ગુજરાત

gujarat

Narmada Crime News: દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, MLAના પત્ની સહિત 3ની કરાઈ ધરપકડ

By ETV Bharat Gujarati Team

Published : Nov 3, 2023, 6:12 PM IST

Updated : Nov 3, 2023, 7:41 PM IST

દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓના નિવેદનને આધારે નોંધાઈ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. પોલીસે ધારાસભ્યના પત્ની સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે.

દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ
દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

MLAના પત્ની સહિત 3ની કરાઈ ધરપકડ

નર્મદાઃ જિલ્લાના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ સંદર્ભે કાર્યવાહી પણ હાથ ધરી છે. જેમાં પોલીસે ધારાસભ્યના પત્ની, ધારાસભ્યના પીએ અને એક ખેડૂતની ધરપકડ કરી લીધી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓનએ પોલીસમાં નિવેદન પણ આપ્યા છે જેના આધારે પોલીસે ફરિયાદ નોંધીને કામગીરી શરુ કરી હતી.

સમગ્ર ઘટનાક્રમઃ થોડા દિવસ અગાઉ દેડીયાપાડાના ફુલસર રેન્જમાં કોલિવાડા ગામે રક્ષિત જંગલમાં કેટલાક ખેડૂતોએ ખેતી કરી હતી. તેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ખેડૂતોને ગેરકાયદેસર ખેડાણ ન કરવા સમજાવ્યા હતા. આ બનાવની જાણ ધારાસભ્ય ચૈતર વસાવાને થતા તેમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા હતા. ધારાસભ્યના નિવાસ સ્થાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને ધમકાવવામાં આવ્યા, માર મારવામાં આવ્યો હતો. ધારાસભ્યએ પોતાના હથિયારથી હવામાં ફાયરિંગ કર્યુ હતું. ધારાસભ્યએ ખેડૂતોને ન રોકવાની ધમકી આપી હતી. તેમજ ખેડૂતોને રોકડ રકમ ચૂકવવા ફરમાન કર્યુ હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ આ મુદ્દે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નિવેદન કર્યા હતા. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ કાર્યવાહીઃ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં આ મામલે ધારાસભ્ય સહિત કુલ 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે અનુસાર પોલીસે કાર્યવાહી હાથ ધરીને 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં ધારાસભ્યના પીએ જીતેન્દ્ર વસાવા, ધારાસભ્યના પત્ની અને જિલ્લા પંચાયતના સભ્ય શકુંતલાબેન તેમજ એક ખેડૂત રમેશ વસાવાનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.

ભાજપે ઘટનાને વખોડી કાઢીઃ નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી. જંગલની જમીનનો ગેરકાયદેસર કબજો લોકો કરે તેને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અટકાવે તે સ્વાભાવિક છે. તેમણે ધારાસભ્ય દ્વારા કરાયેલ વર્તનને નીંદનીય ગણાવ્યું હતું. પ્રજાએ પણ ગેરકાયદેસર અને નીંદનીય કૃત્ય કરતા રાજનેતાને સપોર્ટ ન કરવો જોઈએ.

આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે. ધારાસભ્ય તરીકે ચૈતરભાઈને આ નીંદનીય કૃત્ય શોભતું નથી. તેમણે પોલીસ સ્ટેશનમાં હાજર થઈને પોલીસને સહકાર આપવો જોઈએ...ઘનશ્યામ પટેલ(જિલ્લા પ્રમુખ ભાજપ, નર્મદા)

અમે આ સમગ્ર મામલે 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જેમાંથી પોલીસે કુલ 3 આરોપીની ધરપકડ કરી લીધી છે. જેમાં ધારાસભ્યના પીએ જીતેન્દ્ર વસાવા, ધારાસભ્યના પત્ની અને જિલ્લા પંચાયતના સભ્ય શકુંતલાબેન તેમજ એક ખેડૂત રમેશ વસાવાનો સમાવેશ થાય છે. પોલીસ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ધારાસભ્ય ચૈતર વસાવાની શોધખોળ કરી રહી છે...પ્રશાંત સુંબે(જિલ્લા પોલીસ વડા, નર્મદા)

  1. Gandhinagar News : આદિવાસી વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય ? વિદ્યાર્થીઓ 15 મહિનાથી સ્કોલરશીપથી વંચિત
  2. Gujarat politics: જ્ઞાન સહાયક ભરતી મામલે 'આપ' આક્રમક, ચૈતર વસાવાએ કહ્યું, આગામી દિવસોમાં ભાજપ MP-MLAનો કરીશું ઘેરાવ
Last Updated : Nov 3, 2023, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details