ETV Bharat / politics

ખેડા લોકસભા બેઠક પર શા માટે કોંગ્રેસના વાવટા સમેટાયા અને ભાજપનો ભગવો લહેરાયો ? - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 10, 2024, 7:02 AM IST

ખેડા લોકસભા બેઠક
ખેડા લોકસભા બેઠક

કોંગ્રેસનો પરંપરાગત ગઢ ગણાતી ખેડા લોકસભા બેઠક પર વર્ષ 2014 માં ભાજપનું શાસન આવ્યું. સતત પાંચ ટર્મ સાંસદ રહેલા કોંગ્રેસના દિનશા પટેલને દેવુસિંહ ચૌહાણે પરાજય આપ્યો અને આ બેઠક પર પરિવર્તન આવ્યું, પરંતુ ખેડા બેઠક પર શા માટે કોંગ્રેસના વાવટા સમેટાયા અને ભગવો લહેરાયો ? જુઓ આ વિશેષ અહેવાલ

ખેડા : ખેડા લોકસભા બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાતી આવી હતી. જોકે, વર્ષ 2014 થી અહીંનું રાજકીય ચિત્ર બદલાયું છે. છેલ્લી બે ટર્મથી સતત ભાજપ જીતી રહી છે. સતત પાંચ ટર્મથી સાંસદ રહેલા કોંગ્રેસના દિગ્ગજ દિનશા પટેલ 2014 લોકસભા ચૂંટણીમાં દેવુસિંહ ચૌહાણ સામે પરાજિત થયા અને ખેડા બેઠક પર ભગવો લહેરાયો. બાદમાં 2019માં પણ ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ જીત્યા અને તેમની સરસાઈ પણ વધી હતી.

ખેડા લોકસભા બેઠક પર હવે ભાજપનો કબજો છે. ત્યારે કેમ કોંગ્રેસના ગઢના કાંગરા ખર્યા અને ખેડા બેઠક પર ભાજપે કેવી રીતે કબજો જમાવ્યો તે અંગે ભાજપ અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખોએ વિવિધ કારણો રજૂ કર્યા હતા. જુઓ ETV Bharat નો ખાસ પોલિટિકલ અહેવાલ

કોંગ્રેસની નીતિને જાકારો : 2014 માં કોંગ્રેસની વિવિધ નીતિઓને દેશભરમાં લોકોએ જાકારો આપ્યો અને ભાજપમાં વિશ્વાસ મુક્યો. તેના પરિણામે દેશમાં પરિવર્તન આવ્યું અને ભાજપ પક્ષ સત્તામાં આવ્યો. તેની સાથે જ ખેડા લોકસભા બેઠક પર પણ પરિવર્તન જોવા મળ્યું હતું. અહીં પણ ભાજપના ઉમેદવાર પર જનતાએ કળશ ઢોળ્યો અને સાથે સતત પાંચ ટર્મ સાંસદ રહેલા કોંગ્રેસના દિનશા પટેલને હરાવી ભાજપના દેવુસિંહ ચૌહાણ વિજયી બન્યા.

ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ
ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ

સીમાંકનમાં બદલાવ ભાજપને ફળ્યો : સીમાંકન બદલાતા તેનો લાભ ભાજપને મળ્યો હતો. સીમાંકન બદલાતા કોંગ્રેસના પ્રભુત્વ વાળા કેટલાક વિસ્તારો આણંદ અને પંચમહાલ લોકસભા બેઠકમાં ગયા હતા. જ્યારે ભાજપનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોનો ખેડા લોકસભા બેઠકમાં સમાવેશ થયો હતો, જેનો સીધો લાભ ભાજપને મળ્યો હતો.

ભાજપના લોક કલ્યાણના કાર્યો : 2014 માં સત્તા પરિવર્તન બાદ લોકસભા વિસ્તારમાં વિકાસ તેમજ લોક કલ્યાણના કાર્યો જોવા મળ્યા. લોકોને વિવિધ કેન્દ્રીય યોજનાઓના લાભ સરળતાથી મળતા થયા અને સ્થાનિક જનતા વિકાસની રાજનીતિથી પરિચિત થઈ. આ વિસ્તારમાં ભાજપના સાંસદ દ્વારા થયેલા વિકાસના કામોનો લાભ ભાજપ પક્ષને થયો અને પક્ષ સતત મજબૂત થતો ગયો.

કોંગ્રેસના ઉમેદવાર કાલુસિંહ ડાભી
કોંગ્રેસના ઉમેદવાર કાલુસિંહ ડાભી

ભાજપનું એકહથ્થુ શાસન : ખેડા લોકસભા વિસ્તારમાં ખેડા જિલ્લાની પાંચ અને અમદાવાદ જિલ્લાની બે એમ તમામ સાત વિધાનસભા બેઠકો પર ભાજપનો કબજો છે. અહીં 2017 વિધાનસભામાં મહુધા અને કપડવંજ વિધાનસભા બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યાં 2022 વિધાનસભા ચૂંટણીમાં હવે ભાજપનો કબજો થઈ ચૂક્યો છે. આમ લોકસભા વિસ્તારમાં આવતી તમામ બેઠક ભાજપ પાસે છે. ઉપરાંત નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પણ ભાજપનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. ત્યારે અહીં ભાજપની સ્થિતિ એકંદરે મજબૂત બની છે.

અસ્તિત્વ ટકાવવા કોંગ્રેસનો પ્રયાસ : પરંપરાગત રીતે કોંગ્રેસનો અજેય ગઢ ગણાતા વિસ્તારમાં કોંગ્રેસ અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે. લોકસભા વિસ્તારની બે વિધાનસભા બેઠક કોંગ્રેસ ગુમાવી ચૂકી છે. હાલ કોંગ્રેસ પાસે અહીં એક પણ વિધાનસભા બેઠક નથી. તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ નબળો દેખાવ રહ્યો છે. કોંગ્રેસ અહીં જનાધાર ગુમાવી ચૂકી છે. તેની પાસે મજબૂત નેતાગીરી પણ નથી.

જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ
  • પરિવર્તનના પાયામાં ભાજપના જન કલ્યાણના કામો છે : અજય બ્રહ્મભટ્ટ

ETV Bharat સાથે વાતચીત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ જણાવ્યું કે, ભાજપની સફળતાના પાયામાં ભાજપના જન કલ્યાણના કામો છે. ખેડા લોકસભામાં સાત વિધાનસભા સીટનો સમાવેશ થાય છે. તેમાં દસક્રોઈ વિધાનસભાનો અમને ઘણો મોટો ફાયદો છે. તદુપરાંત છેલ્લા દસ વર્ષમાં થયેલા કામ, લાભાર્થીઓની સંખ્યા અને રોજબરોજ બૂથમાં જઈ લોકોના પ્રશ્નો સોલ્વ કરવા માટે અમારા કાર્યકરો જે મથામણ કરે છે, એના કારણે અમારો બેઝ બહુ મજબૂત બન્યો છે.

પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અધ્યક્ષ બન્યા પછી 2019 અને 2024 ની વચ્ચે ખેડા લોકસભા વધુ મજબૂત બની છે. 2019 માં અમારી પાસે ધોળકા, મહુધા અને ખેડા તાલુકા પંચાયત નહોતી, જે અત્યારે અમારી પાસે છે. કપડવંજ અને મહુધા વિધાનસભા પણ 2019 માં અમારા પાસે નહોતી, જે અત્યારે અમારી પાસે છે.

પશુપાલકો અને કિસાનોને અસર કરતી બે મહત્વની મોટી સહકારી સંસ્થા KDCC અને અમૂલ પણ અત્યારે અમારી પાસે છે. એટલે ગત બધી ચૂંટણી કરતા ભારતીય જનતા પાર્ટીનું સમર્થન અને સામર્થ્ય વધ્યું છે. જેથી ચોક્કસ વિશ્વાસ છે કે આ લોકસભા અમે બહુ જ મોટા માર્જિનથી જીતીશું.

સામેની પાર્ટીમાં કોઈ વિશ્વાસપાત્ર નેતા નથી, એ લોકોની કોઈ નીતિ નથી, એ લોકોનું કોઈ રોજબરોજની કામગીરી નથી, એ લોકોનું કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જાહેર સ્તર પર આવી પોતાની પાર્ટીનું નામ બોલતા જેને સંકોચ થતો હોય એ લોકો પ્રજાનો વિશ્વાસ ક્યારેય કેળવી ન શકે.

ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભી
  • ધ્રુવીકરણનો સમય પુરો થઈ ગયો છે : ચંદ્રશેખરસિંહ ડાભી

ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભીએ જણાવ્યું કે, આ લોકસભા બેઠકની હંમેશા તાસીર રહી છે કે પહેલેથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ખેડા લોકસભા બેઠક પર પચ્ચીસ વર્ષનું પ્રતિનિધિત્વ અમારા પરિવારે કર્યું છે. પરંતુ છેલ્લી બે ચૂંટણીમાં પરિવર્તન આવ્યું એનું કારણ સીમાંકનમાં બદલાવ છે. મને લાગે છે તે ખોટું થયું છે. એ સીમાંકનને કારણે પરિવર્તન આવ્યું છે.

આ વખતે હવે મને ચોક્કસ ખાતરી છે કે હવે આ ધ્રુવીકરણનો સમય પૂરો થઈ ગયો છે. હવે ધીરે ધીરે વાતાવરણ એવું થયું છે કે હવે સીટ બચાવવા એ લોકો સંઘર્ષ કરે છે. હવે કોંગ્રેસ તરફી વાતાવરણ થઈ ગયું છે. છેલ્લા બે ટર્મથી અમારૂ પરિણામ નથી એનું કારણ ગુજરાતનું એક સેન્ટિમેન્ટ છે. વડાપ્રધાન અહીંના હોય, મિનિસ્ટર અહીંના હોય તો સ્વાભાવિક છે કે લોકોનું માઈન્ડ સેટ એવું થાય કે, પોતીકા છે તો આપણે જવું જોઈએ.

આ માઈન્ડ સેટ પહેલા હતું પણ હવે ધીરે ધીરે લોકોને પણ સમજાયુ છે કે, બે વખત તક આપી પણ ગુજરાતનો ખરેખર જોઈએ એવો વિકાસ થયો નથી. બેરોજગારી, મોંઘવારીના મુદ્દાથી હજુ નિજાદ મળ્યો નથી. હજુ પણ પ્રજા સંઘર્ષ કરી રહી છે.

  1. ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીની કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ વચ્ચે ટક્કર
  2. Kheda Lok Sabha Seat: ખેડા લોકસભાનો ચૂંટણી સંગ્રામ, વિશ્લેષકની નજરે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.