ETV Bharat / state

Lok sabha Election 2024: શું વલસાડની બેઠકનું પરિણામ નક્કી કરશે 2024માં કોની બનશે સરકાર?

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 4, 2024, 7:00 AM IST

Updated : Mar 4, 2024, 10:23 AM IST

ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે આદિવાસી બહુમૂલક વસ્તી ધરાવતી વલસાડ બેઠક દેશમાં જાણીતી છે. એવી માન્યતા છે કે, જે પક્ષ વલસાડ જીતે છે એ પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે. અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત બેઠક 2024માં કેવા પરિણામ આપશે એની ઉપર સૌની નજર છે. કેમ વલસાડની બેઠક છે દેશના રાજકારણની પારાશીશી જાણીએ આ સ્પેશિયલ સ્ટોરીમાં ...

loksabha-election-2024-valsad-loksabha-seat-kc-patel-mp-of-valsad-valsad-bjp-congress-aap-jitu-chaudhary-inc
loksabha-election-2024-valsad-loksabha-seat-kc-patel-mp-of-valsad-valsad-bjp-congress-aap-jitu-chaudhary-inc

વલસાડ: વલસાડ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ ડૉ. કે.સી પટેલ બે ટર્મથી જીતતા આવે છે. વલસાડના ઘોડિયા પટેલ, ચૌધરી, ભીલ, કુનબી અને વારલી આદિવાસી સમૂહની મોટા પ્રમાણમાં વસ્તી છે. પણ સ્થાનિક રાજકારણમાં અને ચૂંટણીમાં ઘોડિયા પટેલ સમાજનો દબદબો રહ્યો છે.

બેઠકની વિશેષતા
બેઠકની વિશેષતા

વલસાડનો ગઢ જીતે, એની રચાય છે કેન્દ્રમાં સરકાર

રાજ્યના છેવાડે આવેલી વલસાડ લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ (ST) ઉમેદવાર માટે અનામત બેઠક છે. લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશની નજર વલસાડ લોકસભા બેઠક પર હોય છે. એવી માન્યતા રહી છે, વલસાડ બેઠક જે જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે. વલસાડ બેઠકના પરિણામ પર કેન્દ્રિય સરકાર રચાય છે એનો આધાર પણ છે. વર્ષ 2004 અને 2009ની લોકસભા ચૂંટણી કોંગ્રેસના કિશન પટેલે જીતી હતી અને કેન્દ્રમાં UPAની સરકાર બની હતી. તો 2014 અને 2019ની બંને લોકસભા ચૂંટણીમાં ભાજપના કે. સી. પટેલ વિજેતા બન્યા હતા અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વનાં NDAની સરકાર રચાઈ છે.

ઐતિહાસિક મહત્વ
ઐતિહાસિક મહત્વ

બેઠક અનુસૂચિત જનજાતિ સમાજના ઉમેદવારો માટે અનામત છે. કોંગ્રેસને પૂર્વ વિસ્તારના ડાંગ, વાંસદા અને કપરાડામાં વધુ મત મળે છે, તો ભાજપનું ઉમરગામ, પારડી અને વલસાડ શહેર પર પ્રભુત્વ રહ્યું છે. પહેલા ડાંગ-વલસાડ તરીકે ઓળખાતી વલસાડ બેઠક ગુજરાતના છેડે, મહારાષ્ટ્ર સરહદે આવેલી છે. પણ ગુજરાતના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ભાજપના ડૉ. કે.સી પટેલે 2014 અને 2019ની સતત બે ચૂંટણી સતત લડી વિજેતા બન્યા છે. 2024માં ભાજપ પોતાના ઉમેદવાર બદલશે તો કોંગ્રેસ જાણીતો આદિવાસી ચહેરો ઉતારીને 2024ની લોકસભા ચૂંટણીને રસાકસી સર્જી શકે છે.

Lok sabha Election 2024:
Lok sabha Election 2024:

આદિવાસી વિરુદ્ધ આદિવાસી ચૂંટણી જંગ કેવો રહે છે

ગુજરાતનો છેવાડો ગણાતા વલસાડ જિલ્લામાં આદિવાસી વસતિ મોટા પ્રમાણમાં છે. રાજ્યમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે જે ચાર બેઠકો અનામત છે એ પૈકીની વલસાડ બેઠક એક છે. વલસાડ પહેલાં ડાંગ-વલસાડ બેઠક તરીકે હતી. હાલ વલસાડ લોકસભા મતક્ષેત્રમાં જે સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, એ પૈકીની ડાંગ, વાંસદા, કપરાડા અને ઉમરગાવ એ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત છે. વલસાડ બેઠકમાં ડાંગ અને વલસાડ જિલ્લાની વિધાનસભા બેઠક સાથે નવસારી જિલ્લાની વાંસદા બેઠકનો સમાવેશ થાય છે.

Lok sabha Election 2024:
Lok sabha Election 2024:

2022ની વિધાનસભા ચૂંટણીમાં વલસાડ લોકસભા મતક્ષેત્રની સાત પૈકી છ બેઠકો પર ભાજપે વિજય હાંસલ કર્યો છે, જ્યારે વાંસદા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના આદિવાસી આગેવાન અનંત પટેલ વિજયી બન્યા હતા. રાજ્યના સૌથી પછાત તાલુકામાં આ વિસ્તારના કપરાડાનો સમાવેશ થાય છે. કુદરતી સંસાધનોથી સંપન્ન વલસાડ જિલ્લો તેની વલસાડી હાફૂસ અને ચીકુ, તિથલ દરિયા કિનારો, ડાંગની ઓર્ગેનિક ખેતી, સહકારી મંડળીઓ અને ઉમરગામના ફિલ્મી સ્ટુડિયોથી જાણીતો વિસ્તાર છે. વલસાડના ઘોડિયા પટેલ, ચૌધરી, ભીલ, કુનબી અને વારલી આદિવાસી સમૂહની મોટા પ્રમાણમાં વસ્તી છે. પણ સ્થાનિક રાજકારણમાં અને ચૂંટણીમાં ઘોડિયા પટેલ સમાજનો દબદબો રહ્યો છે. આદિવાસી અનામત બેઠક પર વિકાસના મુદ્દા કરતાં પક્ષની વિચારસરણી વચ્ચેનો ચૂંટણી જંગ ખેલાય છે, જેના કારણે સ્થાનિક મુદ્દાઓને વાચા મળતી નથી.

ચૂંટણી પરિણામો
ચૂંટણી પરિણામો

વલસાડનું લાલ ડુંગરી મેદાન કોંગ્રેસ માટે હંમેશાથી મહત્વનું રહ્યું છે

વલસાડ લોકસભા બેઠકનું કોંગ્રેસ માટે આગવું મહત્વ છે. વલસાડના ધરમપુર પાસેની લાલ ડુંગરી મેદાન રાજકીય રીતે મહત્વું રહ્યું છે. લાલ ડુંગરી મેદાનને કોંગ્રેસ નસીબવંતુ માને છે. વાત છે, 1980ની જ્યારે ઇન્દિરા ગાંધી 1975ની કટોકટી બાદ પુનઃ રાજકીય રીતે સશક્ત બનતા હતા. 1980ની વચગાળાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને પોતાને ફરીથી તાકાતવાર નેતા તરીકે પ્રસ્થાપિત થવા માટે યોગ્ય સ્થળની આવશ્યકતા હતી. આ સમયે કોગ્રેસે અને ઇન્દિરા ગાંધીએ 1980ની વચગાળાની ચૂંટણીના પ્રચાર અભિયાનનો આરંભ લાલ ડુંગરી મેદાનથી કર્યો હતો. ઇતિહાસ ગવાહ છે કે, 1980માં ઇન્દિરા ગાંધીએ વિજય પ્રાપ્ત કરી ફરીથી સત્તા હાંસલ કરીને વિપક્ષોને ખામોશ કર્યા હતા. ઇન્દિરા ગાંધીએ સત્તા મેળવ્યાના ચાર દાયકા બાદ 2019માં તેમના પૌત્ર રાહુલ ગાંધીએ 14, ફેબ્રુઆરી - 2019ના રોજ લાલ ડુંગરી મેદાનથી ચૂંટણી પ્રચારના પડઘમ પાડ્યા હતા. કમનસીબે 2019માં કોંગ્રેસે એ કરિશ્મો ન બતાવી શકી કે એ કેન્દ્રમાં સરકાર બનાવે કે વલસાડ બેઠક હાંસલ કરે. પણ એક વાત ચોક્કસ છે કે, વલસાડનું લાલ ડુંગરી મેદાન કોંગ્રેસ માટે હંમેશાથી મહત્વનું રહ્યું છે.

મહત્વના મુદ્દા
મહત્વના મુદ્દા

2024નો ચૂંટણી જંગ, નવા ચહેરા વચ્ચેનો રહેશે

2024ની લોકસભા ચૂંટણીમાં વલસાડ બેઠક પર ભાજપ - કોંગ્રેસ વચ્ચે રસાકસીનો માહોલ સર્જાશે. આપ પાર્ટી સાથેના ગઠબંધનના કારણે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ યોજાશે. લોકસભા મતક્ષેત્રના વિસ્તારમાં આવેલ ચાસમાવડા ડેમના નિર્માણ સામે આદિવાસી સમાજમાં ભારે વિરોધ હતો. 2024 લોકસભા ચૂંટણીમાં આદિવાસી વિકાસ, સ્થાનિક મુદ્દા અને મોદીની ગેરંટીના મુદ્દાઓ ચૂંટણીમાં ગાજશે. ભાજપના બે ટર્મના સાંસદ ડૉ. કે. સી. પટેલ અનેક વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. 2024માં ભાજપ ડૉ. કે. સી. પટેલની ટિકિટ કાપશે એવી ચર્ચા છે. ભાજપે પણ 2024માં નવો ચહેરો ઉતારવો પડશે, તો કોંગ્રેસે પણ નવો ચહેરો ઉતારશે એવી શક્યતા છે. જેના કારણે 2024ની વલસાડ બેઠક પરની ચૂંટણી નવા ચહેરા વચ્ચેનો ચૂંટણી જંગ બની રહેશે.

Last Updated : Mar 4, 2024, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.