ETV Bharat / city

જીગ્નેશ મેવાણીના કોંગ્રેસમાં જોડાવાથી ફાયદો કે નુકસાન?

author img

By

Published : Sep 28, 2021, 6:12 PM IST

Updated : Sep 28, 2021, 9:03 PM IST

જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસને કેટલો લાભ થશે
જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસને કેટલો લાભ થશે

ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે મંગળવારે નવી દિલ્હીમાં સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે સંકળાયા છે. જીગ્નેશ મેવાણી કોંગ્રેસ સાથે સંકળાયા પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસને કેટલો લાભ થશે, તે વિષય પર ETV Bharatનો વિશેષ અહેવાલ…

  • અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસ સાથે સંકળાયા
  • મેવાણીને પણ રાજકીય પક્ષની જરૂર હતી
  • કોંગ્રેસને યુવા ચહેરાની તલાશ હતી

અમદાવાદ- જીગ્નેશ મેવાણી 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બનાસકાંઠાના વડગામથી અપક્ષ તરીકે લડ્યા હતા અને તેઓ વિજેતા થયા હતા. આજે તેઓ કોંગ્રેસ સાથે સંકળાયા છે. જીગ્નેશ મેવાણી દલિત સમાજમાંથી આવે છે અને તેમની વિચારધારા કોંગ્રેસ સાથે મળતી આવે છે, જેના પરિણામે તેઓએ કોંગ્રેસ સાથે સંકળાવાનો નિર્ણય કર્યો છે.

26 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે

આમેય ગુજરાતમાં 1995થી કોંગ્રેસની સ્થિતિ કથળતી ગઈ છે અને ભાજપ વધુ મજબૂત થતું ગયું હતું. ગુજરાતમાં છેલ્લા 26 વર્ષથી ભાજપનું શાસન છે, તેમાં ચૂંટણી વખતે ભાજપને વધતી ઓછી બેઠકો આવી હશે, પણ ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી છે. કોંગ્રેસ છેલ્લા 26 વર્ષથી ભાજપનો ગઢ જીતવામાં કાચી પડી છે. કોંગ્રેસની આવી સ્થિતિ થવા પાછળ અનેક કારણો છે.

ભાજપના મૂળીયા ઊંડા ઉતરી ગયા છે

અગાઉ કોંગ્રેસના રાજમાં ભષ્ટ્રાચાર થયા, કોમી તોફાનો થયા, વિકાસના નામે શુન્ય, લીડરશીપનો અભાવ આવા અનેક કારણોસર ગુજરાતની પ્રજાએ કોંગ્રેસ તરફથી મ્હો ફેરવી લીધું હતું. તેની સામે ભાજપે વિકાસની રાજનીતિ કરી, તેની સાથે હિન્દુત્વનો મુદ્દો વધુ ગાજ્યો અને વિદેશી રોકાણ પણ જંગી પ્રમાણમાં આવ્યું. ગુજરાતમાં વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વીઝન આપ્યું, તેને પગલે ગુજરાતમાં ભાજપના મુળીયા ખૂબ ઊંડે સુધી ઉતરી ગયા છે. ભાજપના રાજમાં મોંઘવારીએ માઝા મુકી છે, પણ હિન્દુત્વવાદી વિચારસરણી અને વિકાસના કારણે પ્રજાની આવક વધી છે, જેથી પ્રજાએ મોંઘવારીને અવગણી છે. આમ ભાજપનો વિકલ્પ આજ સુધી મળી શક્યો નથી.

અપક્ષ તરીકે જીગ્નેશ મેવાણીનો પનો ટૂંકો પડતો હતો

હવે વાત કરીએ જીગ્નેશ મેવાણીની. જીગ્નેશ મેવાણી દલિત અને યુવા નેતા છે. તેઓએ દલિત સમાજ માટે ખૂબ કાર્યો કર્યા છે અને સરકાર સામે ર્નિભયપણે અવાજ ઉઠાવ્યો છે. તેઓ બોલ્ડ નેતા તરીકે ઉભરીને આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં પણ તેઓ અપક્ષ ધારાસભ્ય હતા, પણ તેમણે દલિત સમાજ માટે જોરથી રજૂઆત કરી છે. જીગ્નેશ મેવાણીને કોઈ એક પક્ષની જરૂર હતી, કે જે તેમને સપોર્ટ પુરો પાડી શકે અને સમાજને પ્લેટફોર્મ પણ આપી શકે. પાર્ટી વગર તેઓ કોઈપણ પ્રશ્નની રજૂઆત કરે તો તેનું વજન પણ ન પડે. જો તેઓ કોઈ પાર્ટીમાં હોય તો તેમણે ઉઠાવેલા પ્રશ્નનો પડઘો દિલ્હી સુધી પડી શકે છે. અપક્ષ તરીકે તેમનો પનો ટૂંકો પડતો હતો.

અત્યાર સુધી કોંગ્રેસે હાર બાદ ચિંતન જ કર્યું છે

જીગ્નેશ મેવાણીને પાર્ટીની જરૂર હતી, તેના કરતાં વિશેષ જરૂર કોંગ્રેસને છે. મેવાણીના સંકળાવાથી કોંગ્રેસ મજબૂત થશે. હાલ કોંગ્રેસમાં દિશા ચીંધનાર કોઈ યુવા નેતા નથી. ગુજરાત કોંગ્રેસમાં સિનિયર નેતાઓમાં ભારે મતભેદ ચાલી રહ્યા છે. કાર્યકરોમાં ભારોભાર અસંતોષ છે. કાર્યકરોના અસંતોષ દૂર કરવા માટે સિનિયર નેતાઓ વામણા પુરવાર થયા છે. પક્ષમાં શિસ્તતા જેવું કાંઈ નથી તેમજ કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતાની વરણી કરતી જ નથી. લોકસભા, રાજ્યસભા અને છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પછી પણ પ્રદેશ કોંગ્રેસમાં પરિવર્તન આવ્યું નથી. હાઈકમાન્ડ કોઈની વરણી નહી કરીને પ્રદેશમાં વધુ નુકસાન કરી રહી છે. કારમી હાર પછીના ચિંતન બાદ પણ તેઓ કોઈ નવા પગલા ભરીને કોઈ કોંગ્રેસને નવજીવન આપવા માટે કશુંય થયું નથી. આથી જ કેટલાય નેતાઓ અને કાર્યકરો નારાજ છે.

હાઈકમાન્ડને મેવાણી પર ઘણી આશા છે

જીગ્નેશ મેવાણી કોંગ્રેસ સાથે સંકળાયા છે, તેનાથી પક્ષમાં એક યુવા વિચારસરણી ધરાવતા નેતાની એન્ટ્રી થઈ છે. જેઓ દિલ્હી રવાના થયા તે પહેલા ગુજરાતના પ્રદેશ કાર્યાલય પર આવ્યા હતા અને હાલના પ્રમુખ અમિત ચાવડા સાથે ગુપ્ત બેઠક કરી હતી અને ગુજરાતમાં કોંગ્રેસની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યાર પછી તેઓ કોંગ્રેસ સાથે સંકળાયા છે. જીગ્નેશ મેવાણી દલિત સમાજને એક કરીને કોંગ્રેસ તરફ લાવશે, જો કે દલિત સમાજ કોંગ્રેસની વોટ બેંક છે, તેને ફરીથી સજીવન કરાશે. ટૂંકમાં પક્ષને મજબૂત કરવા માટે જીગ્નેશ મોવાણી જેવા યુવા ચહેરાની તાતી જરૂરિયાત છે અને કોંગ્રેસ હાઈકમાન્ડને મેવાણી પાસે ઘણી આશા છે.

આ પણ વાંચો- જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત સરકારના બજેટને શા માટે ગૌતમ અદાણી માટેનું બજેટ ગણાવ્યું!, જાણો...

આ પણ વાંચો- મહેસાણામાં જિજ્ઞેશ મેવાણી અને કનૈયાકુમાર પર આ મામલે દાખલ કરાઈ હતી ચાર્જશીટ

Last Updated :Sep 28, 2021, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.