ગુજરાત

gujarat

ISKCON Bridge Accident: પ્રગ્નેશ પટેલની જામીન અરજી પર દલીલો પૂર્ણ, 9 ઓગસ્ટ કોર્ટ ચૂકાદો આપશે

By

Published : Aug 5, 2023, 8:58 PM IST

Updated : Aug 5, 2023, 9:06 PM IST

આજે સવારથી સાંજ સુધી પ્રગ્નેશ પટેલના જામીન અરજી ઉપર સુનાવણી ચાલી હતી. જેમાં બંને પક્ષોની દલીલ પૂર્ણ થતા 9 ઓગસ્ટના રોજ પ્રગ્નેશ પટેલની જામીન અરજી ઉપર ચુકાદો આવશે. ઉલ્લેખનિય છે કે, ચાર્જશીટમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પર લોકોને ધમકી આપવી, ગાળો બોલવી, આરોપી પુત્રને ભગાડી જવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

Pragnesh Patel Bail
Pragnesh Patel Bail

9 ઓગસ્ટ કોર્ટ ચુકાદો આપશે

અમદાવાદ:ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનાં મોત થયાં હતાં. જેમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. બાદમાં પ્રજ્ઞેશ પટેલે વકીલ મારફત અમદાવાદ જિલ્લા કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આજે જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આરોપીના વકીલની દલીલ: પ્રગ્નેશ પટેલના એડવોકેટ જલ ઉનવાલાએ દલીલ કરતાં જણાવ્યું હતું કે, પ્રગ્નેશ પટેલ પોતાના ઘાયલ પુત્રને સિમ્સ હોસ્પિટલ લઈ ગયા હતા. આ કોઈ હિટ એન્ડ રનનો કેસ નથી. પિતા પણ સિમ્સ હોસ્પિટલમાં જ હતા. ત્યાં જે પણ લોકો હતા તેમને જાનથી મારી નાખવાની ધમકી પ્રગ્નેશ પટેલને આપી જ નથી. જો કોઈ પણ દીકરાને મારતા હોય તો પિતા તેને છોડાવે એ સ્વાભાવિક છે. એક પિતાએ પોતાના પુત્ર પ્રત્યેની ફરજ નિભાવી છે. ત્યારના સંજોગોને ધ્યાનમાં રાખતા પ્રજ્ઞેશ પટેલ ગુસ્સે જરૂર થઈ ગયા હતા, પરંતુ એ કોઈ પ્રકારનો ગુનો નથી.

સરકારી વકીલની દલીલ:આ બાબતે સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ દલીલ કરતાં જણાવ્યું હતું કે, તથ્યને લોકો માર મારતા હતા અને તેને પિતાને જાણ કરી હતી તેવી કોઈ વાત છે જ નહીં. ફક્ત ડિફેન્સ ઉભો કરવા માટે આ કહેવામાં આવ્યું છે. પ્રગ્નેશ પટેલ લોકો સાથે ઝગડ્યા, ગાળો બોલ્યા, ધમકી આપી હતી તેવું સાહેદોએ નિવેદન પણ આપ્યું છે. એટલું જ નહીં પ્રજ્ઞેશ પટેલે પત્નીને રિવોલ્વર કાઢવા પણ કહ્યું હતું.

દીકરાને લઈ જવા માટે પ્રજ્ઞેશ પટેલે ધમકી આપી જ હતી. ધમકી એ ધમકી જ હોય છે. તે ગંભીર કે ઓછી ગણાવી શકાય નહીં. આ કેસમાં તાત્કાલિક ચાર્જશીટ ફાઇલ કરવાનું માત્ર એટલું જ કારણ છે કે, સાક્ષીઓને ફોડી શકાય કે ધમકી આપી શકાય નહીં. કારણ કે, પિતા અને પુત્ર બંને જેલમાં છે. 164 મુજબ પણ નિવેદનો લેવાઈ ગયા છે.-- પ્રવિણ ત્રિવેદી (સરકારી વકીલ)

આરોપીએ પોલીસને ફોન કર્યો ? જલ ઉનવાલાએ વધુમાં દલીલ કરતાં જણાવ્યું હતું કે, ચાર્જશીટમાં પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પ્રગ્નેશ પટેલે પોલીસને 100 નંબર ઉપર ડાયલ કર્યો હતો. માટે આ વાત પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ. જલ ઉનવાલાએ જણાવ્યું હતું કે, રાત્રે 1:45 કલાકે તથ્યને સીમ્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. એટલે પ્રગ્નેશ પટેલે તથ્યને ભગાડ્યો હતો નહીં પરંતુ હોસ્પિટલ લઈ ગયો હતો. સાક્ષીના નિવેદન ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે લોકો તથ્યને મારતા હતા.

પ્રજ્ઞેશ પટેલ સામે ગુના કેટલા ? સરકારી વકીલ જણાવ્યું હતું કે પ્રજ્ઞેશ પટેલ સામે કુલ 10 જેટલા ગુના રાખવામાં આવ્યા હતા. એમાંથી એક ગુનો તો પાસાનો છે. જેમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં 2019 માં ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ચાર્જશીટમાં કુલ 11 લોકોએ પ્રજ્ઞેશ પટેલનો ઉલ્લેખ કર્યો છે. ચાર્જશીટમાં પ્રજ્ઞેશ પટેલ લોકોને ધમકી આપવી, ગાળો બોલવી, આરોપી પુત્રને ભગાડી જવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

પ્રજ્ઞેશ પટેલનો ગુનાહિત ઇતિહાસ:સરકારી વકીલે એ પણ કોર્ટ સમક્ષ મૂક્યું હતું કે, પ્રગ્નેશ પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં સોલા પોલીસ મથકે જામીન બાબતે એક વ્યક્તિને ધમકી આપી હથિયાર બતાવ્યું હતું. સોલામાં બીજા કેસમાં પણ જમીન બાબતે ધ્યાનથી મારી નાખવાની ધમકીનો ગુનો, સરખેજ પોલીસ મથકે ધમકી આપવાનો ગુનો જમીનને લગતો ગુનો ડીસીબીમાં પણ 507 કલમ અંતર્ગત ગુનો મહિલા પોલીસ મથકનો ગુનો મહેસાણા પોલીસ મથકે જાનથી મારી નાખવાનો ગુનો અને રાણીપ પોલીસ મથકે પ્રિઝનર એકટ ગુનાનો સમાવેશ થાય છે.

  1. Iskcon Bridge Accident: પ્રગ્નેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી ટળી, 6 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે
  2. Iskcon Bridge Accident: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં અંતે આરોપી તથ્ય પટેલ સામે ચાર્જશીટ ફાઈલ થઈ, જાણો સમગ્ર ઘટનાક્રમ
Last Updated : Aug 5, 2023, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details