ગુજરાત

gujarat

જાણો નવરાત્રીના શુભ મુહૂર્ત અને નવશક્તિની આરાધનાનું મહત્વ

By

Published : Oct 3, 2021, 9:24 PM IST

Updated : Oct 3, 2021, 11:02 PM IST

આગામી 7 મી ઓક્ટોબરથી અશ્વિની નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. આ નવ દિવસ નવશક્તિની આરાધનાનું પર્વ છે, ત્યારે આવો જાણીએ વાપીના જ્યોતિષ વિશારદ ભાર્ગવ ભટ્ટ પાસેથી નવરાત્રીના શુભ મુહૂર્ત વિશે, માતાજીની આરાધના વિશે અને નવરાત્રીના મહત્વ વિશે.

Valsad News
Valsad News

  • 7 મી ઓક્ટોબરથી શરૂ થશે નવરાત્રી પર્વ
  • આ વખતે ચોથ તિથિ ક્ષય તિથિ છે
  • નવરાત્રી દરમિયાન મહાકાળી, મહાલક્ષ્મી, મહા સરસ્વતીની આરાધનાનું પર્વ છે

વલસાડ: ગુજરાત સહિત સમગ્ર ભારતમાં નવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે. નવ દિવસ સુધી માતાજીની આરાધનાના આ પર્વનું સનાતન ધર્મમાં અનેરું મહત્વ છે. આ દિવસોમાં માતાજીની આરાધના સાથે હોમ-હવન સહિત અનેક શુભ કાર્યો કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રિ પર્વ 7 મી ઓક્ટોબરથી શરૂ થાય છે. અશ્વિની નવરાત્રિમાં નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે. જે અંગે વાપીના જ્યોતિષ વિશારદ ભાર્ગવ ભટ્ટે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે નવરાત્રી પ્રારંભનું શુભ મુહૂર્ત સવારે 6:31 વાગ્યાથી શરૂ થશે. જે શુભ મુહરત 11 વાગ્યા સુધીનું છે. દરેક માઇભક્તોએ આ સમયમાં ઘટ સ્થાપન વિધિ કરવી જોઈએ.

જાણો નવરાત્રીના શુભ મુહૂર્ત અને નવશક્તિની આરાધનાનું મહત્વ

નવરાત્રિના નવેનવ દિવસ નવશક્તિની આરાધના કરવી જોઈએ

ભાર્ગવ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, નવરાત્રિ પર્વમાં નવ દિવસ અલગ-અલગ માતાજીના નવ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે માતાજીના ત્રણ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ ત્રણ માતાજી એટલે મહાકાળી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતી છે. માતાજીની આ નવ દિવસની આરાધનામાં નવરાત્રી પર્વ દરમિયાન એક દિવસ ઓછો હોય તો પણ ભક્તોએ નવેનવ સ્વરૂપની પૂજા કરવી અનિવાર્ય છે. તો જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. નવ દિવસના અનુષ્ઠાન, નવ દિવસના પાઠ કરવા જોઈએ. ક્ષય તિથિ હોવાના કારણે ક્યારેક એક નોરતું ઓછું હોય છે. આ વખતે પણ ત્રીજ પછી સીધું પાંચમું નોરતું આવે છે. 9 મી ઓગસ્ટે ચોથું નોરતું ક્ષય તિથિ છે. ચતુર્થી તિથિને ધ્યાને રાખી 15 મી ઓક્ટોબરે દશેરા છે, તો તે દિવસ સુધીના નવરાત્રિના નવ દિવસ ગણી નવેનવ દિવસ નવશક્તિની આરાધના કરવી જોઈએ.

દશેરાના દિવસે 2:15 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી વિજય મુરત છે

નવરાત્રી પર્વ દરમિયાન અષ્ટમીનું ખૂબ મહત્વ છે. અષ્ટમીના દિવસે મુખ્યત્વે હવન-યજ્ઞનો મહિમા છે. આ દિવસે ઉપવાસ પણ કરવા જોઇએ. આ ઉપરાંત દશેરાના દિવસે શસ્ત્ર પૂજા સહિત શુભ કાર્યના આયોજનો થતા હોય છે. દશેરાના દિવસે 2:15 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી વિજય મુરત છે. જોકે દશેરાના દિવસે આખો દિવસ શુભ મનાય છે. એટલે આખા દિવસમાં ગમે ત્યારે શુભકાર્ય કરી શકાય છે.

આ પણ વાંચો:ખેલૈયાઓ થઇ જાવ તૈયાર, આ વર્ષે નવરાત્રીમાં ગાવા મળશે ગરબા

ભારતમાં સનાતન ધર્મ મુજબ 4 નવરાત્રીનું મહત્વ છે

સનાતન ધર્મ મુજબ ચાર નવરાત્રીનું મહત્વ છે. જેમાં પોષી નવરાત્રી, ચૈત્રી નવરાત્રી, અષાઢી નવરાત્રી અને અશ્વિની એટલે કે આસો નવરાત્રીનો સમાવેશ થાય છે. આ તમામ નવરાત્રીઓમાં ચૈત્રી નવરાત્રી સુદ આઠમથી શરૂ થાય છે અને પૂનમે પૂરી થાય છે. બાકીની ત્રણેય નવરાત્રી એકમથી શરૂ થાય છે અને આઠમ અથવા નોમના પૂર્ણ થાય છે.

આ પણ વાંચો: નવરાત્રી દરમિયાન ભક્તો માટે માતાનો મઢ ખુલ્લો રહેશે, મેળો યોજવાને લઇને પણ લેવાયો મહત્વનો નિર્ણય

નવરાત્રીમાં ગરબા ગાઈને માતાજીનું સ્વાગત કરવામાં આવે છે

ઉલ્લેખનીય છે કે, ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ રીતે નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં આ નવ દિવસના પ્રારંભે આરતી કર્યા બાદ ગરબા ગવાય છે. એવું માનવામાં આવે છે કે, માતાજીને ગરબા ખૂબ જ પ્રિય છે. એટલે તેમના સ્વાગત માટે ગરબા ગાવામાં આવે છે. ગરબા થકી માતાજીની ઉપાસના કરવાનો મહિમા સનાતન ધર્મમાં વર્ણવ્યો છે.

Last Updated : Oct 3, 2021, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details