નવરાત્રી દરમિયાન ભક્તો માટે માતાનો મઢ ખુલ્લો રહેશે, મેળો યોજવાને લઇને પણ લેવાયો મહત્વનો નિર્ણય

author img

By

Published : Sep 25, 2021, 5:57 PM IST

નવરાત્રી દરમિયાન ભક્તો માટે માતાનો મઢ ખુલ્લો રહેશે

કોરોનાના કેસોમાં ઘટાડો આવતા અને સરકાર દ્વારા કોરોનાના નીતિ-નિયમોમાં ઢીલ મૂકાતા કચ્છના માતાના મઢને ભક્તો માટે ખૂલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે કોરોનાને જોતા આ વર્ષે પણ મેળો યોજવામાં નહીં આવે અને પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પો બંધ રાખવામાં આવશે.

  • નવરાત્રી દરમિયાન માતાનું મઢ ખુલ્લું રાખવાનો નિર્ણય
  • નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
  • પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પો બંધ રાખવામાં આવશે
  • આ વખતે પણ નવરાત્રી દરમિયાન મેળો નહીં યોજાય

કચ્છ: કચ્છના કુળદેવી આઈશ્રી આશાપુરા માતાજીના ધામ એવા માતાનામઢ ખાતે આસો નવરાત્રી દરમિયાન દર વખતે લાખો માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે. કોરોનાને પગલે ગત વર્ષે દર્શનાર્થીઓ માટે નવરાત્રી દરમિયાન મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. જો કે હવે કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી ગયું હોઈ સરકાર દ્વારા નીતિ-નિયમોમાં ઢીલ મૂકાતા માઈભક્તો માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે તેવો નિર્ણય બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે.

માતાના મઢ ખાતે નવરાત્રી મેળા સંદર્ભે મહત્ત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી

માતાના મઢ ખાતે નવરાત્રી મેળા સંદર્ભે મહત્ત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી
માતાના મઢ ખાતે નવરાત્રી મેળા સંદર્ભે મહત્ત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી

રાજ્યમાં કોરોનાના કેસો ઘટતા અને રાજ્ય સરકાર દ્વારા કોરોનાના નિયમો હળવા કરવામાં આવતા કચ્છના માતાનામઢ ખાતે નવરાત્રી મેળો યોજાશે કે કેમ તે અંગે માઈ ભક્તોને પ્રશ્ન હતો. બીજી તરફ તંત્ર દ્વારા પણ કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી હોવાથી ભક્તોમાં ભારે અસમંજસતા જોવા મળી હતી. માતાના મઢ સરપંચ દ્વારા આ સંબંધિત પત્ર લખપત મામલતદારને લખીને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે આજે માતાના મઢ ખાતે નવરાત્રી મેળા સંદર્ભે મહત્ત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી.

સવારના 4 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે

નવરાત્રી દરમિયાન ભાવિકો મા આશાપુરાના દર્શન કરી શકશે
નવરાત્રી દરમિયાન ભાવિકો મા આશાપુરાના દર્શન કરી શકશે

શનિવારે બપોરે 12:30 વાગ્યે માતાના મઢ જાગીર ટ્રસ્ટ ખાતે નખત્રાણા નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને નવરાત્રી મેળા અંગેની બેઠક યોજાઇ હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે નવરાત્રી દરમિયાન માતાનું મઢ માઈ ભક્તો માટે ખુલ્લું રાખવમાં આવશે. આ વર્ષે નવરાત્રી દરમિયાન ભાવિકો મા આશાપુરાના દર્શન કરી શકશે. જો કે દર વર્ષે પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પો બંધ રાખવામાં આવશે અને નવરાત્રી દરમિયાન મેળો પણ નહીં યોજાય.

નવરાત્રી સમયે એસટી તંત્ર દ્વારા વધુ બસો દોડાવાશે

ઉલ્લેખનીય છે કે નવરાત્રી દરમિયાન અહીં યોજાતા મેળામાં અનેક નાના-મોટા વેપારીઓ રોજગારી મેળવવાના ઉદ્દેશ્યથી અહીં આવતા હોય છે, પરંતુ આ વર્ષે માત્ર ગામના વેપારીઓ જ પૂજાપો અને પ્રસાદી વેચી શકશે તેવો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન સવારના 4 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવશે. તો વાહનવ્યવહાર જળવાઇ રહે અને ભક્તોને આવવા-જવામાં તકલીફ ન પડે તે માટે એસટી તંત્ર દ્વારા વધુ બસો દોડાવવામાં આવશે.

આ પણ વાંચો: 18મી સદીના કિલ્લાની દીવાલોથી ઘેરાયેલું છે લખપત, જાણો 200 વર્ષ જૂના આ ગામ વિશે

આ પણ વાંચો: કચ્છના જખૌના દરિયાઈ સીમમાં ખીદરત બેટ પરથી શંકાસ્પદ પેટી મળી આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.