ETV Bharat / state

Porbandar Municipality : 5G યુગમાં 2G સ્પીડથી ચાલતી સરકારી કામગીરી, આધાર કાર્ડ કઢાવવા ખાવા પડે છે ધરમધક્કા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 15, 2024, 1:59 PM IST

પોરબંદરમાં આધાર કાર્ડ કઢાવવા માંગતા લોકો નગરપાલિકા કચેરીના ધરમ ધક્કા ખાઈ રહ્યા છે. અગાઉ બેંક સહિતની જગ્યાએ ચાલતી કામગીરી હવે માત્ર અહીં જ ઉપલબ્ધ છે. ત્યારે પોરબંદરના નાગરિકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જાણો પોરબંદરવાસીઓની સમસ્યા અને માંગ...

આધાર કાર્ડ કઢાવવા ખાવા પડે છે ધરમધક્કા
આધાર કાર્ડ કઢાવવા ખાવા પડે છે ધરમધક્કા

5G યુગમાં 2G સ્પીડથી ચાલતી સરકારી કામગીરી

પોરબંદર : ડિજિટલ યુગમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે ઇન્ટરનેટમાં પણ 5G સ્પીડ આવી ગઈ છે અને પળભરમાં કંઈ પણ કામ થઈ જાય છે. પરંતુ વહીવટી કામ હજુ પણ 2G સ્પીડમાં ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. પોરબંદરના નાગરિકો આધાર કાર્ડ કઢાવવા માટે નગરપાલિકા કચેરીના ધરમ ધક્કા ખાઈ રહ્યા છે. સવારે 7 વાગ્યાથી કચેરી બહાર લાંબી કતાર લાગે છે.

આધાર કાર્ડ કાઢવાની કામગીરી : પોરબંદર નગરપાલિકા કચેરીમાં આધાર કાર્ડ કઢાવવા માટેની સુવિધા રાખવામાં આવી છે. પરંતુ એક જ ડેસ્ક રાખવામાં આવતા અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે. નગરપાલિકા કચેરીએ વહેલી સવારથી જ લાંબી કતાર જોવા મળે છે. લોકો આવી મુશ્કેલીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડિજિટલ કામગીરીથી લોકો પરેશાન થાય છે અને સરકારે આ બાબત યોગ્ય કરવા રજૂઆત પણ કરી રહ્યા છે.

ટોકન લેવા લાંબી કતાર : પોરબંદરના નાગરિક લાખણશીભાઈએ જણાવ્યું હતું કે, સવારના 6:30 વાગ્યાના ગામડાથી લોકો આવે છે અને અહીં ટોકન લેવા માટે ઉભા હોય છે. 9:30 કલાકે ઓફિસ ખુલે છે, પરંતુ એક માણસને એક જ ટોકન આપે છે. એક જ પરિવારના બે આધાર કાર્ડ કઢાવવા હોય તો ફરીથી બીજા દિવસે આવવું પડે છે.

માત્ર પાલિકા કચેરી માધ્યમ : ડિજિટલ કામગીરીથી ગરીબ માણસોની હેરાનગતિ વધી ગઈ છે. અગાઉ બધી જ બેંકમાં આધાર કાર્ડ એમેન્ડમેન્ટ થઈ જતું હતું, પરંતુ એ બંધ થઈને હવે માત્ર નગરપાલિકા કચેરીએ જ કામગીરી થાય છે. આથી બધા લોકોને સવારમાં અહીં ઉભું રહેવું પડે છે.

જટિલ પ્રક્રિયા : કાનજીભાઈ બાદશાહી નામના સિનિયર સિટિઝને જણાવ્યું હતું કે, ગઈકાલે અમે અહીં આવ્યા તો 45 લોકોને ટોકન આપ્યા બાદ મને ટોકન ન મળ્યું, આથી ઘરે જતા રહ્યા હતા. મારા પરિવારમાં બે આધારકાર્ડ કઢાવવા છે, પરંતુ આજે એક જ ટોકન આપ્યું છે. સવારે 7.30 વાગ્યે અમે આવ્યા હતા. હવે બીજા ટોકન માટે કાલે ફરીથી આવું પડશે.

પોરબંદરના નાગરિકોની માંગ : આધાર કાર્ડ કઢાવવા આવેલા લોકોનું કહેવું છે કે, અહીં બે ટેબલ રાખવા જોઈએ અને બહારગામથી આવતા લોકોને મુશ્કેલી ન પડે તેવી સુવિધાનું આયોજન કરવું જોઈએ.

  1. Porbandar News : રાણાવાવના અનાજના ગોડાઉનમાં ગેરરીતિ નોંધાતા એક પુરવઠા અધિકારી સહિત બે સામે ફરિયાદ
  2. Rajkot Crime : ડુમિયાણી ટોલ પ્લાઝા પ્રોજેક્ટ હેડ દ્વારા નવ જેટલા વ્યક્તિઓ સામે મારામારીની ફરિયાદ નોંધાવાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.