ગુજરાત

gujarat

Fit India Freedom Run 4.0 : એરફોર્સ સ્ટેશન ભુજ ખાતે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 4.0નું આયોજન, માધાપરની વીરાંગનાઓનું સન્માન કરાયું

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2023, 5:52 PM IST

કચ્છના ભુજમાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 4.0 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભુજ એરફોર્સ સ્ટેશન અને પોલીસકર્મીઓ સહિત 1500 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ઉપરાંત આ કાર્યક્રમમાં દેશસેવામાં સહયોગ આપનાર માધાપરની વીરાંગનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Fit India Freedom Run 4.0
Fit India Freedom Run 4.0

કચ્છ :એરફોર્સ સ્ટેશન ભુજ અને જિલ્લા વહીવટી તંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતની થીમ અંતર્ગત ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 4.0 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુદ્ધમાં પોતાના અદમ્ય સાહસથી દેશસેવામાં સહયોગ આપનાર માધાપરની વીરાંગનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન : માધાપરની વીરાંગનાઓએ એરફોર્સ સ્ટેશન ભુજથી ફ્રીડમ રનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. એરફોર્સ સ્ટેશન ભુજથી રક્ષકવન સુધી 7 કિલોમીટર લાંબો ફ્રીડમ રન યોજાયો હતો. જેમાં એરફોર્સ સ્ટેશન ભુજ અને પોલીસ વિભાગના કુલ 1500 થી વધારે કર્મચારીઓ જોડાયા હતા.

માધાપરની વીરાંગનાઓની કથા : આ ઉપરાંત એરફોર્સ સ્ટેશન ભુજના રન-વે ખાતે વીરાંગનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે માધાપરની વીરાંગનાઓએ ઈતિહાસની એ ઘટનાને યાદ કરી હતી. એરફોર્સ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વીરાંગનાઓએ પોતાના જીવનમાં દેશસેવાની તક મળી તે યાદોને તાજી કરી હતી. યુદ્ધની કટોકટીના સમયે કચ્છના માધાપરની વીરાંગનાઓએ અદમ્ય સાહસ દાખવીને રાતોરાત એરફોર્સના ક્ષતિગ્રસ્ત થયેલા રન-વે રિપેર કરવામાં મદદ કરી હતી. આ રન-વે રિપેર થઈ જવાથી ભારતીય વાયુસેનાના ફાઈટર વિમાનો દુશ્મનો ઉપર કાળ બનીને ત્રાટકી શક્યા હતા.

એરફોર્સ સ્ટેશન ભુજ ખાતે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 4.0નું આયોજન

વીરાંગનાઓનું સન્માન : એરફોર્સના ઉચ્ચ અધિકારીઓએ ફ્રીડમ રનમાં ભાગ લઈને સૌ કર્મચારીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઉપરાંત માધાપરની વીરાંગનાઓનું રક્ષકવન ભુજ ખાતે નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ હરેશ મકવાણા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. હરેશ મકવાણાએ વીરાંગનાઓના અદમ્ય સાહસને બિરદાવતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે આ રક્ષકવન માધાપરની વીરાંગનાઓના અદમ્ય સાહસ અને વીરતાને સમર્પિત કર્યું છે.

7 કિમી લાંબી દોડ : એરફોર્સ સ્ટેશન ભુજ અને પોલીસ વિભાગના 1500થી વધારે કર્મચારીઓ ફ્રિડમ રનમાં સહભાગી થયા હતા. આ ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન કાર્યક્રમમાં એરફોર્સ સ્ટેશન ભુજના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર કે. જે. સિંઘ, એર ફોર્સ વાઇસ વેલફેર એસોસિએશનના પ્રેસિડેન્ટ અમરજીત કૌર, અગ્રણી અરજણભાઈ ભુડિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાહુલ દેસાઈ સહિત માધાપરની વીરાંગનાઓ, પોલીસ અધિકારીઓ અને એરફોર્સ સ્ટેશન ભુજના તમામ કર્મચારીઓ જોડાયા હતા.

  1. Vibrant Gujarat Vibrant Kutch : 139 એમએસએમઈ એકમો સાથે 3370 કરોડના એમઓયુ સાઈન, વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ કચ્છ સમિટ શરુ
  2. Biodegradable : કચ્છ યુનિવર્સિટીના યુવા સંશોધકો દ્વારા ઓઇલ પ્રૂફ હર્બલ બાયોડીગ્રેડેબલ કોટીંગ મટીરીયલ વિકસાવાયું, પેટન્ટ ફાઈલ કરાશે

ABOUT THE AUTHOR

...view details