ETV Bharat / state

સુરતની 28 વર્ષીય પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયન : ભાવિકા કુકડીયા - Bhavika Kukdia

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 27, 2024, 4:18 PM IST

સુરતની 28 વર્ષીય પેરા ટેબલ ટેનિસ પ્લેયર ભાવિકા કુકડીયાએ રાષ્ટ્રીય કક્ષાએ સુરતનું નામ રોશન કર્યું છે. જોકે આ સ્તરે પહોંચવા સુધીની તેમની સફર આસાન નથી રહી. જન્મજાત અપંગતા હોવાથી આશરે 10 વર્ષ સુધી ચાલી ન શકનાર ભાવિકાએ માત્ર પાંચ વર્ષમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ ચમકાવ્યું છે.

પેરા ટેબલ ટેનિસ પ્લેયર ભાવિકા કુકડીયા
પેરા ટેબલ ટેનિસ પ્લેયર ભાવિકા કુકડીયા

સુરતની 28 વર્ષીય પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયન : ભાવિકા કુકડીયા

સુરત : 28 વર્ષીય પેરા ટેબલ ટેનિસ પ્લેયર ભાવિકા કુકડીયાએ રાષ્ટ્રીય કક્ષાએ સુરતનું નામ રોશન કર્યું છે. જન્મથી કરોડરજ્જુની તકલીફ હોવાને કારણે 10 વર્ષે થોડું ચાલતા શીખેલી ભાવિકાનું મનોબળ ભાંગ્યું નહોતું. ભાવિકાએ નોકરી છોડી કઠોર મહેનત કરીને ઇન્દોરમાં યોજાયેલી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે. તેણે વર્ષ 2019માં ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી અને માત્ર 5 વર્ષમાં જ તે બેઝિકથી લઈને ઇન્ટરનેશનલ કક્ષાની સફર કરી ચૂકી છે.

જન્મજાત અપંગતા : કરોડરજ્જુમાં તકલીફ થવાને કારણે ભાવિકા ચાલી પણ શકતી નહોતી. 12 વર્ષની ઉંમરે માંડ થોડું ચાલીને પોતાના આત્મબળે ઉભા રહેવા લાગી અને બાદમાં વોકર લઈને ચાલતી હતી. માતા-પિતાએ પણ હિંમત હાર્યા વગર ભાવિકાના ભવિષ્ય માટે ભરપૂર પ્રયાસ કર્યો હતો. ભાવિકાએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યા બાદ ટેલિફોન ઓપરેટરની નોકરી શરૂ કરી.

સપનાની ઉડાન : ભાવિકા સતત વિચારતી હતી કે મારી પાસેથી ભગવાને કંઈક લીધું છે, પરંતુ તેની સામે કંઈક આપ્યું પણ હશે, તેને મારે શોધવું પડશે. બાદમાં ફિઝિકલ ચેલેન્જ લોકો દ્વારા રમાતી પેરા ચેમ્પયનશિપ જોયા બાદ બે વર્ષ પહેલા ટેબલ ટેનિસ રમત પસંદ કરી. જેના માટે તેમણે કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી પણ છોડી દીધી હતી.

પેરા ગેમ્સ યાત્રાની શરૂઆત : ભાવિકાએ જણાવ્યું કે, મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. પરંતુ ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી 18 વર્ષની ઉંમરથી જ નોકરીની શરૂઆત કરી દીધી હતી. મને કંઈક મોટું કરવું હતું. જેથી હું નોકરીની સાથે સાથે બીજું શું કરી શકાય તે વિચારતી હતી. ભગવાને મને ડિસેબલ બનાવી છે, પણ હું મારી જાતને ડિસેબલ બનાવવા માંગતી ન હતી. જેથી ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. ત્યારે સુરતમાં કોઈપણ જગ્યાએ પેરા ખેલાડી માટે અલગથી કોચિંગ નહોતી.

પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયન
પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયન

જે લોકો મને રમતા જોતા તેઓ કહેતા કે "તારાથી રમી શકાય એમ નથી" પરંતુ મેં હિંમત હાર્યા વગર નિશ્ચય કર્યો કે મારે મારુ કેરિયર ટેબલ-ટેનિસમાં બનાવવું છે. પોતે હિંમત હારી નહીં. -- ભાવિકા કુકડીયા

ભાવિનાની સંઘર્ષ કથા : પોતાના સંઘર્ષ વિશે વાત કરતા ભાવિના કહે છે કે, એક વખત હું નેશનલ રમવા જતી હતી એ જ દિવસે મારો ભાઈ ગંભીર રીતે બીમાર થઈ ગયો હતો. તેને હોસ્પિટલ ખસેડવાની જરૂર પડી હતી. જોકે, મારું સપનું ક્લિયર જ હતું, જેથી હું રમવા ગઈ હતી. મેં જોર્ડન રમવા જવા માટે જે પણ સેવિંગ કર્યું હતું એ મારા ભાઈની સારવારમાં ખર્ચી દીધું હતું. અહીં સુધી પહોંચવામાં મે ઘણો સંઘર્ષ કર્યો છે.

ભાવિકાના કોચનો વિશ્વાસ : ભાવિકાના કોચ હૃદય દેસાઈએ જણાવ્યું હતું કે, ડિસેબલ હોવા છતાં પણ ભાવિકાએ હિંમત હાર્યા વગર રમત રમવાની શરૂઆત કરી હતી. કોચીંગ દરમ્યાન અને ટ્રેનિંગ દરમિયાન ભાવિકાએ ભારે મહેનત કરી છે. તે એક દિવસ ઓલમ્પિકમાં જશે અને ઇન્ડિયા માટે ગોલ્ડ મેડલ લાવશે.

રાષ્ટ્રીય કક્ષાએ ડબલ ગોલ્ડ : મધ્યપ્રદેશના ઇન્દોરમાં UTT પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું હતું. જેમાં સુરતના ભાવિકા કુકડીયાએ વુમન્સ સિંગલ્સમાં ગોલ્ડ, વુમન્સ ડબલ્સમાં ગોલ્ડ અને મિક્સ ડબલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યા છે. ભાવિકાએ વુમન્સ સિંગલ્સમાં એશિયન ગેમ્સમાં રમી ચૂકેલી ખેલાડીને 3-1 થી હરાવી ગોલ્ડ પર કબ્જો કર્યો હતો.

ભાવિકાની તાલીમ : વુમન્સ ડબલ્સમાં યુપીની પ્રાચી પાંડે અને ભાવિકાની જોડીએ ફાઇનલમાં બાજી મારી હતી. મિક્સ ડબલ્સમાં કર્ણાટકના અજય જીવી અને ભાવિકાની જોડીને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો અને સિલ્વર મેડલ જીતવામાં સફળ થયા હતા. ભાવિકા હાલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગાંધીનગરમાં ટ્રેનિંગ લઈ રહી છે.

  1. Surat News : એશિયન બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં 21 વર્ષની સિલ્વર મેડલિસ્ટ દિશા પાટીલ, સફળતાની સફર જૂઓ
  2. National Swimming Championships: 'જોરદાર જેનિશ', આ પેરા સ્વીમરે એક હાથના સહારે નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 5 મેડલ મેળવ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.