ETV Bharat / state

સાયબર ફ્રોડનો નવો કિમીયો, વડોદરાના બિઝનેસમેન સાથે 94.75 લાખ રૂપિયાની ઠગાઈ - Vadodara cyber crime

author img

By ETV Bharat Gujarati Team

Published : May 25, 2024, 9:47 AM IST

ઓનલાઇન ટ્રેડિંગ કરવાના નામે ભેજાબાજોએ વડોદરાના બિઝનેસમેન સાથે 94.75 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. ઠગાઈનો ભોગ બનેલા બિઝનેસમેને આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.વડોદરા સાયબર ક્રાઇમે આ મામલે વધુ તપાસ શરૂ કરી દીધી છે, જાણો કેવી રીતે ભેજાબાજોએ બિઝનેસમેને ફસાવ્યા પોતાની જાળમાં... cyber crime in vadodara

વડોદરા સાયબર ક્રાઇમ
વડોદરા સાયબર ક્રાઇમ (Etv Bharat Gujarat)

વડોદરા: દિવસેને દિવસે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન ફ્રોડ કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આપ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અજાણી એડ પર ક્લિક કરતા પહેલાં સાવધાન થઈ જજો નહીંતર આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. જો સાવધાન નહીં રહ્યાં તો ક્યાંક આપની સાથે પણ આવું ફ્રોડ થઈ શકે છે.

વડોદરા શહેરના એક બિઝનેસમેને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું તેમણે ગત 19 ફેબ્રુઆરીના રોજ તેમના ઇન્સ્ટાગ્રામમાં આવેલી એક એડ દ્વારા સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ માટે ક્લિક કર્યું હતું. બાદમાં વ્હોટ્સએપ ગ્રૂપ ICICI સિક્યોરિટી 98 ખૂલ્યું હતું. આ ગ્રૂપમાં ઘણા મેમ્બર જોડાયેલા હતા. આ ગ્રૂપમાં 4 મોબાઇલ નંબર પરથી સ્ટોક માર્કેટ અંગે રોજ ટિપ્સ આપવામાં આવતી હતી. જે રોજે રોજ અલગ-અલગ ટ્રેડ માટે બાય અને સેલ વિષે માહિતી આપતા હતા. આ અરસામાં મને બીજા એક વ્હોટ્સએપ ગ્રૂપ ઇ(1) ટ્રેડ ટાઇટન્સમાં એડ કરવામાં આવ્યો હતો.

લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે: વ્હોટ્સએપ ગ્રૂપ ICICI સિક્યોરિટી 98માંથી એક મેસેજ આવ્યો હતો. જેમાં 50 ટકા નફો મેળવવાના ટ્રેડિંગ પ્લાન વિષે વાત કરવામાં આવી હતી. એક મોબાઇલ નંબર પર કોન્ટેક કરવા માટે તેમને જણાવવામાં આવ્યું હતું. જેથી તેમણે કોન્ટેક કર્યો હતો ત્યારબાદ બિઝનેસમેનને જણાવાયું હતું કે તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી PICICR એપ્લિકેશન ડાઉનલોડ કરો. જેથી તેમણે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને તેમાં યુઝર અને પાસવર્ડ ક્રિએટ કરીને રજિસ્ટ્રેશન કર્યું હતું. આ એપ્લિકેશન હાલ પ્લે સ્ટોરમાં નથી. તે એપ્લિકેશનમાં ટ્રેડિંગ એડવાઇસ, આઇપીઓ લિસ્ટિંગ ઇન્કમ સ્ટેટમમેન્ટ, પ્રોફિટ કોન્ટેસ્ટ પીઓ એપ્લિકેશન ફોર અલોટમેન્ટ જેવા ફીચર આપેલા હતા.

એપ્લિકેશનમાં જમા થયા રૂપિયા: આ એપ્લિકેશનમાં રિયલ ટાઇમ સ્ટોક માર્કેટનો ભાવ બતાવતા હતા. જેથી મને વિશ્વાસ આવ્યો હતો. જેથી તેણે મને જણાવ્યું હતું કે આ એપ્લિકેશનમાં પ્રોફિટ કોન્સેસ્ટમાં જઇને રોજ વોટિંગ આપવાનું છે. અને તમે રોજ વોટિંગ આપશો એટલે તમને એક અઠવાડિયામાં 5 હજાર રૂપિયા મળશે. ત્યારબાદ PICICR એપ્લિકેશનમાં આધાર નંબરથી KYC કરવા માટે જણાવ્યું હતું. જેથી મેં મારા આધાર કાર્ડથી KYC કર્યું હતું. ત્યારબાદ તેઓએ તે એપ્લિકેશનમાં એક અઠવાડિયા પછી 23 માર્ચના રોજ 5 હજાર રૂપિયા જમા કર્યાં હતા.

IPO ફર્સ્ટ ડે લિસ્ટિંગમાં 66 ટકા ગેઇન: એક નંબર પરથી મને મેસેજ આવ્યો હતો કે તમારે IPO લેવા માટે રૂપિયા જમા કરાવવા પડશે. અને એપમાં IPO ફર્સ્ટ ડે લિસ્ટિંગ 66 ટકા ગેઇન બતાવતા હતા. જેથી જે એકાઉન્ટમાંથી 5 હજાર રૂપિયા આવ્યા હતા તે જ બેંક એકાઉન્ટમાં ઓનલાઇન 1.20 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતા. મને ઓનલાઇન એપમાં 21,900 રૂપિયા ફાયદો બતાવતા હતા. જેથી હું વિશ્વાસમાં આવી ગયો હતો. અને મેં મારી પત્નીનું પણ PICICR એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને એ લોકોની સલાહ પ્રમાણે તેમના એકાઉન્ટરમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું હતું.

રૂપિયા વિથડ્રોલની રિક્વેસ્ટ રિજેક્ટ: 25 એપ્રિલના રોજ મને મળવાપાત્ર નફો 18 કરોડ રૂપિયા બતાવતા હતા, જેથી મેં PICICR એપ્લિકશનમાં આ રૂપિયા વિથડ્રોલ કરતા મારી રિક્વેસ્ટ રિજેક્ટ થઇ હતી. જેથી મેં કસ્ટમર કેરમાં તેનું કારણ પૂછ્યું હતું. જેથી જવાબમાં તેમને પૈસા ઉપાડવા માટે 15 ટકા ટેક્સ પેટે 2.36 કરોડ રૂપિયા જમાં કરાવવા કહ્યું હતું. જેથી મેં કહ્યું કે, મારી પાસે રૂપિયા નથી. પછી તેમણે રાજીવ અંબાણી સાથે વાતચીત કરતા મને કહ્યું કે તમારા પેટે 40 લાખ રૂપિયા રાજીવ અંબાણી આપશે અને બાકીના રુપિયા મને જમા કરાવવા કહ્યું હતું. અને મને નાણાં ભરવા માટે અલગ-અલગ બેંક એકાઉન્ટ નંબર આપ્યા હતા.

60 લાખ રૂપિયા જમા કરવાનું કહેતા થઈ શંકા: આ દરમિયાન ઇ(1) ટ્રેડ ટાઇટન્સ એન્ડ VIP 181 વ્હોટ્સએપ ગ્રૂપમાંથી મને જય સહાની નામના વ્હોટ્સએપ નંબર પરથી સ્ટોક માર્કેટની ટિપ્સ આપવામાં આવતી હતી. મેં તેમાં 44.25 લાખ રૂપિયા વિવિધ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા અને જેમાં 24 એપ્રિલના રોજ 1.12 કરોડ રૂપિયા નફો બતાવતા હતા. આ નાણાં વિથડ્રોલ કરતા મારી રિક્વેસ્ટ રિજેક્ટ થઇ હતી. જેથી મેં અરિયા શર્માને વાત કરતા બીજા 60 લાખ રૂપિયા એકાઉન્ટમાં જમા કરવાનું કહેતા મને શંકા ગઈ અને મેં રૂપિયા જમા કરાવ્યા ન હતા.

સાયબર ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ: અલગ-અલગ વ્હોટ્સએપ ગ્રૂપમાંથી મારી પાસે સતત વધુ રૂપિયાની માંગણીઓ કરવામાં આવી હતી. પરંતુ મને શંકા જતા મેં વધારે રૂપિયા જમા કરાવ્યા ન હતા. મેં 1930 નંબર પર અરજી કરી હતી. મને મારા નાણાં આજ દિવસ સુધી પરત મળ્યા નથી. મને એપ ઉપર રજિસ્ટ્રેશન કરાવીને વધારે પ્રોફિટની લાલચ આપી હતી. ICICI સિક્યોરિટી અને ગોલ્ડમેન સચની ખોટી ઓળખ આપીને મારી પાસેથી 99.75 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. જેમાંથી મને વિશ્વાસમાં લેવા માટે 5 લાખ રૂપિયા પરત આપ્યા હતા. જો કે, 94.75 લાખ રૂપિયા પરત ન આપીને મારી સાથે છેતરપિંડી આચરી છે. મેં આ મામલે 4 અજાણ્યા ભેજાબાજો સામે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને સાયબર ક્રાઇમ એ અંગે ફરિયાદના આધારે ભેજાબાજને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.

  1. લોકસભા ચૂંટણી છઠ્ઠા તબક્કાનું મતદાન શરૂ, 8 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન - lok sabha election 2024 phase six
  2. સાયબર ક્રાઈમ સીરિઝ: ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ શું છે, કઈ રીતે થાય છે, કઈ રીતે તેનાથી બચી શકાય? જાણો વિગતવાર - Cyber Crime Series
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.