ETV Bharat / state

સુરતમાં આસ્થાના નામે કલંક: યુવતીને પ્રસાદમાં નશો આપી દુષ્કર્મ આચરનાર ઢોંગી 'ભુવા'ની ધરપકડ

સુરતમાં ધાર્મિક આસ્થાની આડમાં અંધશ્રદ્ધા ફેલાવી યુવતીનું શારીરિક અને માનસિક શોષણ કરનાર ઢોંગી 'ભુવા'ની સિંગણપોર પોલીસે ધરપકડ કરી છે.

સુરતમાં આસ્થાના નામે કલંક
સુરતમાં આસ્થાના નામે કલંક (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 22, 2026 at 11:26 AM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: સુરતમાં ધાર્મિક આસ્થાની આડમાં અંધશ્રદ્ધા ફેલાવી યુવતીનું શારીરિક અને માનસિક શોષણ કરનાર ઢોંગી 'ભુવા'ની સિંગણપોર પોલીસે ધરપકડ કરી છે. માતાજીના આશીર્વાદ આપવાના બહાને યુવતીને હોટલમાં બોલાવી, પ્રસાદમાં નશીલો પદાર્થ ખવડાવી બેભાન કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ વાંધાજનક ફોટા પાડી બ્લેકમેલ કરનાર ભુવા સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતમાં ધાર્મિક આસ્થાના નામે કલંક

બનાવની વિગત જોઇએ તો, નવેમ્બર 2024માં પીડિતાના ઘરે ધાર્મિક વિધિ દરમિયાન આરોપી નરેશ ચૌહાણ (ઉર્ફ નરેશ ભુવો) સંપર્કમાં આવ્યો હતો. વિધિ દરમિયાન જ આરોપીની નજર પીડિતા પર બગડી હતી. બાદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીનો નંબર મેળવી, વિશ્વાસ કેળવીને આરોપીએ તેને માતાજીના આશીર્વાદ લેવા માટે સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી 'યોગ હોટલ' પર બોલાવી હતી.

સુરતમાં આસ્થાના નામે કલંક (ETV Bharat Gujarat)

હોટલના રૂમમાં પહોંચેલી યુવતીને આરોપીએ પ્રસાદી આપી હતી. જોકે, આ પ્રસાદમાં નશીલી દવા ભેળવવામાં આવી હોવાથી યુવતી થોડી વારમાં જ બેભાન થઇ ગઇ હતી. આ અસહાય અવસ્થાનો લાભ ઉઠાવી આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પાછળથી ફસાવવા માટે વાંધાજનક ફોટા પણ પાડી લીધા હતા. તે બાદ આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપી ભુવો યુવતીને વારંવાર હોટલમાં બોલાવી શારીરિક શોષણ કરતો હતો. અંતે સતત માનસિક અને શારીરિક શોષણથી કંટાળેલી પીડિતાએ હિંમત કરી પરિવારને આ અંગે જાણ કરી હતી અને ત્યારબાદ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કતારગામ પોલીસ સ્ટેશનના PI એલ.આર.ગોહિલે જણાવ્યું હતું કે, "પીડિતાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 (3), 123 અને 64 (2) હેઠળ ગુનો નોંધી આરોપી નરેશ ચૌહાણને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો છે."

પકડાયેલો આરોપી નરેશ ભુવો સોશિયલ મીડિયા પર સક્રિય હતો અને તેની ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં તે ધાર્મિક કાર્યક્રમોમાં પૈસાનો વરસાદ કરાવતો અને ક્યારેક સ્મોકિંગ કરતો પણ જોવા મળે છે. પોતાની આ છબીનો ઉપયોગ કરી તે લોકોને આકર્ષતો અને છેતરપિંડી આચરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ધાર્મિક આસ્થાના નામે ચમત્કારોનો દાવો કરતા આવા તત્ત્વોથી સાવધ રહેવું અને કોઇપણ અંધશ્રદ્ધામાં આવીને પોતાના પરિવારની સુરક્ષા જોખમમાં ન મુકવી.

આ પણ વાંચો: