ETV Bharat / bharat

દિવાળી 2021: આ 10 મીઠાઈઓના ભાવ સાંભળીને તમારી આંખો પહોળી થઈ જશે

author img

By

Published : Nov 3, 2021, 10:45 PM IST

તહેવારોની સીઝન (Festive Season)માં મીઠાઈની દુકાનો પર સૌથી વધુ ભીડ જોવા મળે છે. દરેક મીઠાઈની કિંમત અલગ-અલગ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સૌથી મોંઘી મીઠાઈ કેટલા રૂપિયામાં એક કિલો વેચાઈ રહી છે. આવો અમે તમને એ 10 મીઠાઈઓ (10 expensive sweets) વિશે જણાવીએ છીએ, જેના સ્વાદ માટે તમારે તમારો પગાર ખર્ચ કરવો પડી શકે છે.

આ 10 મીઠાઈઓના ભાવ સાંભળીને તમારી આંખો પહોળી થઈ જશે
આ 10 મીઠાઈઓના ભાવ સાંભળીને તમારી આંખો પહોળી થઈ જશે

  • આ મીઠાઈ ખરીદવામાં પગાર પણ ઓછો પડશે
  • રૂપિયા 9 હજારથી 18 લાખ સુધીની મીઠાઈઓ
  • દિવાળીમાં આ મીઠાઈઓએ બજારમાં આકર્ષણ ઊભું કર્યું

હૈદરાબાદ: દિવાળી (Diwali) આવી ગઈ છે અને મીઠાઈ (Sweets) વગર આ તહેવારનો ઉલ્લેખ અધૂરો છે. આ દિવસોમાં મીઠાઈની દુકાન પર શણગારેલી વિવિધ પ્રકારની રંગબેરંગી મીઠાઈઓ કોઈના પણ મોંમાં પાણી લાવી શકે છે. આ મીઠાઈઓની કિંમત (price of sweets) અલગ અલગ હોય છે. સરેરાશ, રૂપિયા 300થી 400 પ્રતિ કિલોથી શરૂ થતી મીઠાઈના ભાવ સામાન્ય રીતે રૂપિયા 1,000 અને રૂપિયા 2,000 પ્રતિ કિલો સુધી પહોંચે છે. કાજુ કતલી અથવા પિસ્તા, કેસર સહિત અન્ય મેવામાંથી બનતી મીઠાઈઓના ભાવ આ રેન્જ સુધી પહોંચે છે. પરંતુ આજે અમે તમને એવી મીઠાઈઓ વિશે જણાવીશું, જેનો સ્વાદ ચાખવા માટે ઘણા લોકોનો પગાર ઓછો પડી શકે છે.

છપ્પન ભોગની એક્ઝોટિકા - રૂ. 50,000/કિલો

1 કિલો એક્ઝોટિકા સ્વીટ માટે તમારે 50 હજાર રૂપિયા ખર્ચવા પડશે.
1 કિલો એક્ઝોટિકા સ્વીટ માટે તમારે 50 હજાર રૂપિયા ખર્ચવા પડશે.

લખનૌનો છપ્પન ભોગ માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. દેશની સૌથી મોંઘી મીઠાઈઓ અહીં મળે છે. આ સ્વીટને એક્ઝોટિકા કહેવામાં આવે છે. 1 કિલો એક્ઝોટિકા સ્વીટ માટે તમારે 50 હજાર રૂપિયા ખર્ચવા પડશે. આ મીઠાઈ બનાવવામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વિશ્વના વિવિધ દેશોમાંથી આયાત કરવામાં આવે છે. આ ડેઝર્ટ બનાવવા માટે અમેરિકામાંથી બ્લુબેરી, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાંથી મેકાડેમિયા નટ્સ અને યુરોપિયન દેશોમાંથી હેઝલનટ્સ આયાત કરવામાં આવે છે. આ સિવાય પાઈન નટ્સ, કેસર અને બદામનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

આગ્રાની 30,000 રૂપિયાની મીઠાઈ

આગ્રાના પેઠા વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ દિવાળી પર આગ્રાની એક દુકાનમાં 30,000 રૂપિયા પ્રતિ કિલોની મીઠાઈઓ વેચાઈ રહી છે. આ સ્વીટ ડ્રાય ફ્રુટ્સ અને ગોલ્ડ વરખથી તૈયાર કરવામાં આવે છે. મીઠાઈના દરેક ટુકડાને કળશ અને પેડાના રૂપમાં ઢાળવામાં આવે છે. મીઠાઈના એક ટુકડાની કિંમત 751 રૂપિયા છે જ્યારે એક કિલો મિઠાઈ માટે 30,000 રૂપિયા ચૂકવવા પડશે.

ગોલ્ડન પિસ્તા બોલ - નોજા પિસ્તા ડિલાઈટ - રૂ. 25,000/કિલો

આ મીઠાઈમાં ગોલ્ડન ફોઈલ અને 24 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે
આ મીઠાઈમાં ગોલ્ડન ફોઈલ અને 24 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે

ગુજરાતમાં ગોલ્ડન પિસ્તા બોલ અને ગોલ્ડન પિસ્તા ડિલાઈટ નામની મીઠાઈઓ રૂ. 25,000 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. અમદાવાદની મીઠાઈની દુકાનમાં વેચાતી આ મીઠાઈમાં ગોલ્ડન ફોઈલ અને 24 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડેઝર્ટમાં સૌથી મોંઘા ડ્રાય ફ્રૂટ, નેજા અને અન્ય પ્રકારના ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાનથી આવે છે. આ મીઠાઈઓનું પેકિંગ પણ શાનદાર છે. તેમના માટે ખાસ પ્રકારના જ્વેલરી બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ મીઠાઈ બનાવવા માટે તુર્કીના કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. આ મીઠાઈ લગભગ 2 મહિના સુધી બગડતી નથી. મોટા ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓમાં આ મીઠાઈઓની સારી માંગ છે. ધનતેરસ પહેલા જ 10 લાખની મીઠાઈઓનું વેચાણ થઈ ચૂક્યું છે.

ગોલ્ડ પ્લેટર - રૂ. 16,800/કિલો

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગોલ્ડ પ્લેટર નામની મીઠાઈ 4,200 રૂપિયા પ્રતિ પાવ એટલે કે 250 ગ્રામ પ્રમાણે વેચાઈ રહી છે. તે મુજબ તેની કિંમત 16,800 રૂપિયા પ્રતિ કિલો છે. મીઠાઈ વેચનારના જણાવ્યા અનુસાર, આ મીઠાઈ બનાવવા માટે પિશોરી પિસ્તાની સાથે કાજુ, બદામ અને કેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ ઉપર સોનાની વરખ ચડાવવામાં આવી છે. આ મીઠાઈનું પેકિંગ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. મીઠાઈને ચારે બાજુથી પિસ્તાથી શણગારવામાં આવે છે જ્યારે મીઠાઈની આસપાસ રોઝ ડ્રાય ફ્રૂટ્સના 20 લાડુ પણ મૂકવામાં આવે છે.

સ્વર્ણ મીઠાઈ - રૂ. 15,000/કિલો

સ્વર્ણ મીઠાઈઓ મહારાષ્ટ્રના થાણેમાં એક મીઠાઈની દુકાનમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ મીઠાઈની કિંમત 15 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. મીઠાઈનું પેકિંગ પણ ખાસ છે. એક બોક્સમાં મીઠાઈના માત્ર 6 નંગ છે, અડધા કિલોમાં 18 નંગ મળશે, જેના માટે 7,500 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે એક કિલોના 46 નંગ માટે 15 હજાર રૂપિયા ચૂકવવા પડશે. મીઠાઈ બદામ, પિસ્તાથી બનેલી છે અને તેમાં 24 કેરેટ સોનાના વરખનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સ્વર્ણ કળશ- રૂ. 11,000/કિલો

આ મીઠાઈ કાજુ, કેસર, પિસ્તા, બદામ જેવા ડ્રાય ફ્રૂટ્સમાંથી તૈયાર કરવામાં આવે છે
આ મીઠાઈ કાજુ, કેસર, પિસ્તા, બદામ જેવા ડ્રાય ફ્રૂટ્સમાંથી તૈયાર કરવામાં આવે છે

સ્વર્ણ કળશ નામની મીઠાઈની કિંમત અમરાવતી, મહારાષ્ટ્રમાં રૂ.11 હજાર પ્રતિ કિલો છે. આ મીઠાઈ કાજુ, કેસર, પિસ્તા, બદામ જેવા ડ્રાય ફ્રૂટ્સમાંથી તૈયાર કરવામાં આવે છે અને તેના પર 24 કેરેટ સોનાનું વરખ લગાવવામાં આવ્યું છે. મીઠાઈ વેચનારના જણાવ્યા અનુસાર, આ મીઠાઈ બનાવવા માટે રાજસ્થાનથી કારીગરો બોલાવવામાં આવ્યા હતા અને આ મીઠાઈની ખરીદી પર સર્ટિફિકેટ પણ આપવામાં આવી રહ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ મીઠાઈમાં શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગોલ્ડ ઘારી - રૂ. 9000/કિલો

માવા, ખાંડ, દેશી ઘી અને ડ્રાય ફ્રૂટ્સમાંથી બનેલી આ મીઠાઈ પર ચાંદીનું વરખ ચઢાવવામાં આવે છે
માવા, ખાંડ, દેશી ઘી અને ડ્રાય ફ્રૂટ્સમાંથી બનેલી આ મીઠાઈ પર ચાંદીનું વરખ ચઢાવવામાં આવે છે

મોંઘી મીઠાઈઓની યાદી સુરતની ખાસ મીઠાઈ સોનાની ઘારી વિના અધૂરી છે. ગુજરાતમાં શરદ પૂર્ણિમાના બીજા દિવસે ચાંદની પડવાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ઘારી મીઠાઈ ખાવાની પરંપરા છે. માવા, ખાંડ, દેશી ઘી અને ડ્રાય ફ્રૂટ્સમાંથી બનેલી આ મીઠાઈ પર ચાંદીનું વરખ ચઢાવવામાં આવે છે, પરંતુ સુરતની મીઠાઈની દુકાનમાં બનતી ગોલ્ડ ઘારી મીઠાઈની કિંમત 9,000 રૂપિયા પ્રતિ કિલો છે.

કોહિનૂર ગોલ્ડ હલવો - રૂ. 4,000/કિલો

ત્રીજ તહેવારો દરમિયાન ઘરે ખીર અને હલવો બનાવવો સામાન્ય વાત છે, પરંતુ લખનૌમાં રહેમત અલી સ્વીટ કોર્નર ખાતે પ્રખ્યાત કોહિનૂર ગોલ્ડ હલવો ચાખવા માટે તમારે તમારા ખિસ્સા પર નજર રાખવી પડશે. કારણ કે અહીં મળતી આ ખીર 4,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. તેને બનાવવા માટે ઘણા પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ અને દૂધનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી સોના અને ચાંદીનું વરખ ચઢાવવામાં છે.

સૌથી મોંઘા લાડુ

લગ્ન સમારંભ હોય કે કોઈપણ ત્રીજ તહેવાર, મોં મીઠુ કરવા માટે લાડુ પહેલી પસંદ હોય છે. લાડુ એક એવી મીઠાઈ છે કે તે ફક્ત સ્વાદમાં જ અદ્ભુત નથી હોતો, પરંતુ તેની કિંમત પણ અન્ય મીઠાઈઓ કરતા ઓછી છે, પરંતુ શું તમે જાણો છો કે સૌથી મોંઘા લાડુ કેટલા રૂપિયાનો છે? અત્યાર સુધીના સૌથી મોંઘા લાડુની કિંમત 18.90 લાખ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. અહીં બાલાપુરમાં દર વર્ષે ગણેશ લાડુની હરાજી થાય છે અને તેને ખરીદવા માટે બોલી લગાવવામાં આવે છે. આ વર્ષે 21 કિલો ગણેશ લાડુની 18.90 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશના MLC રમેશ યાદવ અને મૈરી શશાંક રેડ્ડીએ સાથે મળીને આ બોલી લગાવી હતી. આ પરંપરા 1980ના દાયકાથી ચાલતી આવી રહી છે, જ્યાં પહેલીવાર વર્ષ 1980માં આ લાડુની 450 રૂપિયાની બોલી લાગી હતી. આ ઉપરાંત આ વર્ષે હૈદરાબાદના ગચ્ચીબોવલી વિસ્તારમાં ગણેશ લાડુની 18.50 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારે ગણેશ પંડાલમાં મોટી ગણેશ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે મૂર્તિના હાથમાં એક મોટો લાડુ હોય છે, જેની પછી હરાજી કરવામાં આવે છે.

1200 રૂપિયાનો એક 'બાહુબલી ઘુઘરા'

લખનૌના છપ્પન ભોગમાં હોળી દરમિયાન 1200 રૂપિયાની કિંમતના બાહુબલી ઘુઘરા પણ ઉપલબ્ધ છે. આ એક ઘુઘરાનું વજન લગભગ દોઢ કિલોગ્રામ છે અને લંબાઈ લગભગ 14 ઈંચ છે. એક ઘુઘરાની કિંમત 1200 રૂપિયા છે. તેને બનાવવા માટે ખોવા, કેસર, બદામ, પિસ્તા અને ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે અને એક ઘુઘરાને તળવામાં લગભગ 20થી 30 મિનિટનો સમય લાગે છે.

વિશ્વની સૌથી મોંઘી મીઠાઈ

આ મીઠાઈની કિંમત 25 હજાર યુએસ ડોલર એટલે કે હાલમાં લગભગ 18.5 લાખ રૂપિયા હતી
આ મીઠાઈની કિંમત 25 હજાર યુએસ ડોલર એટલે કે હાલમાં લગભગ 18.5 લાખ રૂપિયા હતી

અમેરિકાના ન્યુયોર્ક શહેરની સૌથી મોંઘી રેસ્ટોરન્ટમાં એક અનોખી મીઠાઈ બનાવવામાં આવી હતી. આ મીઠાઈની કિંમત 25 હજાર યુએસ ડોલર એટલે કે હાલમાં લગભગ 18.5 લાખ રૂપિયા હતી. તે પણ માત્ર એક કપ, જી હા, તમે બરાબર વાંચ્યું. આ એક કપ મીઠાઈ એટલે કે મીઠાઈના કપની કિંમત 18.5 લાખ રૂપિયા હતી, જે એક સારી લક્ઝરી કારની કિંમત જેટલી છે.

28 પ્રકારની પ્રીમિયમ ચોકલેટ, 18 કેરેટનો હીરો

ઉલ્લેખનીય છે કે આ મીઠાઈને ક્રિસ્ટલના વાસણોમાં તૈયાર કરવામાં આવી હતી, જે કંપની આ ક્રિસ્ટલના વાસણો બનાવે છે તે ફક્ત શ્રીમંતોને જ સપ્લાય કરે છે. 28 પ્રકારની પ્રીમિયમ ચોકલેટના મિશ્રણમાંથી બનાવેલી આ સ્વીટ ડીશને ક્રિસ્ટના વાટકામાં રાખવામાં આવે છે, તે સોનાનો બનેલો હતો અને તેની નીચે હીરાનું બ્રેસલેટ લગાવવામાં આવ્યું હતું, જેમાં 18 કેરેટનો હીરો જડવામાં આવ્યો છે. તમે મીઠાઈ ખાધા પછી આ ક્રિસ્ટલ તમારી સાથે લઈ જઈ શકો છો. સૌથી મોંઘી મીઠાઈ હોવાને કારણે તેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી નૌશેરામાં જવાનો સાથે ઉજવશે દિવાળી: સૂત્રો

આ પણ વાંચો: Diwali 2021 : શુભ શુકનના સંકેતોને ઓળખો, સપના થશે સાકાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.