ETV Bharat / bharat

Year-ender 2023 : વર્ષ 2023 ની માનવતાને શર્મસાર કરતી ઘટના, ઉજ્જૈનમાં અર્ધ-નગ્ન હાલતમાં સગીર બાળકી મદદ માંગતી રહી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 10:32 AM IST

Year-ender 2023
Year-ender 2023

ઉજ્જૈનમાં એક બાળકી પર બળાત્કારના કિસ્સા બાદ દેશનો અંતરાત્મા હચમચી ગયો હતો. મધ્યપ્રદેશ પોલીસે આ અંગે આરોપી ઓટોચાલક સામે ગુનો નોંધ્યો હતો. મધ્યપ્રદેશની આ ચકચારી ઘટનાનો ભયાનક ઘટનાક્રમ સાથે ETV BHARAT ના ઇર્શાદ ખાનનો અહેવાલ...

હૈદરાબાદ : મધ્યપ્રદેશમાં મહિલા-મૈત્રીપૂર્ણ યોજનાઓ લાવી ભાજપ સરકાર સત્તા જાળવી રાખવામાં સફળ થઈ છે, પરંતુ વ્યંગાત્મક રીતે છેલ્લા એક વર્ષ દરમિયાન બાળકો સંબંધિત સૌથી વધુ ગુના નોંધાયા છે. બાળકો સામેની ક્રૂરતાના કેન્દ્રમાં આ વર્ષે 25 સપ્ટેમ્બરના રોજ બનેલી ભયાનક ઘટનાએ ભારતભરમાં ચકચાર મચાવી દીધી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં એક છોકરી શહેરની ગલીઓમાં લોહી વહેતી દશામાં અર્ધ-નગ્ન ચાલી રહી હતી.

માસૂમ બાળકી પર બળાત્કાર : ઘટના બાદ જાણવા મળ્યું હતું કે, સતના જિલ્લાની એક 12 વર્ષની દલિત છોકરી મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં એક આશ્રમની બહાર બેભાન હાલતમાં મળી આવી હતી. ઉજ્જૈન શહેરના મહાકાલ પોલીસ સ્ટેશનની હદ હેઠળના બદનગર રોડ પર કથિત રીતે બળાત્કાર બાદ બાળકી અર્ધ-નગ્ન હાલતમાં બેભાન મળી આવી હતી. તેના ઘામાંથી લોહી વહી રહ્યું હતું.

વિચલિત કરતા દ્રશ્યો : આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. તેમાં સાફ જોઈ શકાય છે કે, સ્થાનિકોની ઉદાસીનતા વચ્ચે અર્ધનગ્ન હાલતમાં પીડિતા રસ્તા પર ભટકી રહી છે. ભયાનક અને ઘાતકી દુષ્કર્મની ઘટનાને વધુ હૃદયદ્રાવક બનાવનારી બાબત એ હતી કે, છોકરી મદદની શોધમાં ઘરે-ઘરે ધક્કા ખાઈ રહી હતી, આખરે તે આશ્રમની બહાર બેભાન થઈ ગઈ હતી. પરંતુ તે પહેલાં જ તેને ત્યાંથી કાઢી મુકવામાં આવી હતી.

પોલીસ કાર્યવાહી : દાંડી આશ્રમના સંચાલક રાહુલ શર્મા નામના પૂજારીએ પીડિતાને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં મદદ કરી હતી. પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી. મધ્યપ્રદેશ પોલીસની વિશેષ તપાસ ટીમ દ્વારા અનુગામી તપાસમાં ભારતીય દંડ સંહિતાની (IPC) 376 અને POCSO એક્ટની સંબંધિત કલમ સહિત કાયદાની સંબંધિત કલમ હેઠળ મહાકાલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ માહિતી અહેવાલ (FIR) નોંધવામાં આવ્યો હતો.

શું હતી ઘટના ? ઉજ્જૈન પોલીસે બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદમાં તેને મહાકાલ મંદિર પાસે છોડી દેવા બદલ આરોપી ઓટોચાલકની ધરપકડ કરી હતી. પાછળથી એવું બહાર આવ્યું હતું કે તેના બળાત્કારની ઘટનાના એક દિવસ પહેલા છોકરીને સતનામાં તેના દાદા સાથે ઝઘડો થયો હતો. તે ટ્રેન મારફતે ઉજ્જૈન ભાગીને આવી ગઈ હતી. આરોપી ઓટો ડ્રાઈવર પીડિતાને ઉજ્જૈન રેલવે સ્ટેશનની બહાર મળ્યો અને તેને મદદ કરવાના બહાને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

શું માનવતા મરી પરવારી છે ? માસુમ બાળકી પર દુષ્કર્મ ઉપરાંત પીડિતાની સ્થિતિ પ્રત્યે ઉજ્જૈનના સ્થાનિકોની ઉદાસીનતા વધુ આઘાતજનક અને ભયાનક હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઉજ્જૈનના જુદા જુદા વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા સામે આવ્યું કે, પીડિતા ઘાયલ હાલતમાં મદદ માટે લગભગ આઠ કિમી પગપાળા ચાલી હતી, પરંતુ દરેક સ્થળે તેને હડધૂત કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં સાફ જોઈ શકાય છે કે, પીડિત બાળકી ક્યાંક પુરુષ અને બીજી જગ્યાએ એક મહિલાની મદદ માંગી રહી છે, પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. જો કે બંનેએ પોતાની સફાઈ આપતા કહ્યું હતું કે તેઓ છોકરીની ભાષા સમજી શક્યા નહીં.

જાતિ-આધારિત ભેદભાવ ? બાળકી પર થયેલા બળાત્કારના બનાવથી મધ્યપ્રદેશમાં જાતિ આધારિત ભેદભાવ પણ પ્રકાશમાં આવ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના (NCRB) તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે, રાજ્યમાં સૌથી વધુ કેસ બાળકો સામેના ગુનાના નોંધાયા છે. NCRB ના અહેવાલ મુજબ મધ્યપ્રદેશમાં 2022 માં બાળકો વિરુદ્ધ અપરાધના 20,415 જેટલા કેસ નોંધાયા હતા. વધુમાં મધ્યપ્રદેશમાં દલિત વિરુદ્ધના અપરાધ રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે.

રાજકીય અસરો : માસુમ બાળકી પર બળાત્કારના આઘાતજનક કિસ્સાના કારણે વિપક્ષ કોંગ્રેસે રાજ્ય અને કેન્દ્ર બંનેમાં શાસકપક્ષ ભાજપ પર આકરા પ્રહાર કરતા રાજકીય વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં પ્રવાસ કરી મહિલા આરક્ષણનું સપનું દેખાડી વાહવાહી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, વાસ્તવિકતા એ છે કે ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં 12 વર્ષીય સગીર સાથે નિર્દયતાની ખૂબ જ પીડાદાયક ઘટના પ્રકાશમાં આવી છે.

વિપક્ષનો વાર : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ ભયાનક અપરાધની નિંદા કરતા કહ્યું કે, આ ભારત માતાની આત્મા પર હુમલો છે. અહીં કોઈ ન્યાય નથી, કાયદો અને વ્યવસ્થા નથી અને કોઈ અધિકાર નથી, આજે આખો દેશ મધ્યપ્રદેશની દીકરીઓની હાલત જોઈને શર્મસાર છે. પરંતુ રાજ્યના મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાનને કોઈ શરમ નથી. તેઓએ ચૂંટણી ભાષણ, પોકળ વચન અને ખોટા નારા વચ્ચે ભારતની પુત્રીઓની ચીસોને દબાવી દીધી છે.

વ્યંગાત્મક પરિણામ : જોકે રાષ્ટ્રવ્યાપી ચર્ચા અને હોબાળાને બાદ કરતા ઉજ્જૈન બળાત્કાર કેસ 17 નવેમ્બરના રોજ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતની સંભાવનાઓને ખલેલ પહોંચાડવામાં નિષ્ફળ ગયો હતો. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણની 'મધ્યપ્રદેશ મુખ્યમંત્રી લાડલી બેહના' યોજનાના સહારે વ્યંગાત્મક રીતે સત્તાવિરોધી લહેરનો સામનો કરીને ભાજપે સત્તા જાળવી રાખી હતી. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 230 માંથી 163 બેઠક જીતીને જંગી બહુમતી નોંધાવી હતી. જ્યારે ઉજ્જૈન બળાત્કાર કેસમાં ભગવા પક્ષને ઘેરવાનો પ્રયાસ કરી રહેલ કોંગ્રેસ 66 બેઠક જીતીને બીજા સ્થાને રહી હતી.

  1. Chhattisgarh Unnatural Sex Case: પત્ની સાથે અન-નેચરલ સેક્સ બદલ બિઝનેસમેન પતિને જેલની સજા, દુર્ગ ફાસ્ટ ટ્રેક કોર્ટનો નિર્ણય
  2. Year Ender 2023 COP28: વાર્ષિક આબોહવાને લઈને આવનારા પરિણામોથી ભારત સંતુષ્ટ થશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.