ETV Bharat / state

અહીં યોજાય છે દેવી-દેવતાના લગ્ન, વર્ષોથી ચાલી આવતી આદિવાસી સમાજની અનોખી પરંપરા - Tribal tradition

author img

By ETV Bharat Gujarati Team

Published : May 18, 2024, 2:40 PM IST

Updated : May 19, 2024, 6:56 AM IST

છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારમાં વસતા આદિવાસી સમાજના લોકો આજે પણ પોતાની પરંપરા અને વારસાને જાળવી રહ્યા છે. આવી જ એક અનોખી પરંપરા કવાંટ તાલુકાની છે. અહીં અંબુડી અને અંબુડીયાના પ્રતિકાત્મક લગ્ન યોજવામાં આવે છે. આ લગ્ન પરંપરા આટલી ખાસ શા માટે છે, જુઓ આ અહેવાલ... marriage of goddesses

અહીં યોજાય છે દેવી-દેવતાના લગ્ન
અહીં યોજાય છે દેવી-દેવતાના લગ્ન (ETV Bharat Desk)

દેવી-દેવતાના લગ્નની અનોખી પરંપરા (Etv Bharat Gujarat)

છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર વિસ્તારમાં લગ્નની સીઝન પૂર્ણતાના આરે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાનું એક એવું ગામ કે, જ્યારે અન્ય ગામના લોકો ખેતી કામમાં જોતરાય છે, ત્યારે આ ગામના લોકો લગ્ન પ્રસંગ ઉજવવાની શરૂઆત કરે છે. કવાંટ તાલુકાના સમલવાંટ ગામમાં સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ અખાત્રીજના દિવસે ગામની નદી વચ્ચે મહુડાના પાનમાંથી અંબુડી અને અંબુડીયાના વાજતે ગાજતે પ્રતિકાત્મક લગ્ન યોજવામાં આવે છે.

અંબુડી-અંબુડીયાના લગ્ન : અખાત્રીજના તહેવારની રાત્રે સમલવાંટ ગામની નદીના એક કિનારે ડામરીયા કુળ ગોત્રના લોકો એકઠા થાય છે, આ વર પક્ષ તરફથી એક ચોક્કસ મહુડાના પાન અને એક ચોક્કસ બોરના કાંટા વડે અંબુડીયા દેવની આકૃતિ બનાવવામાં આવે છે. બીજી તરફ એ જ રીતે નદીના બીજા કિનારે કનાસિયા કુળ ગોત્રના લોકો એકઠા થઈને કન્યા પક્ષ બનીને અંબુડી દેવીની આકૃતિ બનાવે છે.

આદીવાસી સમાજની અનોખી પરંપરા : વર પક્ષ તરફથી ગામ લોકો આવી કન્યા પક્ષ તરફ લગ્નની વાત મૂકે છે, બાદમાં લગ્નની વાત પાક્કી થાય છે. થોડી વારમાં ગોળ-ધાણા થાય છે અને લગ્નની તારીખ નક્કી કરવામાં આવે છે. ડામરીયા ગોત્રના લોકો જાન લઈને નદીની વચ્ચે આવે છે, જ્યાં મહુડાના પાનમાંથી બનાવેલા અંબુડીયા અને અંબુડીના લગ્ન યોજાય છે. આ તકે વર અને કન્યા પક્ષ તરફથી લગ્ન ગીતો ગવાય છે. અંતે જાન વળાવ્યા બાદ ચાંદલા વિધિ યોજવામાં આવે છે. જેમાં મહેમાનો પથ્થરના પૈસા ચંદલારમાં આપી મહુડાના પાનમાં લખવાની ઔપચારિકતા કરે છે. બાદમાં અંબુડીયા અને અંબુડીને એક પાણીના ધરાની પથ્થરની ગુફામાં મૂકીને દેવી-દેવતાના લગ્ન સંપન્ન કરવામાં આવે છે. બાદમાં ભોજન સમારોહ યોજાય છે.

પરંપરા સાથે જોડાયેલ માન્યતા : સમલવાંટ ગામ લોકોની સદીઓથી માન્યતા રહી છે કે, અખાત્રીજના દિવસે દેવી-દેવતાના પ્રતિકાત્મક લગ્ન યોજાય, ત્યારબાદ જ ગામમાં લગ્ન પ્રસંગ શરુ થાય છે. ગામ લોકોનું માનવું છે કે, દેવી-દેવતાના લગ્ન યોજાય એ પહેલાં કોઈ લગ્ન લેવાય તો લગ્ન ટકતા નથી. આ સદીઓ જૂની પરંપરા આજે પણ આ ગામના લોકો નિભાવી રહ્યા છે અને રિવાજ, કલા અને સંસ્કૃતિનું સંરક્ષણ-સંવર્ધન કરી રહ્યાં છે.

વરસતા વરસાદ વચ્ચે લગ્ન : આ અંગે ગામના આગેવાને જણાવ્યું કે, અમારા બાપ દાદાની વખતથી ગામમાં અખાત્રીજના તહેવારની રાત્રે નદીની વચ્ચે દેવોના લગ્ન લેવાનો રિવાજ છે. આ રિવાજ મુજબ દેવી-દેવતાના લગ્ન થયા બાદ જ ગામમાં લગ્ન પ્રસંગ ઉજવવાની શરૂઆત થાય છે. જો કોઈ આ પરંપરાનું ઉલ્લંઘન કરીને લગ્ન કરે તો એનું લગ્ન જીવન ટકતું નથી. જેથી જિલ્લાના બધા ગામોમાં લગ્ન પૂરા થઈ જાય ત્યારે અમારા ગામમાં લગ્ન શરૂ થાય છે. ક્યારેક તો વરસતા વરસાદમાં પણ અમારે લગ્ન પ્રસંગ ઉજવવા પડે છે. વરસાદ આવી જાય તો લગ્ન પ્રસંગ ઉજવવાની તકલીફ પણ પડતી હોય છે, છતાં અમારે આ પરંપરા નિભાવવી પડે છે.

  1. છોટાઉદેપુરના રૂમડિયા ગામે જીવ સટોસટના ખેલ સમાન ગોળ ફેરિયાનો મેળો, દ્રશ્યો જોઈને જીવ અદ્ધર થઈ જશે
  2. છોટાઉદેપુરમાં ભરાતા ભંગોરિયા હાટમાં ઉમટ્યાં હજારો આદિવાસીઓ, એકસરખા પહેરવેશ સાથે નાચગાન હોળીની ઉજવણી કરી
Last Updated : May 19, 2024, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.