ગુજરાત

gujarat

અહીંના લોકો દેવ દિવાળીથી લઈને હોળી સુધી મનાવે છે તહેવાર, આદીવાસી સમાજની અનોખી પરંપરા

By ETV Bharat Gujarati Team

Published : Nov 27, 2023, 9:00 AM IST

છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓ સમુદાયની દિવાળી, દેવ-દિવાળીથી શરૂ થાય છે અને છેક હોળી સુધી ચાલે છે. જુદા-જુદા ગામની અનુકૂળતા મુજબ જુદા-જુદા દિવસે બે મહિના સુધી આ ઉજવણીના ભાગ રૂપે પ્રકૃતિની પૂજા સાથે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અકબંધ છે.

Etv Bharat
Etv Bharat

આદીવાસી સમાજની અનોખી પરંપરા

છોટાઉદેપુર: ભારત દેશમાં હિન્દુ કેલેન્ડર મુજબ દિવાળીનો તહેવાર આસો વદની વાઘ બારસ, થી લઈને ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી ,નવું વર્ષ, અને ભાઈબીજ સુધીના તહેવારને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, પરંતુ આદિવાસી બાહુલ્ય ધરાવતાં છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓની દિવાળી, દેવ દિવાળી થી શરૂ થાય છે અને છેક હોળી સુધી આ ઉજવણી ચાલે છે. જુદા-જુદા ગામની અનુકૂળતા મુજબ જુદા-જુદા દિવસે બે મહિના સુધી આ ઉજવણીના ભાગ રૂપે પ્રકૃતિની પૂજા સાથે દિવાળીનો તહેવાર ઉજવી પ્રકૃતિનો આભાર પ્રગટ કરવામાં આવે છે, સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અકબંધ છે.

આદીવાસી સમાજની અનોખી પરંપરા

દિવાળીની પંરપરા: આદિવાસી સમાજના દરેક તહેવારો ઋતુચક્ર સાથે જોડાયેલા છે, ત્યારે આદિવાસી સમુદાય માટે દિવાળીના તહેવાર પણ એક ફસલી તહેવાર છે, ચોમાસાની ઋતુ દરમિયાન વાવણી કરેલ ધાન્ય પાકોની લણણી થઈ ગયાં બાદ નવું ધાન ઘરમાં આવે અને તે બાદ ગામના પટેલ, પુંજારો, અને ગામના આગેવાનો ભેગા મળી દિવાળીના તહેવારનો દિવસ નક્કી કરી દાંડી પીટીને દિવાળીના તહેવારની તારીખ અંગે ગામલોકોને જાણ કરવામાં આવે છે. ત્યાર બાદ દિવાળીના તહેવારની હાટ બજારમાંથી ખરીદી કરવામા આવે છે, દિવાળીની ઉજવણીના પહેલા દિવસે ગામની સીમમાં બિરાજમાન દેવી-દેવતાઓની મહુડાના અર્ક દ્વારા પૂજા વિધી કરી, દિવાળીના તહેવારનું આમંત્રણ પાઠવવામાં આવે છે. દિવાળીના દિવસે સાંજે ગામના પુંજરા દ્વારા દેવના ડોળા (આંખો ખોલવાની વિધી યોજવામાં આવે છે, ત્યારબાદ નવા ધાન માંથી અડદ ના ઢેબરાં અને નવા ચોખા માંથી બનાવવામાં આવેલ તાયા અને મહુડા ના અર્ક થી ગામના દેવો અને પોતાના પૂર્વજો ની પૂંજા વિધી બાદ નવા ધાનમાંથી બનાવવામાં આવેલ વાનગીઓ આરોગવાની પરંપરા આજના આધુનિક યુગમાં માં જોવા મળી રહી છે,

આદીવાસી સમાજની અનોખી પરંપરા

શું છે માન્યતા:છોટાઉદેપુર જિલ્લાના દરેક ગામમાં ગામની અનુકૂળતા મુજબ દિવાળીના તહેવારનો દિવસ નક્કી કરવામાં આવતો હોય છે, ખેતીના નવા ધાન્ય પાકો સારા પાક્યા તે બદલ પ્રકૃતિનો આભાર પ્રગટ કરવાની માન્યતા અનુસાર નવા અડદની દાળના ઢેબરાં અને નવા ચોખા ના લોટના તાયા બનાવી ગામના દેવો અને પૂર્વજોને મહુડાના દારૂ સાથે પૂજવાની માન્યતા મુજબ ગામમાં સુખાકારી જળવાઇ રહે તે માટે, દેવનાં ડોળા એટલે કે દેવની આંખો ખોલવાની વિધિ યોજવામાં આવે છે. જ્યારે દિવાળીની રાત્રે આખું ગામ ચોખ્ખું કરવા એક મોટા લાકડામાં જૂના હાડલાં, જૂના સૂપડાં, જૂની સાવરણીનો ઉતારો કાઢી ગામની સીમની બહાર મૂકી આવતાં હોય છે.

''આદિવાસીઓ દિવાળીના તહેવારને પ્રકૃતિનો આભાર પ્રગટ કરવાની માન્યતા સાથે ઉજવે છે. આદિવાસી પંથકમાં દેવ-દિવાળીથી દિવાળીનો તહેવાર શરુ થાય છે, અને તે છેક હોળી સુધી અલગ-અલગ ગામમાં અલગ-અલગ દિવસે ઉજવવામાં આવે છે. જેમાં ગામના લોકો નવા ધાન્યની વાનગીઓ દેવોને અને પોતાના પૂર્વજોને ધરાવી સૌના કલ્યાણ અર્થે પ્રકૃતિનો આભાર પ્રગટ કરતાં હોય છે''. - અર્જુન રાઠવા, સમાજીક કાર્યકર્તા, મોટી સાઢલી ગામ

અમારા વિસ્તારના ગામના પંચ દ્વારા દિવાળીનો દિવસ નક્કી કરવામાં આવે છે, અને આ અમારી દિવાળી ખેતી સાથે જોડાયેલો તહેવાર હોય જેથી અમે મહિલાઓ દિવાળી પહેલાં ઘરમાં છાણ થી લીપણ કરીએ છીએ. ખાસ કરી અમારા વિસ્તારમાં અડદ એ મુખ્ય પાક છે, નવા અડદની દાળના ઢેબરાં અને નવી ડાંગરનાં ચોખા માંથી તાયા બનાવીએ છીએ, જે નવા ધાનની વાનગી અને મહુડાના અર્કથી ધરતીની અને પૂર્વજોની પૂજા વિધી કરી ગામના પુજારી દ્વારા દેવ ના ડોળા ઉઘાડવાની વિધી બાદ ત્રણ દિવસ સુધીમાં પ્રત્યેક ઘરે ૨૦ કિલો જેટલી અડદની દાળના ઢેબરાં બનાવી મહેમાનો સાથે આનંદ ઉલ્લાસ સાથે દિવાળી ઉજવાઈ છે.

- સોનલબેન રાઠવા, મહિલા કાર્યકર્તા

આદિવાસીઓ આજના આધુનિક યુગમાં પણ પોતાની સંસ્કૃતિને ભૂલ્યાં નથી અને વર્ષોથી ચાલી આવતી આદીવાસી પરંપરા મુજબની દિવાળીના તહેવારને સાંસ્કૃતિક તહેવાર તરીકે ઉજવી રહ્યાં છે. હાલમાં તો અમે રોજગારી અર્થે અમારા ગામની બહાર રહીએ છીએ, પણ જ્યારે અમારા ગામમાં દિવાળી હોય ત્યારે અમે અમારા મૂળ ગામમાં આવી અમારી સંસ્કૃતિ મુજબ દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ. - અર્ચના રાઠવા, વારલી ચિત્રકલામાં એવોર્ડ વિજેતા

  1. Finger Millet Cultivation: છોટાઉદેપુરમાં થશે હવે નાગલીના પાકનું વાવેતર, જેતપુર પાવીના ખેડૂતનો સફળ પ્રયોગ
  2. Navratri 2023: છોટાઉદેપુરમાં યુવક-યુવતીઓ આદિવાસી વસ્ત્રોમાં સજ્જ બની રમે છે ગરબા

ABOUT THE AUTHOR

...view details