘરે ગઇ હતી. તે દરમિયાન 10 મેના રોજ કીર્તિને એકાએક હાઇગ્રેડ તાવ ચઢ્યો. આંખ પર સોજો જણાઇ આવ્યો. માતાપિતા ખૂબ જ ચિંતિત બન્યા. ક્ષણભરનો વિલંબ કર્યા વિના તેઓ કિર્તીને અમદાવાદ લઇ આવ્યા હતા. અમદાવાદ શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવ્યા બાદ 10થી 15 દિવસ સારવાર કરાવી હતી. સારવાર દરમિયાન આંખની પાસેના વિસ્તારના ઇન્ફેક્શનનું પરૂ દૂર કરવામાં આવ્યું, તે છતાંય સંતોષકારક પરિણામ મળ્યું નહી.

કીર્તિની જીંદગી જીવવાની જીદ સામે કોરોના, ફંગલ ઈન્ફેક્શન અને MIS-C હાર્યા
કીર્તિની જીંદગી જીવવાની જીદ સામે કોરોના, ફંગલ ઈન્ફેક્શન અને MIS-C હાર્યા

હાઈગ્રેડ તાવની ફરિયાદ

છેલ્લે પહેલી જૂનના રોજ કીર્તિના માતાપિતા અમદાવાદ સિવિલમા સારવાર માટે લઇ આવ્યા હતા. કીર્તિ કોઠારી અમદાવાદ સિવિલમાં આવી, ત્યારે તેને હાઇગ્રેડ તાવની ફરીયાદ હતી. સાથે સાથે ડાબી આંખના ભાગે સોજો જોવા મળી રહ્યો હતો. તે આંખ ખોલવા સક્ષમ પણ ન હતી. પેટમાં પણ અસહ્ય દુખાવાની ફરિયાદ હતી. આ તમામ ફરિયાદ અને તકલીફ જોતા સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ના બાળરોગ વિભાગના તબીબોને MIS-Cની તકલીફ હોવાની સંભાવના જણાઇ આવી. જેની ખરાઇ કરવા તબીબોએ વિવિધ રીપોર્ટ્સ કરાવ્યા. રીપોર્ટ્સમાં MIS-C અને ફંગલ ઇન્ફેક્શનનું પણ નિદાન થયું.

CRP અને D-dimer વધી રહ્યા હતા

કીર્તિનું CRP (C-reactive protein), D-dimer વધવાને કારણે ઇન્ફ્લામેટરી માર્ક્સ (સોજા) વધી રહ્યા હતા. આ તમામ રીપોર્ટ્સ જોતા બાળરોગ વિભાગના ડૉ. બેલા શાહ, ડૉ. ચારૂલ મહેતા અને ડૉ. ધારા ગોસાઇની ટીમ દ્વારા ઇએનટી ( ENT ) વિભાગના નિષ્ણાંત તબીબો, ઓપ્થેલમોલોજીસ્ટ(આંખના તબીબ) અને ન્યુરોસર્જન્સ સાથે સમગ્ર કેસની વિગતવાર ચર્ચા-વિચારણા અને પરામર્શ કરીને સમગ્ર સારવાર હાથ ધરી.

આ પણ વાંચો : બાળકો સામે કોરોના ઝૂક્યો, સુરતના બાળ યોદ્ધાઓએ કોવિડને આપી માત

મોંઘા ઈન્જેક્શનથી સારવાર શરૂ કરાઈ

રોગની ગંભીરતા અને કિર્તીની તકલીફો જોતા આકસ્મિક સંજોગોમાં ઇમ્યુનોગ્લોબ્યુલીન ઇન્જેક્શન જે સોજો દૂર કરવા માટે અસરકાર છે અને એન્ટીફંગલ ઇન્જેક્શનની સારવાર આપવાની જરૂરિયાત ઉભી થઇ. જે બન્ને ઇન્જેક્શન મોંઘા હોવાથી સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ના સુપ્રીન્ટેન્ડેન્ટની પરવાનગીની જરૂર હતી. સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદીએ વિલંબ કર્યા વગર તમામ ઇન્જેક્શન સરળતાથી ઉપલબ્દ્ધ કરાવી આપ્યા. આ ઇન્જેક્શન ઉપરાંત તમામ સપોર્ટીવ થેરાપી શરૂ કરવામાં આવી જે કારણોસર કીર્તિની તબીબયતમાં સુધારો જોવા મળ્યો હતો. 12 દિવસની સધન સારવાર મેળવીને કિર્તી કોઠારી સંપૂર્ણપણે સાજી થઇ સ્વગૃહે પરત થઇ છે.

આ પણ વાંચો : સુરતમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થયેલા દર્દીઓ 70.8 ટકા નોંધાયા

ડેન્ગ્યૂ, ઓરી, અછબડામાં આ પ્રકારનો લક્ષણો

સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડૉ. બેલા શાહ કહે છે કે, MIS-C રોગમાં શરીરના વિવિધ અવયવોમાં સોજો થતો જોવા મળે છે. જેના લક્ષણોમાં વધુ તાવ આવવો, ઝાડા-ઉલ્ટી થવી, પેટમાં દુખાવો થવો, આંખમાંથી પાણી પડવું, માથામા દુખાવો થવો, ચામડી પર ચાઠા પડવાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ડેન્ગ્યૂ, ઓરી, અછબડામાં પણ આ પ્રકારના લક્ષણો જોવા મળે છે.

મોટા ભાગના બાળકો સાજા થઇને ઘરે પરત થયા

સામાન્ય કિસ્સાઓમાં બાળકને કે તેના પરિવારમાં કોઇને કોરોના થયો હોય. કોરોનાના ઇન્ફેક્શનથી આ પ્રકારના લક્ષણો બાળકમાં પ્રસરે છે, ત્યારે MIS-C થવાની સંભાવનાઓ રહેલી હોય છે. અમદાવાદ સિવિલમાં બીજી લહેર બાદ 15 જેટલા બાળકો MIS-Cની સારવાર હેઠળ આવ્યા છે. જેમાં મોટા ભાગના બાળકો સાજા થઇને ઘરે પરત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.