ETV Bharat / bharat

કોવિડ-19: આર્થિક અસમાનતાનો ઉકેલ લાવવાનો યોગ્ય સમય

author img

By

Published : Aug 3, 2020, 4:47 PM IST

કોવિડ -19 મહામારીનો અંત ન આવે ત્યાં સુધી સરકારે લોકો અને આજીવિકાઓ પર તેની અસર ઓછી કરવા માટે આ સમયે સરકારે આર્થિક અસમાનતા નામની વધુ એક મહામારી પર ધ્યાન આપવાનો પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

કોવિડ-19 : આર્થિક અસમાનતાનો ઉકેલ લાવવાનો યોગ્ય સમય
કોવિડ-19 : આર્થિક અસમાનતાનો ઉકેલ લાવવાનો યોગ્ય સમય

સમગ્ર વિશ્વ ઉપર કોરોના વાઇરસનો ભરડો ચાલુ છે. અત્યારે હાલત કેટલી કફોડી છે તે મહત્ત્વનું નથી, પરંતુ તેનો અંત ચોક્કસ આવશે તે નિશ્ચિત છે. અગાઉ કોલેરા, પ્લેગ, ઓરી, પોલિયો, એન્સેફેલાઈટિસ, શીતળા, સાર્સ અને ઈબોલા જેવી જીવલેણ બીમારીઓ પણ આવીને ગઈ. જોકે કોવિડ -19 મહામારીનો અંત ન આવે ત્યાં સુધી સરકારે લોકો અને આજીવિકાઓ પર તેની અસર ઓછી કરવા માટે થાક્યા વિના કાર્યરત રહેવું જોઈએ.

આ સમયે સરકારે આર્થિક અસમાનતા નામની વધુ એક મહામારી પર ધ્યાન આપવાનો પણ મહત્ત્વપૂર્ણ સમય છે, જે કેટલાયે સમયથી લોકોને સકંજામાં લઈ રહી છે.

કોવિડ-19ની માફક જ 1920માં સ્પેનિશ ફ્લુએ સમગ્ર વિશ્વને હચમચાવી મૂક્યું હતું. માનવી અને મહામારી વચ્ચેનો સંબંધ કંઈ નવોસવો નથી, પરંતુ સામાજિક અસમાનતા વસ્તીના અનેક વર્ગોને કનડે છે. 1880ના દાયકામાં કલ્યાણકારી રાજ્યની કલ્પના વિશ્વ સમક્ષ રજૂ કરાઈ હતી. બીજા વિશ્વ યુદ્ધને પગલે સર્જાયેલી સામાજિક આર્થિક અડચણોને કારણે કલ્યાણ રાજ્ય વધુ મજબૂત કરવાની જરૂર હતી. આઝાદીના 73 વર્ષ બાદ પણ આપણા દેશમાં આર્થિક અસમાનતા મોટા પાયે પ્રવર્તમાન છે. સરકારોએ કલ્યાણ રાજ્યનાં મુખ્ય સિદ્ધાંતો - રોજગારની સમાન તકો અને સંપત્તિની સમાન વહેંચણીને અવગણ્યાં.

ભારતમાં ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને રાજકીય ઈચ્છાના અભાવે સામાજિક કલ્યાણ યોજનાઓ નિષ્ફળ ગઈ. સરકારી યોજનાઓ જ્યારે લોકોને સ્વાસ્થ્ય સંબંધી, આર્થિક તેમજ સામાજિક સલામતિમાં ફાળો આપશે, ત્યારે જ ભારત પોતાનું કલ્યાણ રાજ્ય તરીકેનું ટૅગ વાજબી ઠરાવી શકશે. ફોર્બ્સની વાર્ષિત યાદી જોઈએ તો, વિશ્વના 2,095 અબજોપતિમાં 102 ભારતીયો છે. દેશની વસ્તીની સરખામણીએ આ સંખ્યા નાની લાગે, પરંતુ ઓક્સફેમ ઈન્ટરનેશનલનો અહેવાલ જણાવે છે કે ભારતમાં એક ટકા ધનિકો દેશની 73 ટકા સંપત્તિ ધરાવે છે. આર્થિક અસમાનતા વધતી હોવાથી ભારતમાં ગરીબો ભૂખમરા અને માંદગીથી પીડાય છે.

કમનસીબે, લોકોને રોટી રળતા શીખવવાને બદલે સરકારો ઉપરછલ્લી યોજનાઓ દ્વારા તેમને રોટી જ ધરી દે છે. અનેક કલ્યાણકારી યોજનાઓ દ્વારા મતદારોને પ્રભાવિત કરીને રાજકીય પક્ષો પોતાનો વિજય સુનિશ્ચિત કરી લે છે. એક પણ રાજકીય પક્ષને ચૂંટણી જીતવાને બદલે લોકોનાં કલ્યાણમાં રસ ન હોવાથી ગરીબો વધુ ગરીબ બની રહ્યા છે.

બ્રિટિશ શાસન પહેલાં ભારત સ્વ-નિર્ભર દેશ હતો. બ્રિટિશ શાસને આપણને સામાજિક અને આર્થિક રીતે પાંગળા બનાવી દીધા. સ્વતંત્રતા પછી, આપણા ટોચના નેતાઓએ દેશ ટકાવી રાખવા માટે કેટલીક નીતિઓ ઘડી. વસ્તી વિસ્ફોટને કારણે તે પછીની સરકારોએ 1965માં હરિયાળી ક્રાંતિ શરૂ કરી, જેના પગલે ખાદ્યાન્ન ઉત્પાદન વધ્યું. 1990ના દાયકામાં ભારતે મોટા પાયે આર્થિક સુધારા હાથ ધર્યા અને પોતાનાં દરવાજા વિશ્વનાં બજારો માટે મોકળા કર્યાં. છતાં, સ્વ-નિર્ભરતા દીવાસ્વપ્ન સમાન જ રહ્યું. વિશ્વ બેન્કના અહેવાલ મુજબ, ભારત જીડીપીના 23.64 ટકા આયાત કરે છે, જ્યારે નિકાસ 19.74 ટકા છે. દવાઓ, ઈલેક્ટ્રોનિક્સ, સંરક્ષણ સાધનો, ક્રૂડ તેલ અને સેમિકન્ડક્ટર્સ માટે હજુ આપણે બીજા દેશો ઉપર આધાર રાખવો પડે છે.

પ્રવર્તમાન મહામારી અને લાંબા ચાલેલા લોકડાઉન્સને કારણે અગાઉથી જ ડામાડોળ એવી આપણી સ્વાસ્થ્ય અને આર્થિક વ્યવસ્થાઓ છેવટે પડી ભાંગી છે. સ્થળાંતર કરનારા કામદારોની દુર્દશાએ આપણને વૈશ્વિક સ્તરે શરમજનક સ્થિતિમાં મૂકી દીધા છે. બ્રૂકિંગ્સના વાર્ષિક અહેવાલ મુજબ, 7.30 કરોડ ભારતીયો અત્યંત પામર દશામાં જીવી રહ્યા છે. મધ્યમ વર્ગની પણ દુર્દશા છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના અહેવાલ મુજબ વર્ષ 2019-20માં બેરોજગારીનો દર વધીને 6.3 ટકા થયો છે. હાલના સંજોગોમાં સંગઠિત અને બિનસંગઠિત ક્ષેત્રોને સમાન ફટકો લાગ્યો છે. લાખો લોકોએ રોજગાર અને આજીવિકા ગુમાવ્યા છે. આત્મ નિર્ભર ભારતથી કોઈ ફરક પડે છે કે કેમ તે જોવાનું રહેશે. રોજગાર, આવક અને ખરીદશક્તિને અલગ-અલગ માપદંડોએ ગણતરીમાં લેવાય ત્યાં સુધી સ્વ નિર્ભરતા સંભવ નથી. એટલે, સરકારે રોજગાર સર્જન અને સંપત્તિના પુનઃ વિતરણ માટે નીતિમાં ફેરફારો કરવા આવશ્યક છે. કોવિડ-19 મહામારી, એ સરકાર માટે સંકટોને પ્રતિબિંબિત કરવાનો તેમજ આર્થિક અસમાનતાના સ્તરને ઘટાડવાનો રસ્તો શોધવાનો યોગ્ય સમય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.