પાકિસ્તાનમાં PTIના વિરોધ સરઘસ પહેલા ઈમરાન ખાનની વધુ બે બહેનોની ધરપકડ
પૂર્વ પીએમની વધુ બે બહેનોની ધરપકડ કરવામાં આવી છે

By PTI
Published : September 22, 2026 at 7:22 AM IST
ઇસ્લામાબાદ: ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિની માંગ સાથે તેમની પાર્ટી 'પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ' (PTI) દ્વારા યોજાનારી વિરોધ રેલી પહેલાં, પાકિસ્તાની પોલીસે સોમવારે 'મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર' (MPO) વટહુકમ હેઠળ તેમની વધુ બે બહેનોની ૩૦ દિવસ માટે ધરપકડ કરી હતી.
આના એક દિવસ પહેલા, પોલીસે ઈમરાન ખાનની અન્ય એક બહેન, અલીમા ખાનની પણ એ જ કાયદા હેઠળ અટકાયત કરી હતી અને તેમને કોટ લખપત જેલમાં મોકલી દીધા હતા.
એક અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે પોલીસે ખાનની બહેનો - ડૉ. ઉઝમા ખાન અને નોરીન નિયાઝી - તેમજ તેમના ભત્રીજાઓની MPO વટહુકમ હેઠળ ૩૦ દિવસ માટે અટકાયત કરી હતી.
અધિકારીએ ઉમેર્યું હતું કે તેમને પણ કોટ લખપત જેલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં અલીમાને તેમની અટકાયત બાદ મોકલવામાં આવ્યા હતા. આ ધરપકડો દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો પહેલાં કરવામાં આવી છે, જેમાં ઈમરાન ખાનની મુક્તિની માંગ માટે ૨૭ સપ્ટેમ્બરે ઈસ્લામાબાદમાં PTI દ્વારા પ્રસ્તાવિત રેલીનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ સોમવારે ઈમરાનની પાર્ટીને રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શનો ન કરવાની ચેતવણી આપી હતી.
નકવીએ કહ્યું, "અમે તેમને (PTI) સ્પષ્ટપણે જણાવી દીધું છે કે આવી હરકતો દ્વારા તેઓ ક્યારેય કંઈ હાંસલ કરી શકશે નહીં. હું ફરીથી કહું છું કે હજુ પણ સમય છે; તેમણે આવી સ્થિતિમાં ન પડવું જોઈએ." પક્ષને સલાહ આપતા તેમણે ઉમેર્યું, "તેમણે એવા રસ્તે ન જવું જોઈએ જે કોઈ પરિણામ તરફ દોરી જતો નથી."
ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે PTIને "ઇસ્લામાબાદ આવીને દસ દિવસ સુધી શહેર બંધ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આવું થવાની કોઈ શક્યતા નથી."
દરમિયાન, સોમવારે સવારે 'X' પરની એક પોસ્ટમાં, PTIના કેન્દ્રીય માહિતી સચિવ શેખ વકાસ અકરમે પંજાબ પોલીસ પર આરોપ મૂક્યો કે તેમણે "ઇમરાનની બંને બહેનોની તેમના બાળકો અને અલીમા ખાનના પુત્રો સાથે ધરપકડ કરી છે." તેમણે દાવો કર્યો કે તેમને "એક બખ્તરબંધ વાહનમાં બેસાડવામાં આવ્યા હતા અને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી રહ્યા હતા."
ઉલ્લેખનીય છે કે આ અગાઉ રવિવારે, જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન અલીમા ખાનની અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો:

