ગુજરાત

gujarat

Kutchh Crime: અબડાસાના MLA પુત્ર સામે ખનીજ ચોરીની ફરીયાદ કરનાર પર હુમલો, 4 દિવસ બાદ નોંધાઈ ફરિયાદ

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2023, 6:40 AM IST

અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ સામે ફરી એક વાર ખનીજ ચોરીના આક્ષેપો સાથેનો પત્ર વસંત લાલજી ખેતાણી દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મોકલવામાં આવ્યો હતો. જે ફરિયાદ બાદ સામાજિક આગેવાન વસંત ખેતાણી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં અંતે 4 દિવસ બાદ નખત્રાણા પોલીસ મથકે અર્જુનસિંહ નામધારી વ્યક્તિના બે અજાણ્યા બુકાનીધારી સામે ફરીયાદ નોંધવામાં આવી છે.

સામાજિક આગેવાન વસંત ખેતાણી પર જીવલેણ હુમલો
સામાજિક આગેવાન વસંત ખેતાણી પર જીવલેણ હુમલો

કચ્છ:અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહની કોટડા જડોદર ખાતે બ્લેક ટ્રેપની લીઝ છે, પરંતુ લીઝ બહારથી માલ ઉપાડી લાખો ટનની ચોરી કરી સરકારી તિજોરીને કરોડોનું નુકશાન કર્યાનો આક્ષેપ કરી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત સામાજિક આગેવાને કરી હતી. રજૂઆત કરનારા વસંત ખેતાણીએ મુખ્યપ્રધાનને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય પોતાની છબી સાદી અને સરળ બતાવે છે, જ્યારે તેમના પુત્ર સત્તાના જોરે બેફામ ખનિજ ચોરી કરી રહ્યો છે, કોઈ જાગૃત નાગરિક તેમની વિરૂદ્ધ અવાજ ઉઠાવે છે તો સત્તાના જારે સામ દામ અને દંડથી દબાવી નાખે છે.

વસંત લાલજી ખેતાણીએ CMને લખ્યો પત્ર

ધારાસભ્યના પુત્ર પર અનેક આક્ષેપો:અર્જુનસિંહના નામે મોજે નખત્રાણાના કોટડા જડોદર ગામે બ્લેકટ્રેપની લીઝ છે, જે લીઝ વિસ્તારથી બહારથી લાખો ટન ખનિજની કોઈપણ જાતની રોક ટોક વગર ચોરી કરી રહેલ છે, જો માપણી સીટ મુજબ લીઝની તપાસ કરવામાં આવે તો સાચું તથ્ય બહાર આવે તેમ છે.આ ઉપરાંત લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ અર્જુનસિંહ પોતાની ગાડીઓ ફુલ અવરલોડ રોયલ્ટી કરતા વધારે માલ ભરીને જાય છે, ગાડીઓ પર પારા બનાવીને માલ ભરે છે જેથી અકસ્માત થવાની દહેશત છે.તો ગાડીઓમાં મેટલ ભરે છે જે રોડ પર પડતી જાય છે જે અવરલોડના કારણે ડામર રોડમાં પણ નુકશાન થઈ રહ્યું છે.

સરકારી તિજોરીને નુકસાન:સામાજિક આગેવાન દ્વારા કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવાયુ છે કે, અબડાસા ધારાસભ્યના પુત્ર અર્જુનસિંહ તેમજ તેમના સાગરીતો સમગ્ર પશ્ચિમ કચ્છ નખત્રાણા,લખપત અબડાસા તાલુકાને બાનમાં લઈ અનેક ખનિજ ચોરીની ગેર પ્રવૃતિઓ કરી રહેલ છે, જેમાં બેન્ટોનાઈટ, બોકસાઈડ, રેતી, પથ્થર વિગેરે જેવા ખનિજની ચોરી પોતાની ગાડીઓમાં રાત્રીના સમયે કાયદો હાથમાં લઈ હેરા ફેરી કરી રહ્યા છે. સાગરીતો દ્વારા મંડળી રચી આધુનિક મશીનો દ્રારા બેફામ ખનિજ ચોરી કરી રીતસ૨નું કૌંભાડ ચલાવવામાં આવી રહ્યું છે અને સ૨કા૨ને લાખો રૂપીયાનું નુકસાન પહોંચડતા હોવાની વાત પત્રમાં કરવામાં આવી છે.

સામાજિક આગેવાન વસંત ખેતાણી પર જીવલેણ હુમલો

અરજી કર્યા બાદ થયો હતો હુમલો: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને તેમાં ધારાસભ્યના પુત્ર વિરૂદ્ધ અનેકવિધ આક્ષેપો કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ વસંત ખેતાણીએ કરી હતી.તો આ રજૂઆત સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી અને થોડા સમય બાદ એક સી.સી.ટી.વી સામે આવ્યો હતો જેમાં વસંત ખેતાણીની ઓફીસમાં બે અજાણ્યા બુકાનીધારી આવે છે અને સામાજિક આગેવાનને લાકડી-ધોકા વડે માર મારે છે. વસંત ખેતાણી હાલ સારવાર હેઠળ છે અને સોસિયલ મીડિયામાં આ હુમલો તેમની અરજી બાદ અર્જુનસિંહ દ્વારા કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

અગાઉ પણ નોંધાઈ છે ફરિયાદો: ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ અર્જુનસિંહ સામે આ પ્રકારની ફરિયાદો ઉઠી હતી, જેની ખાણ ખનીજ ખાતા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને કોઈ ગેરરીતી જણાઇ ન હતી,પરંતુ અન્ય નાની મોટી ક્ષતિઓ જોવા મળતા તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.જે તે સમયે સોશિયલ મીડિયાના માધ્યમ મારફતે કેટલાક લોકો બદનામ કરતા હોવાની પોલીસ ફરિયાદ પણ અર્જુનસિંહ જાડેજા દ્વારા નોંધવવામાં આવી હતી.

પ્રદ્યુમનસિંહ જાડેજાની પ્રતિક્રિયા: આ મામલે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ખનીજ ચોરી અને હુમલામાં તેમના પુત્રની સંડોવણી હોય તો તેની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. ગેરકાયેદસર પ્રવૃતિ અંગે જે ફરીયાદો થઈ રહી છે તેમાં પણ એજન્સી તપાસ કરે તેમાં તેમના તરફથી પૂરતો સહકાર મળશે તેવુ જણાવ્યું હતું.

4 દિવસે પોલીસ ફરિયાદ નોંધાઇ:સામાજિક આગેવાન પર થયેલા હુમલાના કેસમાં અંતે 4 દિવસે નખત્રાણા પોલીસ મથકે અર્જુનસિંહ નામધારી વ્યક્તિના બે અજાણ્યા બુકાનીધારી સામે ફરીયાદ નોંધવામાં આવી છે. ઘટનાના 4 દિવસ બાદ ગઇકાલે વસંત ખેતાણીએ તેને જીવનું જોખમ હોવાની અરજી પણ કરી હતી. સમગ્ર મામલે નખત્રાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે હવે અજાણ્યા શખ્સો પકડાયા બાદ વધુ માહિતી બહાર આવશે.

  1. અબડાસા વિધાનસભા: નેતાએ આપ્યો ગ્રાન્ટનો હિસાબ, કરોડો અહીં વાપર્યા
  2. યુવકને માર મારવાના કિસ્સામાં PSI સહિત 7 પોલીસ કર્મીઓ વિરૂદ્ધ ગુનો દાખલ

ABOUT THE AUTHOR

...view details