ગુજરાત

gujarat

રાજકોટનો જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો, જૂનાગઢ જતી 40 એસટી બસો બંધ

By

Published : Jul 23, 2023, 12:12 PM IST

રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ ફરી છલકાયો છે. આ સીઝનમાં સારા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક અવિરત રહેતા ડેમ આજે ફરી છલકાયો છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ જવાના રસ્તા બંધ થઇ જતા 40 જેટલી એસટી બસોને હાલ પૂરતી બંધ કરવામાં આવી છે.

rajkots-jivadori-samana-aji-dam-overflows-40-st-buses-to-junagadh-stopped
rajkots-jivadori-samana-aji-dam-overflows-40-st-buses-to-junagadh-stopped

આજી ડેમ ઓવરફ્લો

રાજકોટ:ગઈકાલે જૂનાગઢમાં ભારે વરસાદ આવવાના કારણે શહેરમાં પાણી ઘૂસી ગયા હતા. વરસાદી પાણીના કારણે સામાન્ય જનજીવનને ખૂબ જ ગંભીર અસરો પડી હતી. એવામાં જૂનાગઢ જવા માટેના રસ્તા પણ હાલ બંધ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે રાજકોટ એસટી વિભાગે ETV BHARAT સાથે જ વાતચીતમાં જણાવ્યું હતું કે જૂનાગઢ તરફ જતી 40 જેટલી એસટી બસોને હાલ પૂરતી બંધ કરવામાં આવી છે.

રેલવે ટ્રેક પણ ધોવાયો: બીજી તરફ રેલવે ટ્રેક પણ ધોવાયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે જૂનાગઢ તરફ જતી ટ્રેનો પણ બંધ રાખવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. જ્યારે હવામાન વિભાગની આગાહીને પગલે હજુ પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં વરસાદની આગાહી છે જેને પગલે વહીવટી તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. એવામાં રાજકોટ જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડતો આજીડેમ 1 પણ ઓવર ફ્લો થયો છે.

ફાયર વિભાગ દ્વારા એક વૃદ્ધને બચાવાયા:રાજકોટમાં ગઈ કાલ મોડી રાતે જ શહેરના અલગ અલગ વિસ્તારમાં ધીમો અને મધ્યમ વરસાદ પડી રહ્યો છે. એવામાં રાજકોટની આજી નદીમાં વરસાદી પાણીનું ઘોડાપુર આવ્યું હતું. જેના કારણે એક વૃદ્ધ રામનાથ મહાદેવ મંદિર ખાતે ફસાયા હતા. જે અંગેની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનું તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું અને આ વૃદ્ધનું ફાયર વિભાગના કર્મચારીઓએ બચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. જેમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે ફાયર વિભાગની ટીમ દ્વારા વૃદ્ધને રામનાથ મહાદેવ મંદિર ખાતેથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. રાજકોટમાં ગઈકાલથી જ વરસાદ જોવા મળી રહ્યો છે જે પણ યથાવત છે જેના કારણે કોર્પોરેશન તંત્ર હાલરડું જોવા મળી રહ્યું છે.

આજી ડેમ-1 ઓવર ફલો:રાજકોટમાં ભારે વરસાદના કારણે રાજકોટના જીવા દોરી સમાન આજીડેમ 1 હાલ ઓવરફ્લો થયો છે. આજી ડેમની ઊંડાઈ 29 ફૂટ જેટલી છે. એવામાં ગઈકાલે રાજકોટ ભાવનગર હાઈવે પરના ગામોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે ગઈકાલે મોડી રાત્રે આજીડેમની સપાટી 25.70 પર જોવા મળી હતી. આજે આજીડેમ 1માં ત્રણ ફૂટ કરતાં વધારે નવા નીરની આવક થઈ હતી. જેના કારણે આજી ડેમ એક ઓવર ફ્લો થયો હતો. આજી ડેમ 1 ઓવર ફ્લો થતાં રાજકોટ વાસીઓને આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી છે.

નવા નીરની આવક:રાજકોટ જિલ્લાના 10 ડેમોમાં 24 કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં ભાદર ડેમમાં 1.44 ફૂટ, ફાડદંગબેટીમાં 1.31 ફુટ, કરમાળ ડેમમાં 0.98ફૂટ, મોતીસર, ઇશ્વરિયા અને ગોંડલી ડેમમાં 0.66 ફૂટ, ન્યારી-1 ડેમમાં 0.49 ફૂટ, માલગઢ અને ખોડાપીપર ડેમમાં 0.33 ફૂટ, ઘેલો સોમનાથ ડેમમાં 0.10 ફૂટનો સપાટીમાં વધારો થયો છે. બીજી તરફ રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં જોરદાર વરસાદ નોંધાયો છે. જે મુજબ છેલ્લા 24 કલાકમા કોટડા સાંગાણીમાં 69, જામકંડોરણામાં 59, લોધિકામા 57, જેતપુર 46 ધોરાજી 42, જસદણમા 30, ગોંડલમા 29, ઉપલેટા 23 વિછીયામાં 22, રાજકોટમા 20,પડધરીમા 13 મી.મી. વરસાદ સરેરાશ 37 મી.મી વરસાદ નોંધાયો છે, તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

  1. Yamuna River: ફરી યમુનાના નીરે ચિંતા વધારી, જોખમના નિશાનથી ઉપર
  2. Ahmedabad Rain: એક કલાકમાં આભ નીચોવાયું, નેશનલ હાઈવે પર ચક્કાજામ

ABOUT THE AUTHOR

...view details