ગુજરાત

gujarat

અમેરિકામાં લોકતાંત્રિક પ્રણાલી ઘા રુઝાવીને આગળ વધી

By

Published : Jan 31, 2021, 4:27 PM IST

અમેરિકામાં સત્તા પરિવર્તન થયું પણ બહુ અનોખા સંજોગો અને ઘટનાઓ વચ્ચે. ડોનાલ્ડ ટ્રમ્પે નવા પ્રમુખની શપથવિધિમાં હાજરી આપવાનો વિવેક દાખવ્યા વિના વૉશિંગ્ટનમાંથી વિદાય લીધી. વિદાય લેતી વખતે તેમણે સંદેશ આપ્યો તે પણ વક્રતાભર્યો હતો, “અહીં જે કામ કરવા આવ્યો હતો તે આપણે કર્યું છે.”

અમેરિકામાં લોકતાંત્રિક પ્રણાલી ઘા રુઝાવીને આગળ વધી
અમેરિકામાં લોકતાંત્રિક પ્રણાલી ઘા રુઝાવીને આગળ વધી



અમેરિકામાં સત્તા પરિવર્તન થયું પણ બહુ અનોખા સંજોગો અને ઘટનાઓ વચ્ચે. ડોનાલ્ડ ટ્રમ્પે નવા પ્રમુખની શપથવિધિમાં હાજરી આપવાનો વિવેક દાખવ્યા વિના વૉશિંગ્ટનમાંથી વિદાય લીધી. વિદાય લેતી વખતે તેમણે સંદેશ આપ્યો તે પણ વક્રતાભર્યો હતો, “અહીં જે કામ કરવા આવ્યો હતો તે આપણે કર્યું છે.”

આ બધા વચ્ચે સૌથી મોટી ઉંમરના પ્રમુખ તરીકે જૉ બાઇડને સત્તા સંભાળી. ટ્રમ્પે ચૂંટણીમાં ગરબડના કોઈના ગળે ના ઉતરે તેવા દાવા પછી આખરે સત્તા પરિવર્તન થયું. સત્તા સંભાળ્યા પછી બાઇડને સૌને સાથે રાખીને અમેરિકાની લોકશાહી આત્માને સુરક્ષિત રાખવાની ખાતરી ઉચ્ચારી છે. સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંતોના આધારે ઊભા થયેલા લોકંત્રને તંદુરસ્ત રાખવાની એષણા તેમણે વ્યક્ત કરી. તેમણે એ વાતની પણ યાદ કરી કે મહિલાઓને મતદાનના અધિકાર માટે આ જ સંસદ ભવનના સામેના વિસ્તારમાં આંદોલનકારીઓએ દેખાવો કર્યા હતા. તે જગ્યાએ આજે ઉપપ્રમુખ તરીકે એક મહિલા આખરે જીતી શક્યા છે. તેઓ આફ્રિકન અને ભારતીય મૂળના માતાપિતાની દીકરી તરીકે સંઘર્ષ કરીને આટલી ઊંચાઈએ પહોંચી શક્યા તે પણ આ સમુદાય માટે અને અમેરિકાની સૌને સમાન તકના સિદ્ધાંતમાં માનનારા લોકો માટે ગૌરવની વાત છે.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટ એવા નારા સાથે અમેરિકાની ચૂંટણી જીતી હતી. પરંતુ ચાર વર્ષના શાસન દરમિયાન તેમણે અનેક વિવાદો જગાવ્યા અને દેશને મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધો. ઇતિહાસકારો કહી રહ્યા છે કે બાઇડને અબ્રાહમ લિંકન સામે હતા તેવા પડકારોનો સામનો કરવાનો છે. લિંકન સત્તા પર આવ્યા ત્યારે 1861ના ગૃહ યુદ્ધ પછીની કપરી સ્થિતિમાંથી અમેરિકા પસાર થઈ રહ્યું છે. એ જ રીતે 1933માં અમેરિકામાં મહામંદી આવી હતી અને તે પછીની સ્થિતિમાં ફ્રેન્કલિન ડી. રુઝવેલ્ટ સત્તા પર આવ્યા તેમની સામે પણ સમસ્યાઓનો પાર નહોતો.

ટ્રમ્પે બહુ ગૌરવ સાથે એવું કહ્યું હતું કે કેટલાય દાયકા પછી પોતે એવા પ્રમુખ સાબિત થયા છે, જેમણે કોઈ નવું યુદ્ધ શરૂ ના કર્યું હોય. જોકે તેમણે એવી ઉશ્કેરણી કરી કે વૉશિંગ્ટનમાં સંસદભવન પર કેપિટલ હિલ પર હિંસક ટોળાંએ હુમલો કર્યો. ટ્રમ્પિઝમ તરીકે જાણીતી થયેલી આ ઉશ્કેરણી અને ઘૃણાની ભાવનાના પડઘા હજીય પડી રહ્યા છે. ટ્રમ્પને હાર્યા છતાં 7.4 કરોડ મતો મળ્યા હતા, કેમ કે તેમણે ઉગ્ર પ્રકારની જમણેરી છાપ ઊભી કરી હતી. અમેરિકાના કોઈ પ્રમુખ આટલી હદે જૂઠું બોલ્યા હોય તેવું જોવા મળ્યું નથી. બંધારણીય સંસ્થાઓને આટલી હદે કોઈ પ્રમુખે ખરડી નહોતી.

ડોનાલ્ડ ટ્રમ્પે એવો વાયદો કર્યો હતો કે 8 વર્ષમાં તેઓ અમેરિકાને દેવાં મુક્ત કરી દેશે. તેના બદલે ચાર જ વર્ષમાં તેમણે 8.3 લાખ કરોડ ડૉલરનું દેવું કરી નાખ્યું. આખલાએ આખા ઘરમાં તોડફોડ કરી નાખી હોય તે ઘરની સાફસફાઈ કરવાની સૌથી અઘરી કામગીરી બાઇડને કરવાની આવી છે. અર્થતંત્રને બેઠું કરવા ઉપરાંત તેમણે અમેરિકાના સમાજમાં ઊભા થયેલા વિભાજનને, ભેદભાવના રાજકારણને દૂર કરવાનું છે.

અમેરિકામાં કોરોના મહામારી આગની જેમ ફેલાઇ અને અત્યાર સુધીમાં 4 લાખથી વધારે લોકોનો ભોગ લેવાઈ ગયો છે. ટ્રમ્પે રોગચાળાની બાબતમાં તદ્દન બેદરકારી દાખવી અને અભણ માણસ જેવું વર્તન દાખવ્યું હતું. બીજા વિશ્વ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકો કરતાંય વધારે નાગરિકોનો ભોગ કોવીડ-19માં લેવાઈ ગયો. બેફામ વર્તન કરનારા ટ્રમ્પ પોતે પણ કોરોના ચેપનો ભોગ બન્યા હતા, આમ છતાં તેમણે બેજવાબદારી રીતે વર્તન કરવાનું ચાલુ રાખ્યું.

જૉ બાઇડને જાહેરાત કરી છે કે તેમની સરકાર 100 દિવસોમાં જ 10 કરોડ અમેરિકનોને વેક્સિમ મળી જાય તે માટે વ્યવસ્થા કરશે. આ એક મહા કાર્ય છે જે તેમણે પાર પાડવાનું છે. મહામારી પહેલાં જ અમેરિકામાં બેકારીનું પ્રમાણ છેલ્લા 50 વર્ષમાં સૌથી વધી ગયું હતું. કોરોનાનો ચેપ ફેલાયો તે પછી બેકારી અનહદ વધી ગઈ હતી. માત્ર ડિસેમ્બર મહિનામાં જ અમેરિકામાં 1.4 લાખ લોકોએ રોજગારી ગુમાવી.

ઉપપ્રમુખ કમલા હૅરિસે કેટલાંક આંકડાં જાહેર કર્યા તે પણ આઘાતજનક હતા. તેમના જણાવ્યા અનુસાર દર છ અમેરિકામાંથી એક પરિવાર અનાજની તંગી અનુભવી રહ્યો છે. અમેરિકાના 20 ટકા નાગરિકો પોતાના મકાનનું ભાડું ભરી શકે તેમ નથી. દેશના ત્રીજા ભાગના પરિવારો રોજબરોજની જરૂરિયાતો પૂર્ણ ના કરી શકે તેવી સ્થિતિમાં છે.

બાઇડનને રોગચાળાની કટોકટી અને તેના કારણે આવેલી મંદીનો સામનો કરવા માટે 1.9 લાખ કરોડ ડૉલરનું રાહત પેકેજ આપવાની જાહેરાત કરી છે. જોકે આટલુ જંગી બજેટ પાસ કરાવવા માટે સરકારે વિપક્ષ રિપબ્લિકન્સનો સાથ લેવો જરૂરી પડશે. બાઇડન વેક્સિન સાથે રોચચાળો દૂર કરવા માગે છે અને સાથે જ અર્થતંત્રને બેઠું કરીને રોજગારી સર્જન કરવા પર ધ્યાન આપવા માગે છે. આયોજિત ખર્ચ દ્વારા બાઇડન અર્થતંત્રને બેઠું કરવા માગે છે.

આ ઉપરાંત બાઇડને અમેરિકાના સમાજમાં આજે વિભાજન અને સમાનતા આવી છે તેને દૂર કરવા માટે પણ વિચારવું પડશે. બાઇડને એ પણ વિચારવું પડશે કે ગ્રામીણ વિસ્તારમાં અને કામદાર વર્ષમાં રોષ છે, તેના કારણે ટ્રમ્પ જેવા નેતાના વિચારોને સમર્થન મળ્યું હતું. અબ્રાહમ લિંકન અને ફ્રેન્કલિન રુઝવેલ્ટે તેમની સામે આવેલા સંકટને કારણે ઊભી થયેલી સ્થિતિમાં દૂરંદેશી દાખવીને દેશને એક કરવાની કોશિશ કરી હતી. બાઇડને તેમાંથી બોધપાઠ લઈને આગળ વધવું પડશે. તેમણે જે શાણપણ અને ઠરેલપણું દાખવ્યું છે તેને અમલમાં મૂકવામાં આવે અને અમેરિકાને ફરી પાટે ચડાવવામાં આવે તો જ વિશ્વ સત્તા તરીકે અમેરિકા પોતાની આબરૂ જાળવી શકશે.
-

ABOUT THE AUTHOR

...view details