તાપીમાં હજીરા-ધુલિયા વચ્ચેના નેશનલ હાઈવે પર ઠેર-ઠેર ગાબડા, વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
તાપી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 53 પર હાલ મોટા મોટા ખાડા પડી જવાને લઈને વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Published : August 26, 2025 at 3:34 PM IST
તાપી: તાપી જિલ્લામાંથી પસાર થતાં બે નેશનલ હાઈવે ચોમાસા ઋતુમાં બિસ્માર બની જવા પામ્યા છે. ખાડામાં રોડ છે કે રોડ પર ખાડા છે તે કહેવું પણ મુશ્કેલ છે. વાપીથી શામળાજીને જોડતો નેશનલ હાઈવે નંબર 56 અને હજીરાથી ધુલિયાને જોડતો નેશનલ હાઇવે નંબર 53 બંને હાઇવે પર મસ મોટા ખાડા પડી જવાને કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
હાઈવે પર મસ મોટા ખાડા
ચોમાસાની ઋતુમાં નેશનલ હાઇવે પર મસ મોટા ખાડા પડી જાય છે. જેને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠે છે. તાપી જિલ્લામાંથી પસાર થતાં અને ગુજરાત મહારાષ્ટ્રને જોડતા નેશનલ હાઇવે નંબર 53 પર હાલ મોટા મોટા ખાડા પડી જવાને લઈને વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ હાઇવે જિલ્લાના સોનગઢ પાસેથી પસાર થાય છે. સોનગઢ ગામ પાસે આ હાઇવે સાવ બિસ્માર બની ગયો છે અને આ હાઇવે પર રોજના હજારો વાહનો પસાર થાય છે અને નેશનલ હાઇવે ઓથોરિટી કોઈ મોટા ગંભીર અકસ્માતની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ હાઇવે પર મસ્ત મોટા ખાડા પડી જવાને પગલે વાહન ચાલકો હાલ જીવના જોખમે હાઇવે પરથી પસાર થઈ રહ્યા છે.

તાપીમાંથી પસાર થતા બંને હાઈવે બિસ્માર
જિલ્લામાંથી બે નેશનલ હાઇવે પસાર થાય છે. એક નેશનલ હાઇવે નંબર 56 જે વાપી શામળાજીને જોડે છે તો અન્ય એક નેશનલ હાઇવે નંબર 53 આ હાઇવે સુરતના હજીરાથી મહારાષ્ટ્રના ધુલિયાને જોડતો મુખ્ય નેશનલ હાઇવે છે. આ હાઇવે પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સૌથી વધુ ટોલ પણ વસૂલવામાં આવે છે. પરંતુ વાહનચાલકો ટોલ તો ચૂકવે છે પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી.

હાઈવે ફરીથી નવો બનાવવાની માંગ
આ હાઇવે તાપી જિલ્લામાંથી પસાર થાય છે અને સોનગઢના માંડલ ગામ ખાતે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલનાકુ બનાવવામાં આવ્યું છે. અહીંથી હજારો વાહનો પસાર થાય છે. પરંતુ આ હાઇવે પર ઠેર ઠેર પડેલા મસ મોટા ખાડા કોઈ મોટા અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવું દેખાઈ રહ્યું છે. હાલ હાઇવે પર નેશનલ હાઈવે દ્વારા બે મહિના પહેલા જ નવું કાર્પેટ મારવામાં આવ્યું હતું. પરંતુ માત્ર બે મહિનામાં જ વરસાદમાં આ રોડ પર ભ્રષ્ટાચારના પોપડા દેખાવા માંડ્યા છે. હાલ તો હાઇવે ઓથોરિટી દ્વારા ખાડામાં બ્લોક લગાવીને કામ ચલાવ કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ લોકોની માંગણી છે કે આ હાઇવેને ફરી નવો બનવામાં આવે.

આ પણ વાંચો:

