ETV Bharat / bharat

લખીમપુર હિંસા પર સુપ્રીમ કોર્ટે યુપી સરકારની ઝાટકણી કાઢી, કહ્યું 2 FIR માં ફરક નથી પાડી રહી SIT

author img

By

Published : Nov 8, 2021, 3:17 PM IST

લખીમપુર હિંસા પર સુપ્રીમ કોર્ટે યુપી સરકારની ઝાટકણી કાઢી, કહ્યું 2 FIR માં ફરક નથી પાડી રહી SIT
લખીમપુર હિંસા પર સુપ્રીમ કોર્ટે યુપી સરકારની ઝાટકણી કાઢી, કહ્યું 2 FIR માં ફરક નથી પાડી રહી SIT

યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં ( Supreme Court ) નવો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. કોર્ટે આ અંગે યુપી પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે. SCએ કહ્યું કે, 'સ્ટેટસ રિપોર્ટમાં કંઈ નવું નથી. અમે જેની અપેક્ષા રાખતા હતા તે કંઈ નથી.

  • લખીમપુર ખેરી હિંસા કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ
  • સુપ્રીમ કોર્ટે બે FIR મામલે યુપી સરકારની ઝાટકણી કાઢી નાંખી
  • યુપી સરકારે નવા દાખલ કરેલા સ્ટેટસ રીપોર્ટ અંગે સુપ્રીમ કોર્ટ અસંતુષ્ટ

નવી દિલ્હી: લખીમપુર ખેરી હિંસા કેસમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દાખલ કરાયેલ સ્ટેટસ રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે રિપોર્ટમાં સાક્ષીઓની તપાસ સિવાય બીજું કંઈ કહેવામાં આવ્યું નથી. યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં નવો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. આ અંગે યુપી પોલીસ પર સવાલ ઉઠાવતાં SCએ કહ્યું કે, 'સ્ટેટસ રિપોર્ટમાં કંઈ નવું નથી. અમે જે અપેક્ષા રાખતા હતા તે કંઈ નથી.'' સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે તપાસની દેખરેખ માટે અન્ય હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરીશું.

સુપ્રીમમાં કડક ઉલટતપાસ થઇ

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) પૂછ્યું કે, 'ફક્ત આરોપી આશિષ મિશ્રાનો મોબાઈલ મળ્યો? બાકીના આરોપીઓના મોબાઈલનું શું થયું? 'ઉચ્ચ અદાલતે કહ્યું કે અમે 10 દિવસનો સમય આપ્યો છે, લેબ રિપોર્ટ પણ આવ્યો નથી. ત્યારે યુપી સરકાર વતી એડવોકેટ હરીશ સાલ્વેએ કહ્યું, અમે લેબનો સંપર્ક કરી રહ્યાં છીએ. CJI એ કહ્યું કે સેલ ટાવર દ્વારા તમે જાણી શકો છો કે વિસ્તારમાં કયા મોબાઈલ સક્રિય હતાં, શું અન્ય આરોપીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં ન હતાં? ન્યાયાધીશ સૂર્યકાન્તે કહ્યું, "અમને એ કહેતાં દુઃખ થાય છે કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે 2 FIR ને ઓવરલેપ કરીને કોઈ ચોક્કસ આરોપીને ફાયદો આપવામાં આવી રહ્યો છે." હરીશ સાલ્વેએ કહ્યું કે પ્રત્યક્ષદર્શીઓ સાક્ષી છે. આ આરોપીઓ ઘટના સ્થળે હતાં તેવા મજબૂત પુરાવા છે. સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ છે. અમે સાક્ષીઓને તેમના નિવેદનો નોંધવા માટે બોલાવ્યાં છે.

બે FIR મામલે CJI દ્વારા સુનાવણી

CJIએ કહ્યું કે તમારે તપાસ કરવી પડશે. જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું, 'હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે બે FIR છે. એક એફઆઈઆરમાં એકઠા થયેલા પુરાવાનો બીજી FIR માં ઉપયોગ કરવામાં આવશે. એક આરોપીને બચાવવા માટે બીજી FIRમાં એક રીતે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.' સીજેઆઈએ કહ્યું, બંને FIRની અલગ-અલગ તપાસ થવી જોઈએ. આ અંગે સાલ્વેએ કહ્યું કે અલગથી તપાસ કરવામાં આવી રહી છે. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે એક ખેડૂતોની હત્યાનો અને બીજો પત્રકારો અને રાજકીય કાર્યકરોની હત્યાનો મામલો છે, સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે જે મુખ્ય આરોપીની તરફેણમાં હોવાનું જણાય છે. હરીશ સાલ્વેએ કહ્યું કે જો કોઈ સામે આવીને કહે કે તેનું નિવેદન નોંધવામાં આવે તો અમારે તેમ કરવું પડશે.

અન્ય હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરીશું

આ સંદર્ભે જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું, 'એ અલગ વાત છે અને એ પણ અલગ વાત છે જ્યારે તમે કેટલાક લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરો છો અને પછી નિવેદન રેકોર્ડ કરો છો.' બંને FIRની અલગ-અલગ તપાસ થવી જોઈએ. અલગ-અલગ ચાર્જશીટ દાખલ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે તપાસની દેખરેખ માટે અન્ય હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરીશું. સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) યુપી સરકારને ખરીખરી સંભળાવતાં કહ્યું કે, 'અમને લાગે છે કે SIT બે FIR વચ્ચે અંતર જાળવવામાં અસમર્થ છે. ત્યાં કોઈ ઓવરલેપિંગ અથવા ઇન્ટરલિંકિંગ હોવું જોઈએ નહીં. અમે નથી ઈચ્છતા કે તમારું ન્યાયિક કમિશન ચાલુ રહે, વિશ્વાસ રાખી શકાય નહીં.

હાઈકોર્ટના નિવૃત્ત જજનું નામ સૂચવવા જણાવાયું

સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) કહ્યું, 'અમે કેસની તપાસમાં નિષ્પક્ષતા અને સ્વતંત્રતા ઇચ્છીએ છીએ, તેથી જ્યાં સુધી ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી અમે હાઇકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરવા માગીએ છીએ.' યુપી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે પત્રકાર રમણ કશ્યપને એક કાર દ્વારા કચડીને મારી નાખવામાં આવ્યો હતો. પહેલાં એવી મૂંઝવણ હતી કે શું તે આશિષ મિશ્રાની ટીમનો ભાગ હતો પરંતુ પાછળથી જાણવા મળ્યું કે તે ટોળાંનો ભાગ હતો અને કાર દ્વારા તેને કચડી નાખવામાં આવ્યો હતો. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે તેથી અમારે દેખરેખ રાખવાની જરૂર છે. હરીશ સાલ્વેએ કહ્યું, 'જે કંઈ થઈ રહ્યું છે તેમાં રાજકીય રંગ છે.' તેના પર CJIએ કહ્યું કે અમે રાજકીય રંગ ઉમેરવા માગતા નથી. નિવૃત્ત ન્યાયાધીશ તેની દેખરેખ કરવા દેવામાં આવે. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને હાઈકોર્ટના નિવૃત્ત જજનું નામ સૂચવવા પણ કહ્યું છે.

વધુ સુનાવણી શુક્રવારે

આ મામલો હવે શુક્રવારે સુનાવણી માટે આવશે. સીજેઆઈએ યુપી સરકારને પૂછ્યું કે મૃતક શ્યામસુંદરના મામલામાં તપાસમાં થયેલી બેદરકારી પર શું કહેશો? નોંધનીય છે કે શ્યામસુંદરની પત્નીના વકીલે આ મામલે સીબીઆઈ તપાસની માગ કરી છે. આ વિશે SCએ મૃતક શ્યામસુંદરની પત્નીના વકીલને કહ્યું કે કેસ સીબીઆઈને સોંપવો એ કોઈ ઉકેલ નથી.

આ પણ વાંચોઃ લખીમપુર હિંસા કેસમાં મુખ્ય આરોપી આશિષની જામીન પર હવે 15મી નવેમ્બરે સુનાવણી

આ પણ વાંચોઃ Lakhimpur Kheri: જાણો હિંસાની શરૂઆતથી લઈને અત્યાર સુધીનો ઘટનાક્રમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.