ETV Bharat / city

રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાતને લઈને રાજકીય નેતાઓએ આપી પ્રતિક્રિયા

author img

By

Published : Mar 31, 2021, 8:28 PM IST

ખેડૂત નેતા રાકેશ ટિકૈત આગામી તારીખ 4 અને 5 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં તેઓ પાલનપુર અને બારડોલી ખાતે કિસાન મહાસંમેલન યોજવા જઈ રહ્યા છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહેશે. રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાતથી ગુજરાતના રાજકરણમાં કોઈ ફરક પડશે કે કેમ? તેને લઈને ETV Bharat દ્વારા તમામ રાજકીય પાર્ટીઓના મંતવ્યો જાણવામાં આવ્યા હતા.

રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાતને લઈને રાજકીય નેતાઓએ આપી પ્રતિક્રિયા
રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાતને લઈને રાજકીય નેતાઓએ આપી પ્રતિક્રિયા

  • ગુજરાતમાં ખેડૂત આંદોલનનું થઈ શકે છે મંડાણ
  • ખેડૂત નેતા રાકેશ ટિકૈત આવી રહ્યા છે ગુજરાત
  • ગુજરાતમાં બે જગ્યાએ કરશે ખેડૂત મહાસંમેલન

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત આગામી 4 માર્ચથી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. રાકેશ ટિકૈત અંબાજીથી પોતાના પ્રવાસનો પ્રારંભ કરશે અને પાલનપુર તેમજ બારડોલીમાં ખેડૂત મહાસંમેલનમાં ખેડૂતોને સંબોધશે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં રાકેશ ટિકૈત ખેડૂતો સાથે પરિસંવાદ પણ કરશે.

ભાજપનું શું કહેવું છે?

રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટિકૈત 4 એપ્રિલે ગુજરાત આવી રહ્યા છે. તેઓ ગુજરાતના ખેડૂતોને મળશે અને તેમની સાથે ત્રણ કૃષિ કાયદાઓને લઈને ચર્ચા કરશે. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોને કોઈ સમસ્યા નથી. અહીં ખેડૂતોને તેમની ઉપજનો પૂરતો ભાવ મળી રહે છે. સ્થાનિક સ્વરાજ્યની તાજેતરની ચૂંટણીઓમાં 31માંથી 31 જિલ્લા પંચાયત પર મોટા માર્જિનથી ભાજપનો વિજય થયો છે. તે દર્શાવે છે કે, લોકો ભાજપની સાથે છે. ગુજરાતના ખેડૂતો કોઈની વાતમાં આવશે નહીં. ભાજપની વિકાસની રાજનીતિથી તમામ વર્ગના લોકો ખુશ છે. વિરોધ કરવાનો પણ લોકશાહીમાં હક છે.

NCPનું શું કહેવું છે?

ગુજરાત NCPના નેતા રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી હેરાન-પરેશાન છે. ત્યારે ખેડૂતોના સમર્થનમાં રાકેશ ટિકૈત જ્યારે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા તમામ લોકો સાથે NCP ખભેથી ખભો મિલાવીને લડવા માટે તૈયાર છે. ગુજરાતમાં ખેડૂતો પહેલાથી જ આંદોલન કરી રહ્યા છે. રાકેશ ટિકૈત ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમને ગુજરાતમાં ખેડૂતોનો ચોક્કસ સાથ મળશે તેવું લાગી રહ્યું છે. NCP પહેલાથી કહેતી આવી છે કે, ખેડૂતો માટે લડનારા તમામ લોકો સાથે અમારો ટેકો રહેલો છે. ત્યારે ખેડૂતોના આંદોલનને લઈ ભાજપના નેતા અથવા ભાજપ સરકાર જો ખેડૂત આંદોલન માટે થઈને વિરોધ નોંધાવતા હોય તો તેની સાથે રહીને પણ NCP વિરોધ કરવા માટે તૈયાર છે.

રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાતને લઈને રાજકીય નેતાઓએ આપી પ્રતિક્રિયા

આમ આદમી પાર્ટીનું શું કહેવું છે?

આમ આદમી પાર્ટીના નેતા ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ખેડૂતોના રાષ્ટ્રીય નેતા રાકેશ ટિકૈત જ્યારે ગુજરાત આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સૌથી પહેલાં તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે. સરકારના ત્રણ કાળા બિલોને લઈ શરૂઆતથી જ ભારત સરકાર સામે લડત આપી રહેલા રાકેશ ટિકૈત સહિત ખેડૂતો આંદોલન પર બેઠા છે. ગુજરાતના ખેડૂતો પણ આ ત્રણ કાળા બિલો પાછા લેવા માટે થઈ સમર્થનમાં જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ દિલ્હીમાં ગઈ હતી અને ખેડૂતોને સમર્થન જાહેર કર્યું હતું ત્યારે રાકેશ ટિકૈત ગુજરાતના ખેડૂતોની વેદના સાંભળવા માટે થઈને ગુજરાત આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી તેમની સાથે અને તેમના સમર્થનમાં રહેલી છે. ગુજરાતના ખેડૂતો અનેક મુશ્કેલી જનક પરિસ્થિતિમાં જીવી રહ્યા છે જેમાં પાક વીમાની હોય નિષ્ફળ ગયેલ પાકને લઈને ગુજરાત સરકારની સહાયની બાબત હોય જેવી અનેક મુશ્કેલી જનક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે ત્યારે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે થઈને રાકેશ ટિકૈત ગુજરાત આવી રહ્યા છે. ત્યારે તેમને આમ આદમી પાર્ટીનો સંપૂર્ણ ટેકો જાહેર કરી રહ્યા છે.

કોંગ્રેસે પ્રતિક્રિયા આપવાનો કર્યો ઇનકાર

ખેડૂત આંદોલનના રાષ્ટ્રીય નેતા રાકેશ ટિકૈત જ્યારે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીને પ્રતિક્રિયા સંદર્ભે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો હતો. ખેડૂત આંદોલનને લઈને મોટા પાયે વાતો કરનારી કોંગ્રેસ દ્વારા જ્યારે ખેડૂતોના રાષ્ટ્રીય નેતા રાકેશ ટિકૈત ગુજરાત આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ તેમને ટેકો જાહેર કરશે કે નહીં તે પણ એક મહત્વનો સવાલ જોવા મળી રહ્યો છે?

જૂનાગઢના ખેડૂતોનું શું કહેવું છે?

કેન્દ્ર સરકારે પારિત કરેલા ત્રણ કૃષિ કાયદાઓનો ખેડૂત વિરોધ કરી રહ્યા છે. ખેડૂત નેતા ટિકૈત દિલ્હી સરહદ પર જે પ્રમાણે આંદોલન કરી રહ્યા છે, તેને જૂનાગઢના ખેડૂતો યોગ્ય ગણાવી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું કે, પંજાબની સરખામણીએ ગુજરાતનો ખેડૂત સક્ષમ અને મજબુત નથી, પરંતુ કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતનો ખેડૂત સરકાર સામે લડી શકે એટલો મજબૂત તો છે. કેન્દ્ર સરકારને ખેડૂતોના હિતમાં કૃષિ કાયદાને પરત ખેંચવા જોઈએ તેવી માગ જૂનાગઢના ખેડૂતો કરી રહ્યાં છે.

રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ

રાકેશ ટિકૈત આગામી 4 અને 5 એપ્રિલે ગુજરાત આવી રહ્યા છે. રાકેશ ટિકૈત બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી મંદિરમાં 4 એપ્રિલે દર્શન કરી પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે. રાકેશ ટિકૈત સવારે 11:00 વાગે અંબાજી પહોંચશે. બપોરે 12:30 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે. 12:45 વાગ્યે અંબાજીમાં ખેડૂતોનું અભિવાદન કરશે. તે બાદ રાકેશ ટિકૈત પાલનપુર જવા રવાના થશે. રાકેશ ટિકૈત 2:30 વાગ્યે પાલનપુરમાં આબુ હાઈવે રોડ પર સૂરમંદિર સિનેમા સામે આવેલા મેદાનમાં ખેડૂતો સાથે સંવાદ કરશે. તે બાદ સાંજે 5 વાગ્યે ઊંઝા પહોંચીને માં ઉમિયાનાં દર્શન કરશે. જ્યારબાદ 5 એપ્રિલે સવારે 7 વાગ્યે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ત્યાંથી 10:00 વાગ્યે કરમસદમાં આવેલા સરદાર નિવાસની મુલાકાત લેશે. તે બાદ વડોદરાના છાણીમાં 11 વાગ્યે ગુરૂદ્વારામાં દર્શન કરીને બપોરે 3 વાગ્યે બારડોલીમાં સ્વરાજ આશ્રમમાં ખેડૂતો સાથે સંવાદ કરશે.

રાકેશ ટિકૈતનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ
રાકેશ ટિકૈતનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ

શંકરસિંહ બાપુ રહેશે રાકેશ ટિકૈતની સાથે

આ તમામ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહેવાના છે. રાકેશ ટિકૈતની સાથે શંકરસિંહ વાઘેલાએ પોતાનો ટેકો ગુજરાતમાં હોવાનો જાહેર કર્યો છે. જેથી ગુજરાતમાં ખેડૂત આંદોલનને લઈને મહાપંચાયત કરનારા રાકેશ ટિકૈત સાથે મળીને શંકરસિંહ વાઘેલા નારાજ પાટીદાર કિસાનો સાથે પણ બેઠક કરી શકે છે. સાથે જ નારાજ પાટીદારોને પણ ખેડૂત આંદોલનમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

ગુજરાતના ખેડૂતોને આંદોલનમાં જોડાવાનો રાકેશ ટિકૈતનો પ્રયાસ

રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસથી એક બાબત સ્પષ્ટ છે કે, ગુજરાતમાં આજદિન સુધી ખેડૂતો ક્યારેય પણ કૃષિ કાયદાના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા નથી. તો કૃષિ કાયદાની વિરુદ્ધમાં જ જાહેરમાં ક્યારે પણ વિરોધ નોંધાવ્યો નથી, આવી સ્થિતિમાં રાકેશ ટિકૈત અને શંકરસિંહ વાઘેલાનો પ્રયાસ છે કે, તેઓ કૃષિ કાયદા વિશેની માહિતી ખેડૂતોને આપે અને તે તમામ લોકોને આંદોલનમાં જોડવા માટે અપીલ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, યુનાઇટેડ કિસાન મોરચાના યુદ્ધવીરસિંહ દ્વારા અમદાવાદમાં પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. તે દરમિયાન પોલીસ દ્વારા તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. ત્યારે હવે એક બાબતો જોવી રહી કે, વિજય રૂપાણીની સરકાર દ્વારા રાકેશ ટિકૈત અને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના આયોજનને પરવાનગી આપવામાં આવે છે કે તે પહેલાં જ તેમની અટકાયત કરી લેવામાં આવે છે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.