ગુજરાત

gujarat

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશમાં મેઘમહેર, મધુબન ડેમના 10 દરવાજા ખોલી 1.18 લાખ ક્યુસેક પાણી દમણગંગામાં છોડાયું

By

Published : Sep 13, 2021, 4:36 PM IST

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશમાં મેઘમહેર
વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશમાં મેઘમહેર ()

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં રવિવારની રાત્રિથી સતત વરસાદ વરસી રહ્યો છે. સોમવારે બપોરના 12 વાગ્યા સુધીના 6 કલાકમાં પંથકમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે મધુબન ડેમના ઉપરવાસમાંથી સતત 1.40 લાખ ક્યુસેક પાણીની આવક થતી હોવાથી ડેમનું લેવલ 78.40 મીટરે સ્થિર રાખી ડેમના 10 દરવાજા 2.20 મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. હાલમાં 1.18 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

  • વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત
  • ડેમના 10 દરવાજા 2.20 મીટર ખોલ્યા
  • ડેમમાંથી 1.18 લાખ ક્યુસેક પાણી છોડાયું

વાપી: વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લામાં અત્યારસુધીમાં સિઝનનો 90 ટકા વરસાદ વરસ્યો છે. સંઘપ્રદેશ દમણમાં અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ યથાવત છે. તો મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં સતત પાણીની આવક થતી હોવાથી ડેમનું રુલ લેવલ જાળવવા 1.18 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે.

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશમાં મેઘમહેર

સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 44mm વરસાદ વરસ્યો

રવિવારની રાત્રિથી વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં ક્યાંક પવન અને ગાજવીજ સાથે ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સોમવારે વાપીમાં ભારે પવન સાથે વરસાદ વરસતા સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 44mm વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓની વાત કરીએ તો 6 કલાકમાં ઉમરગામમાં 36mm, કપરાડામાં 75mm, ધરમપુરમાં સૌથી વધુ 88 mm, પારડીમાં 9mm, વલસાડમાં 4mm વરસાદ વરસ્યો છે.

દમણમાં સિઝનનો 107 ટકા, સેલવાસમાં 76 ટકા વરસાદ નોંધાયો

આ તરફ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અને દમણમાં સોમવારે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો દમણમાં અત્યાર સુધીમાં કુલ 89 ઇંચ સાથે 107 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે દાદરા નગર હવેલીના ખાનવેલમાં 79 ઇંચ, સેલવાસમાં 74 ઇંચ સાથે સરેરાશ સિઝનનો 76 ઇંચ વરસાદ નોંધાયો છે. સેલવાસમાં સિઝનનો 88ટકા તો, વલસાડ જિલ્લામાં સિઝનનો સરેરાશ 90 ટકા વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશમાં મેઘમહેર

ઉમરગામમાં સિઝનનો 106 ટકા અને વાપીમાં 90 ટકા વરસાદ

વલસાડ જિલ્લામાં તાલુકા મુજબ સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો ઉમરગામ તાલુકામાં સિઝનનો કુલ 83 ઇંચ વરસાદ વરસતા 106 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કપરાડા તાલુકામાં સિઝનનો કુલ 77 ઈંચ વરસાદ નોંધાયો છે. ધરમપુર તાલુકામાં અત્યાર સુધીમાં 67 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. પારડીમાં 61 ઇંચ, વલસાડ તાલુકામાં 62 ઇંચ સિઝનનો વરસાદ નોંધાયો છે. જ્યારે વાપીમાં સીઝનના કુલ 90 ટકા વરસાદ સાથે અત્યાર સુધીમાં કુલ 78 ઇંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

મધુબન ડેમનું લેવલ 78.40 મીટરે પહોંચ્યું

સતત વરસતા વરસાદના કારણે મધુબન ડેમમાં પણ નવા નિરની આવકમાં વધારો થયો છે. ડેમના કેચમેન્ટ એરિયામાં વરસતા વરસાદના કારણે ડેમનું રુલ લેવલ 78.40 મીટર પર સ્થિર રાખી 1.40 લાખ ક્યુસેક પાણીની આવક સામે ડેમના તમામ 10 દરવાજા 2.20 મીટરે ખોલી 1.18 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે.

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશમાં મેઘમહેર

મધુબન ડેમનું વોર્નિંગ લેવલ 79.86 મીટર

ઉલ્લેખનીય છે કે, મધુબન ડેમનું વોર્નિંગ લેવલ 79.86 મીટર છે. જ્યારે હાલમાં 78.40 મીટર સુધી ડેમ વરસાદી પાણીથી છલોછલ ભરાયેલ છે. ડેમની કુલ પાણીની સંગ્રહ ક્ષમતા 520 MCM છે. ડેન્જર લેવલ 82.40 મીટર છે. ડેમમાંથી હાલ 1.18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે, ડિસ્ચાર્જ વોર્નિંગ 2.50 લાખ ક્યુસેક પર હોવાથી હાલમાં તંત્ર તરફથી કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી, પરંતુ કાંઠા વિસ્તારથી લોકોને દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details