ગુજરાત

gujarat

પાટણમાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે પ્રાંત અધિકારીને આવેદન અપાયું

By

Published : Sep 15, 2020, 1:12 AM IST

પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રખડતા પશુઓ ની સમસ્યા શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બની છે. તંત્ર દ્વારા આ પશુઓને ડબ્બે કરવાની નક્કર કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે સોમવારે સાંડેસરા પાર્ટી સેવા સહકારી મંડળીના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રખડતા પશુઓના ત્રાસમાંથી પાટણને મુક્ત કરાવવાની માગ કરી હતી.

patan  provincial officer
patan provincial officer

પાટણઃ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા નક્કર આયોજનના અભાવે રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેને કારણે રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. શહેરના માર્ગો પર બેસી રહેતા પશુઓ જ્યારે તોફાને ચડે છે, ત્યારે દોડધામ મચી જાય છે.

રખડતા ઢોરની સમસ્યા મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

રખડતાં પશુઓના કાયમી નિકાલ માટે સોમવારે સાંડેસરા પાર્ટી સેવા સહકારી મંડળીના આગેવાનોએ પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરેને આવેદન આપી જણાવ્યું હતું કે, પાટણમાં રખડતા પશુઓએ માઝા મૂકી છે, છેલ્લા એક વર્ષમાં રખડતા પશુઓના હડફેટમાં સરકારી વકીલ સહિત 4 વ્યક્તિઓના મોત થયા છે, તેમજ અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. જેમાં વયસ્કોની હાલત દયાનીય છે. કેટલાક વૃદ્ધો આજે પણ પથારીવશ બની દર્દથી કણસી રહ્યા છે. ત્યારે નગરપાલિકા તંત્ર ચાલુ કરાવી રખડતા પશુઓ વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માગ કરી હતી.

નગરપાલિકા કેમ્પસમાં ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી સાંડેસરા પાર્ટીના આગેવાનોએ આપી

રખડતા પશુઓની સમસ્યા મામલે પાટણ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે રખડતા પશુઓની સમસ્યા દૂર કરવા નગરપાલિકા વિરુદ્ધ કલમ 133 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પગલે નગરપાલિકાએ એફિડેવિટ રજૂ કરી આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું, પરંતુ હજૂ સુધી કોઈ નિકાલ નહીં કરવામાં આવતા ફરી ચીફ ઓફિસરને નોટિસ ફટકારવામાં આવી છે અને ખુલાસો માંગવામાં આવ્યો છે.

પાટણમાં વિકટ બનતો રખડતા ઢોરનો પ્રશ્ન

નગરપાલિકાના સત્તાધીશો દ્વારા 20મી સપ્ટેમ્બર સુધી રખડતા ઢોરની સમસ્યા બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો પાટણની પ્રજા તેમજ ખેડૂતોને સાથે રાખી નગરપાલિકા કેમ્પસમાં ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી સાંડેસરા પાર્ટીના આગેવાનોએ આપી છે.

આ પણ વાંચો - પાટનગરમાં રખડતાં ઢોર અને તૂટેલાં રસ્તાથી નાગરિકો ત્રાહિમામ બનતાં વસાહત મહાસંઘ મેદાનમાં આવ્યું

ABOUT THE AUTHOR

...view details