ETV Bharat / city

કોરોના મહામારીને હેલ્થ ડિઝાસ્ટર જાહેર કરીને પીડિતોને સહાય આપવા મુખ્યપ્રધાનને પત્ર

author img

By

Published : May 10, 2021, 10:37 PM IST

કોરોના મહામારીને હેલ્થ ડિઝાસ્ટર જાહેર કરીને અસરગ્રસ્ત દર્દીઓ અને તેમના પરિવારને આર્થિક સહાય આપવા માટે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યપ્રધાનને પત્ર લખીને માગ કરી છે.

કોરોના મહામારીને હેલ્થ ડિઝાસ્ટર જાહેર કરીને પીડિતોને સહાય આપવા મુખ્યપ્રધાનને પત્ર
કોરોના મહામારીને હેલ્થ ડિઝાસ્ટર જાહેર કરીને પીડિતોને સહાય આપવા મુખ્યપ્રધાનને પત્ર

  • કોરોના મહામારીને હેલ્થ ડિઝાસ્ટર જાહેર કરવા લખ્યો પત્ર
  • વિરોધ પક્ષના નેતાએ 2 ડિઝાસ્ટર એક્ટને ટાંકીને કરી માગ
  • પીડિત પરિવારોને યોગ્ય સહાય આપવાની કરી માંગણી

અમદાવાદ: વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે. જેમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર એક્ટ-2003 અને ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 અંતર્ગત કોરોના મહામારીને હેલ્થ ડિઝાસ્ટર જાહેર કરીને મહામારીથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ અને તેમના પરિવારને આ બન્ને એક્ટ અંતર્ગત સહાય આપવાની માગ કરી છે.

કુદરતી આપત્તિઓ સમયે પ્રજાની વહારે આવવું સરકારની ફરજ

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા દોઢ વર્ષથી ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયાને સદીની સૌથી મોટી કોરોના મહામારીએ ભરડામાં લીધી છે. હાલમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન નવા સ્ટ્રેઈનની આક્રમકતા અને વ્યાપકતા સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘાતક પુરવાર થઈ રહેલી છે. ત્યારે આ પ્રકારની કુદરતી આપત્તિઓ સમયે પ્રજાની વહારે આવવું એ દરેક સરકારની ફરજ છે.

જો એક્ટ અંતર્ગત દંડ થકી કરોડો રૂપિયા ઉઘરાવી શકાય, તો સહાય કેમ ન ચૂકવાય ?

પત્રમાં પરેશ ધાનાણીએ પ્રશ્ન કર્યો હતો કે, કોરોના મહામારીની શરૂઆતથી જ સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર એક્ટ-2003 અને ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 અંતર્ગત મળેલા વિવિધ અધિકારોનો ઉપયોગ કરીને શિક્ષકો દ્વારા સ્મશાનોમાં અને પોલીસ દ્વારા લોકો પાસેથી કરોડોનો દંડ ઉઘરાવવાની ફરજ પાડવામાં આવતી હોય તો આ એક્ટમાં જ કરેલી સહાય લોકોને કેમ નથી આપવામાં આવતી?

સરકાર સમક્ષ સહાય ચૂકવવાની કોંગ્રેસની માગ

કુદરતી આપત્તિઓમાં ભોગ બનેલા લોકોને શાંત્વના, સારવાર અને આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવાની બાબત ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ થકી સરકાર પર લાદવામાં આવેલી સંવૈધાનિક ફરજ છે. આ એક્ટ અંતર્ગત અછત, પૂર, ભૂકંપ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓ સમયે કેશડોલ્સ, ઘરવખરી, મકાન, પશુપાલન અને ખેતી પાકોને થયેલ નુક્સાનીનું વળતર ચૂકવવામાં આવે છે, તેમજ અપંગતા અને મૃત્યુ અંગે સહાય ચૂકવવામાં આવે છે. તો કોરોના મહામારી પણ કુદરતી આપત્તિ જ છે, જેથી આ સમયે પણ અસરગ્રસ્તોને સહાય ચૂકવવી જોઈએ.

કોંગ્રેસ દ્વારા આ પ્રકારની સહાય આપવા કરાઈ રજૂઆત

કોરોના સંક્રમણના કારણે પ્રાથમિક સારવાર મેળવતા-મેળવેલા દર્દીઓને રૂપિયા 10,000

કોરોના સંક્રમણના કારણે કોવિડ કેર સેન્ટર-હોમ આઈસોલેશનમાં સારવાર લેતા દર્દીઓને રૂપિયા 25,000

કોરોના સંક્રણના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને રૂપિયા 1,00,000

કોરોના સંક્રમણથી શંકાસ્પદ મૃત્યુ પામેલના પરિવારજનોને રૂપિયા 2,00,000

કોરોના સંક્રમણની આડઅસરથી થયેલ મૃત્યુ પામનારના પરિવારજનોને રૂપિયા 3,00,000

કોરોના સંક્રમણથી થયેલ મૃત્યુ પામનારના પરિવારજનોને રૂપિયા 4,00,000

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.