ETV Bharat / city

ગુજરાત હાઈકોર્ટના સિનિયર જજ જી.આર.ઉંઘવાણીનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

author img

By

Published : Dec 5, 2020, 5:09 PM IST

કોરોનાના સકંજામાંથી કોઈ પણ બચી નથી શક્યું. કોરોના મોટી મોટી હસ્તીઓને પતાવી ચૂક્યો છે. દિવાળી પછી તો ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફળો ફાટ્યો છે. શનિવારે ગુજરાત હાઈકોર્ટના સિનિયર જજ જી.આર.ઉંઘવાણીનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે.

ગુજરાત હાઈકોર્ટના સિનીયર જજ જી. આર. ઉંઘવાણીનું કોરોનાની સારવાર દરમિયાન નિધન
ગુજરાત હાઈકોર્ટના સિનીયર જજ જી. આર. ઉંઘવાણીનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

  • હાઈકોર્ટના સિનિયર જજ જી.આર.ઉંઘવાણીનું નિધન
  • કોરોના પોઝિટિવની સારવાર દરમિયાન થયું નિધન
  • 15 દિવસમાં ત્રણ જજ કોરોના પોઝિટિવ થયા હતા

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના સિનિયર જજ જી.આર.ઉંઘવાણી 15 દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા અને તેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમની તબિયત સુધારા પર હતી, પરંતુ ગઈ કાલે અચાનક તબિયત લથડી હતી અને આજે શનિવારે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા.

ગુજરાત હાઈકોર્ટને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકાઈ હતી

ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પહેલા દિવાળીની રજાઓમાં ગુજરાત હાઈકોર્ટના 3 જજને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જસ્ટિસ જી.આર.ઉંઘવાણી, જસ્ટિસ એ.સી.રાવ અને જસ્ટિસ આર.એમ.સરીનનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અગાઉ પણ હાઈકોર્ટના રજિસ્ટ્રીના અનેક કર્મચારીઓ પોઝિટિવ થયા હતા. એક તબક્કે ગુજરાત હાઈકોર્ટના પ્રિમાઈસીસને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકાયું હતું અને હાઈકોર્ટના તમામ કેસની સુનાવણી ઓનલાઈન થતી હતી. ફિઝિકલ કોર્ટ બંધ કરાઈ હતી.

સિનિયર જજ ઉંઘવાણીએ અમદાવાદમાંથી ડિગ્રી મેળવી હતી

જસ્ટિસ જી.આર.ઉંઘવાણીનો 25 નવેમ્બર, 1961માં જન્મ થયો હતો. ત્યાર બાદ તેમણે અમદાવાદમાં 1983માં બીકોમની ડિગ્રી મેળવી હતી અને તેના 3 વર્ષમાં કાયદાની ડિગ્રી મેળવી હતી. હાલમાં તે ગુજરાત હાઈકોર્ટમાં સિનિયર જજ તરીકે ફરજ બજાવતા હતા. તે કોરોના પોઝિટિવ આવ્યા પછી અમદાવાદની સાલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા, જ્યાં તેમનું આજે શનિવારે સવારે નિધન થયું છે.

ગત મહિને હાઈકોર્ટના 3 ન્યાયાધીશને થયો હતો કોરોના

ગત મહિને ગુજરાત હાઈકોર્ટના 3 ન્યાયાધીશને કોરોના થયું હોવાનું સામે આવ્યું હતું. આ અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટના કેટલાક કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. જેને લીધે હાઈકોર્ટની કામગીરીને 2-3 દિવસ માટે સ્થગિત કરી આખા કેમ્પસને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે દિવાળી વેકેશન પહેલા જાહેર કરેલા આદેશ પ્રમાણે, હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી અંગેનો નિણર્ય 20 ડિસેમ્બરે લેવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી માટે પ્રાથમિક ધોરણે 4 જાન્યુઆરી 2021ની તારીખ નક્કી કરવામાં આવી છે. જો કે, આ અંગે અંતિમ નિર્ણય 20 ડિસેમ્બરે હાઈકોર્ટની કમિટી દ્વારા લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.