ETV Bharat / state

અમદાવાદઃ કોન્ટ્રાક્ટમાં ક્લાર્કની નોકરી કરી, પછી બન્યો બોગસ અધિકારી, પોલીસ તપાસમાં ખૂલ્યા રાઝ

ક્યારેય ક્લાર્ક હતો અને હવે બોગસ ‘ડેપ્યુટી મામલતદાર’ બની ફરતો હતો. મણિનગરમાં બોગસ આઈકાર્ડ સાથે ઝડપાયો શખ્સ

નાયબ મામલતદારના નકલી આઈકાર્ડ સાથે એક શખ્સની ધરપકડ
નાયબ મામલતદારના નકલી આઈકાર્ડ સાથે એક શખ્સની ધરપકડ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 21, 2026 at 9:34 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચની ટીમે મણિનગર રેલવે ક્રોસિંગ પાસેથી કિરીટકુમાર ઉર્ફે બી.સી. અમીનની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ગુજરાત સરકારના રેવન્યૂ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે દર્શાવતું બનાવટી ઓળખકાર્ડ મળી આવ્યું છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 204 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આરોપી પાસેથી મળેલા બનાવટી આઈકાર્ડમાં કિરીટકુમાર અમીનનું નામ, ડેઝિગ્નેશન, જન્મ તારીખ અને બ્લડ ગ્રુપ સહિતની વિગતો દર્શાવવામાં આવી હતી. આ ઓળખકાર્ડમાં તેને ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે દર્શાવવામાં આવ્યો હતો.

નાયબ મામલતદારના નકલી આઈકાર્ડ સાથે એક શખ્સની ધરપકડ (Etv Bharat Gujarat)

કોન્ટ્રાક્ટ પર ક્લાર્કની નોકરી કરીને જાણી સરકારી કામગીરી

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ અગાઉ મોડાસાની મામલતદાર કચેરીમાં વર્ષ 2014થી 2019 દરમિયાન કોન્ટ્રાક્ટ પર ક્લાર્ક તરીકે નોકરી કરી હતી. સરકારી કચેરીમાં કામ કરતી વખતે મળેલી કામગીરી અને પ્રક્રિયાની જાણકારીનો ઉપયોગ કરીને તેણે બનાવટી સરકારી ઓળખ ઊભી કરી હોવાનો પોલીસનો આરોપ છે.

અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે નકલી અધિકારી

આ અંગે ACP એન.કે. વ્યાસે ETV ભારત સાથે વાતચીતમાં જણાવ્યું કે, આરોપી અગાઉ પણ પોલીસ અધિકારી અથવા સરકારી અધિકારી તરીકેની બનાવટી ઓળખ ધારણ કરીને લોકોને પ્રભાવિત કરવાના કિસ્સામાં ઝડપાઈ ચૂક્યો છે. વર્ષ 2001થી 2025 દરમિયાન ઠાસરા, હિંમતનગર, વડોદરા DCB, મણિનગર, ધરમપુર-વલસાડ, બાવળા અને રામોલ સહિતના વિવિધ સ્થળોએ તેની સામે કાર્યવાહી થઈ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. પોલીસ હવે આ બનાવટી ઓળખનો ઉપયોગ કરીને આરોપીએ અગાઉ ક્યાં-ક્યાં લોકોને સંપર્ક કર્યા હતા અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કર્યો હતો તેની તપાસ કરી રહી છે.

પોલીસની શંકા છે કે બનાવટી સરકારી ઓળખનો ઉપયોગ કરીને આરોપી લોકોને પ્રભાવિત કરતો હતો અને સરકારી કામ કરાવી આપવાની બાંહેધરી અથવા અધિકારી તરીકેની ઓળખનો લાભ લઈને પોતાનો બદઈરાદો પાર પાડતો હતો. જોકે, આ રીતે તેણે ચોક્કસ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અથવા ગેરકાયદેસર લાભ મેળવ્યો છે તે અંગેની તપાસ હાલ ચાલુ છે.

હાલમાં મણિનગર પોલીસ ઈન્સ્પેક્ટર જાડેજા સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યા છે. તપાસ દરમિયાન આરોપીના અગાઉના ગુનાઓ, તેના સંપર્કો અને સંભવિત સાગરીતો અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે, આરોપીએ બનાવટી ડેપ્યુટી મામલતદારના આઈકાર્ડનો ઉપયોગ કરીને કોઈ સરકારી કચેરીમાં પ્રવેશ મેળવ્યો હતો કે નહીં, કોઈ સરકારી અધિકારી કે કર્મચારી સાથે સત્તાવાર રીતે સંપર્ક કર્યો હતો કે નહીં અને કોઈ વ્યક્તિને સરકારી કામ કરાવી આપવાના નામે નાણાકીય કે અન્ય લાભ મેળવ્યો હતો કે નહીં.

આ ઉપરાંત આરોપી સાથે સંકળાયેલા સંભવિત સાગરિતોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે. જરૂરિયાત મુજબ અન્ય વ્યક્તિઓને પૂછપરછ માટે બોલાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે પોલીસ માટે હવે મુખ્ય તપાસનો મુદ્દો એ છે કે, એક બનાવટી સરકારી ઓળખકાર્ડ પાછળ માત્ર એક વ્યક્તિનો ખેલ હતો કે તેની પાછળ વધુ લોકોનું નેટવર્ક પણ કાર્યરત હતું.

આ પણ વાંચોઃ

હિંમતનગર-ઇડર હાઈવે પર 5000 નંબરની સ્કોર્પિયોએ અંબાજી જતા પદયાત્રીઓને ફંગોળ્યા, લોકોએ કારને આગ ચાંપી

સુરત પોલીસ ઝારખંડમાં બની પોસ્ટમેન, 25 વર્ષ પહેલા હત્યા કરીને ભાગેલા આરોપીને ઘરમાંથી ઝડપી લીધો